અગિયારસ કે અન્ય કોઈપણ વ્રત માટે રાજગરાના ફરાળી વડા સહેલી રીતથી સ્વાદિષ્ટ બની શકે છે!

સામગ્રીઃ
- બાફેલા બટેટા 4 અથવા બાફેલા કાચાં કેળા
- શેકેલા શીંગદાણાનો ભૂકો ¼ કપ
- સફેદ તલ 2 ટે.સ્પૂન
- આદુ ખમણેલું 1 ટે.સ્પૂન
- લીંબુનો રસ 1 ટે.સ્પૂન
- ખાંડ (optional)
- લીલા મરચાં 3
- કાળા મરીનો પાઉડર 1 ટી.સ્પૂન
- સમારેલી કોથમીર ½ કપ
- રાજગરાનો લોટ 1 કપ
- સ્વાદ મુજબ સિંધવ મીઠું
- વડા તળવા માટે તેલ
રીતઃ બાફેલા બટેટાને ખમણી લેવા (બટેટાને બદલે બાફેલા કાચાં કેળા લેવા હોય તો તે પણ ખમણી લેવા). તેમાં શીંગદાણાનો ભૂકો, સફેદ તલ 1 ચમચી જેટલાં ઉમેરવા, ખમણેલું આદુ, લીંબુનો રસ, ખાંડ, કાળા મરીનો પાઉડર, સમારેલાં લીલાં મરચાં, સમારેલી કોથમીર તેમજ સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરીને રાજગરાનો લોટ થોડો થોડો મેળવતાં જઈ લોટ બાંધવો.
આ વડામાં રાજગરાના લોટનું પ્રમાણ ફક્ત વડા વળી શકે તેવો લોટ બંધાય તેટલું જ લેવું.
એક પ્લેટમાં તલ લઈ રાખવા.
કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. સાથે વડાના લોટમાંથી થોડો લૂવો લઈ તેને બંને હાથની હથેળીમાં થાપીને થેપલી બનાવો. જેમાં વડાની કિનારી સહેજ પાતળી હશે અને વચ્ચેથી વડા ભરેલા રહેશે. વડાની બંને બાજુએ તલ લગાડીને ફરીથી એકવાર થાપીને પ્લેટમાં ગોઠવી દો.
તેલ ગરમ થાય એટલે ગેસની તેજ આંચે વડા હળવેથી તેલમાં મૂકતા જાઓ. એકાદ મિનિટ બાદ ગેસની આંચ મધ્યમ કરી દેવી. વડા આપમેળે ઉપર આવવા માંડે અને સોનેરી રંગ પકડે એટલે ઝારા વડે તેને ઉથલાવીને બીજી બાજુએથી પણ તે સોનેરી રંગના થાય એટલે ગેસની આંચ તેજ કરીને ઝારા વડે વડામાંનું તેલ નિતારીને વડા પ્લેટમાં કાઢી લો.
આ વડા દહીં અથવા ફરાળી લીલી ચટણી સાથે પીરસો.



