કાંદા-લસણ વગરના છોલે

વ્રત-ઉપવાસમાં કાંદા-લસણ વગરની જ વાનગી બનતી હોય છે! કાંદા-લસણ વગરના છોલે પણ સ્વાદિષ્ટ બનતા હોય છે! તો જાણી લો બનાવવાની રીત!

સામગ્રીઃ

  • છોલે 1 કપ
  • આદુનો ટુકડો
  • ચાની ભૂકી 2 ટે.સ્પૂન
  • લવિંગ 3-4
  • તમાલ પત્ર 2
  • તજનો ટુકડો ½ ઈંચ
  • ટામેટાં 2-3
  • ખમણેલું નાળિયેર 1 કપ
  • મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર ½ ટી.સ્પૂન
  • હળદર ½ ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • છોલે મસાલો 1 ટી.સ્પૂન
  • ફુદીનાના પાન 10-15
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • જીરૂ 1 ટી.સ્પૂન

વઘાર માટેઃ

  • આદુની પાતળી લાંબી ચીરી 1 ટે.સ્પૂન
  • લીલાં મરચાં 2-3
  • તેલ 1 ટે.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન

રીતઃ છોલેને 2-3 પાણીએથી ધોઈ લીધા બાદ બીજા પાણીમાં 7-8 કલાક માટે પલાળી રાખો.

મિક્સીમાં નાળિયેરની છીણ, ફુદીનાના પાન, આદુના ટુકડા નાખીને પેસ્ટ બનાવી લો.

ટામેટાંને લાંબા સુધારીને એક કઢાઈમાં 1 ચમચી તેલમાં ધીમે તાપે 10 મિનિટ સુધી સાંતડવા માટે મૂકો. ત્યારબાદ ટામેટાંને ઠંડા કરીને મિક્સીમાં પીસી લો.

પલાળેલા છોલેમાંથી પાણી કાઢી લઈને કૂકરમાં નાખો. તેમાં 3-4 કપ પાણી ઉમેરી દો. ચાની ભૂકીને એક કોટન રૂમાલમાં ટાઈટ બાંધીને આ પોટલી કૂકરમાં નાખી દો.  તેમજ 2 લવિંગ, 1 તમાલ પત્ર પણ નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરીને 8-10 સીટી થવા દો. કૂકર ઠંડું થયા બાદ ચણામાંથી ચાની પોટલી તેમજ લવિંગ અને તમાલપત્ર બહાર કાઢી લો.

કઢાઈમાં તેલ ગરમ કરીને જીરૂ તતડાવો. ત્યારબાદ હીંગ નાખીને કોપરાનું પેસ્ટ સાંતડી મરચાં પાઉડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો સાંતડીને 2 મિનિટ બાદ ટામેટાંની પેસ્ટ ઉમેરીને ધીમા તાપે 2-3 મિનિટ સાતંડી લીધા બાદ તેલ છૂટું પડે એટલે છોલે મેળવી દો. ફરીથી છોલેમાંથી તેલ છૂટું પડવા માંડે એટલે ગેસ બંધ કરી દો.

એક વઘારીયામાં તેલ ગરમ કરી જીરુ તતડાવો. ત્યારબાદ તેમાં આદુની લાંબી પાતળી ચીરી તેમજ મરચાંની ફાડ કરીને વઘારમાં ઉમેરો. 1 મિનિટ સાંતળી લીધા બાદ તેને છોલેની ઉપર રેડી દો. ઉપરથી સમારેલી કોથમીર ભભરાવી દો.