દિવાળીની રજાઓમાં બાળકો ઘરે હોય એટલે સ્વાદિષ્ટ અવનવી વાનગી ખાવાની જીદ કરતા હોય છે! ત્યારે આ વાનગી તેમની મનપસંદ બની રહે તેવી સ્વાસ્થ્યપ્રદ અને સરળ રીતે બની શકે તેમ છે!
સામગ્રીઃ
- મેંદો 1½ કપ
- સ્વાદ મુજબ મીઠું
- તેલ મોણ માટે 1 ટી.સ્પૂન
- મેંદો 4 ટે.સ્પૂન
- તેલ તળવા માટે
પુરણ માટેઃ
- ખમણેલું પનીર 1 કપ
- પ્રોસેસ ચીઝ ½ કપ
- મોઝરેલા ચીઝ ½ કપ
- ઝીણું સમારેલું સિમલા મરચું ¼ કપ
- બાફેલા મકાઈના દાણા ¼ કપ
- ઝીણી સમારેલી કોથમીર ½ કપ
- તીખાં મરચાં તેમજ આદુની પેસ્ટ 1 ટે.સ્પૂન
- મોળા લીલાં મરચાં 3-4
- ચાટ મસાલો ½ ટી.સ્પૂન
- કાળા મરી પાઉડર ½ ટી.સ્પૂન
- ચીલી ફ્લેક્સ 2 ટી.સ્પૂન
- સ્વાદ મુજબ મીઠું
રીતઃ મેંદામાં સ્વાદ મુજબ મીઠું લઈ થોડું થોડું પાણી ઉમેરતાં જઈ કડક લોટ બાંધીને તેલનું મોણ લગાડીને 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દો.
10 મિનિટ બાદ લોટના મોટા મોટા છ લૂવા કરી લો. બે લૂવા લઈ તેની નાની પુરી વણીને એક સાઈડ ઉપર તેલ ચોપળીને થોડો મેંદો છાંટી દો. બીજી પુરી પણ આ રીતે તેલ અને મેંદાવાળી કરી દો. પહેલી પુરીના તેલવાળા ભાગ ઉપર બીજી તેલવાળી પુરી ઉંધી વાળીને ચોંટાળી દો. આ પુરીની મોટી પાતળી રોટલી વણી લો. ગેસ ઉપર તવો ગરમ કરીને આ રોટલી બંને સાઈડથી 30 સેકન્ડ માટે કાચી પાકી શેકી લો. તેના બંને પડ કાઢી લઈ ડબ્બામાં મૂકીને રૂમાલ વડે ઢાંકી દો. આ જ રીતે બીજી રોટલી તૈયાર કરી લો.
રોટલીમાંથી 2-3 રોટલી એક ઉપર એક ગોઠવીને બંને સાઈડ કટ કરી લો. આમ બધી રોટલીમાંથી લાંબી સમોસા પટ્ટી કટ કરીને ડબ્બામાં મૂકી દો.
એક વાટકીમાં 3-4 ટે.સ્પૂન મેંદો તેમજ તેટલું જ પાણી લઈ જાડી પેસ્ટ બનાવી લો.
પનીરને ધોઈને કોરું કરીને ખમણવું, જેથી એમાંનું પાણી નિતરી જાય. તે જ રીતે કોથમીરને પણ ધોઈને કપડાં પર સૂકવીને સમારવી.
એક બાઉલમાં ખમણેલાં ચીઝ તેમજ પનીર લો. તેમાં મોઝરેલા ચીઝ ઉમેરીને, લીલાં મરચાંને નાના ગોળ ટુકડામાં સમારીને ઉમેરી દો. હવે તેમાં સમારેલું સિમલા મરચું, બાફેલા મકાઈના દાણા, કાળા મરી પાઉડર, આદુ-મરચાંની પેસ્ટ, સમારેલી કોથમીર, ચીલી ફ્લેક્સ તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. ચીઝમાં નમક હોવાથી મીઠું ઉમેરવામાં ધ્યાન રાખવું.
સમોસા પટ્ટીની એક પટ્ટી પાટલા ઉપર લઈ તેને એકબાજુની કોર્નરથી ત્રિકોણાકાર વાળીને એજ રીતે ત્યાંથી જ ફરીથી વાળીને શંકુ આકાર આપીને કોન તૈયાર કરી લો. એક હાથેથી કોન પકડી રાખીને તેમાં ચમચી વડે પુરણ ભરી દો. પટ્ટીના બચેલો છેડા ઉપર મેંદાની પેસ્ટ લગાડીને ફરીથી ફરતે વીંટાળીને ત્રિકોણાકાર સમોસું પેક બંધ કરી લો.
તમે બે પટ્ટીને એક પર એક ક્રોસમાં મૂકીને બંને છેડા વાળીને સમોસાને ચોરસ આકાર પણ આપી શકો છો.
આ રીતે બધા સમોસા તૈયાર થાય એટલે ગેસ ઉપર કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરીને સમોસા તળી લો.
આ સમોસા તીખી લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.