નવ વર્ષની પૂર્વ સંધ્યાએ એટલે કે, 31 ડિસેમ્બર ઉજવવા માટે ઘરે જ ઈન્સ્ટન્ટ કેક બનાવવી હોય તો બોર્બોન બિસ્કીટ કેકનો વિકલ્પ બહુ જ સહેલો છે. આ કેક તમે ઓવન વગર કૂકર, કઢાઈ અથવા પેનમાં પણ બનાવી શકો છો!
સામગ્રીઃ
- બોર્બોન બિસ્કીટ મોટા પેકેટ (150 ગ્રામનું એક પેકેટ) 2
- દૂધ 1½ કપ
- ઈનો પાવડરનું સેચે 1 (1 ટી.સ્પૂન જેટલો ઈનો પાવડર)
- ચોકો ચિપ્સ 1 કપ
- ડ્રાયફ્રુટના ટુકડા 1 કપ (optional)
રીતઃ બોર્બોન બિસ્કીટમાંની ક્રીમને ચપ્પૂ અથવા ચમચીના હેન્ડલ વડે એક બાઉલમાં કાઢી લો. બચેલી બિસ્કીટના ટુકડા કરી લઈ તેનો મિક્સીમાં પાવડર કરી લો.
આ પાવડરમાં 1 કપ દૂધ મેળવીને ગઠ્ઠા ના રહે તે રીતે સ્મૂધ મિશ્રણ બનાવી લો.
કેક બનાવવા માટે કૂકર અથવા જાડા તળિયાવાળી કઢાઈ લો. તેમાં કાંઠો અથવા સ્ટેન્ડ મૂકીને ઢાંકણ ઢાંકીને ગેસ પર 10 મિનિટ માટે ગરમ કરવા મૂકો.
કેક બનાવવા માટેના કેક-ટિનમાં બટર પેપર મૂકી તેને તેમજ આજુબાજુએથી ટિનને તેલ વડે ગ્રિસ કરી લો.
કેકના મિશ્રણમાં ચોકો ચિપ્સને મેળવી દો અને ત્ચારબાદ તેમાં 1 ટી.સ્પૂન ઈનો પાવડર મેળવી ચમચા વડે એકસરખું 2-3 મિનિટ માટે કેકનું મિશ્રણ હલાવી કેક-ટિનમાં રેડી દો. આ ટિનને ગેસ પર ગરમ થયેલા વાસણમાં મૂકી દો. હવે આ વાસણ ઢાંકી દો અને 2 મિનિટ માટે ગેસની તેજ આંચે થવા દો. ત્યારબાદ ગેસની ધીમી આંચે તેને 35 મિનિટ માટે થવા દો.
35 મિનિટ બાદ કેકમાં ચપ્પૂ નાખીને તપાસી લો. જો ચપ્પૂ ચોખ્ખું નીકળે, તેના પર કેક ચોંટેલું ના હોય તો સમજવું કેક તૈયાર છે. કેક ટિનને બહાર કાઢી 10 મિનિટ ઠંડું થયા બાદ ચપ્પૂને કેકની ફરતે ફેરવીને ટિન ઉંધું કરીને કેક બહાર કાઢી લો.
હવે એકબાજુએ રાખેલી બોર્બોન બિસ્કીટમાંની ક્રીમમાં ½ કપ દૂધ મેળવીને તેનું સ્મૂધ મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને કેક પર ચોપડી દો. જો ડ્રાયફ્રુટ નાખવા હોય તો કેકની ઉપર ચારેકોર ભભરાવી દો. અથવા તમારી રીતે ડેકોરેટ કરી લો. હવે કેકના પીસ કરીને ખાવા માટે લઈ શકાય છે.