ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. ત્યારે અનેરો સ્વાદ ધરાવતી બદામની ખીર બનાવીને બાપ્પાને પ્રસાદમાં ધરાવો અને બાપ્પાને પ્રસન્ન કરી લો!
સામગ્રીઃ
- બદામ 1 કપ (આશરે 30 નંગ)
- ફૂલ ક્રીમ દૂધ 1 લિટર
- કેસરના તાંતણા 15-20
- કાજુ-પિસ્તાની કાતરી 2 ટે.સ્પૂન
- એલચી પાઉડર 1 ટી.સ્પૂન
- ઘી 1 ટે.સ્પૂન
- કાજુના ટુકડા 8-10
- કિસમિસ 8-10
- સાકર ½ કપ
- જાયફળનો પાઉડર 2-3 ચપટી
- ગુલાબની પાંખડી 10-15
રીતઃ બદામને ગરમ પાણીમાં 1 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ હાથેથી તેને છોલીને ફોતરા કાઢી લો. એક જાળા તળિયાવાળા વાસણ અથવા કઢાઈમાં 1 ટી.સ્પૂન ઘી ગરમ કરી તેમાં કાજુના ટુકડા તેમજ કિસમિસને તળીને બહાર એક બાઉલમાં કાઢી લો. હવે આ જ વાસણમાં એક લિટર દૂધ ગરમ કરવા મૂકો. તેમાંથી ¼ કપ દૂધ કાઢી લઈ તેને ઠંડુ કરીને મિક્સીમાં નાખો. તેમજ તેમાં છોલેલી બદામ પણ ઉમેરીને બારીક પીસી લો.
દૂધનો ઉભરો આવ્યા બાદ ઉકળેલા દૂધમાં કેસરના તાંતણા ઉમેરી દો. એક ઝારા વડે દૂધને 10 મિનિટ સુધી સતત હલાવતાં રહો. ગેસની આંચ મધ્યમ રાખવી. દૂધ પર જામેલી મલાઈ તેમજ કઢાઈની કિનારી પર જામેલી મલાઈને પણ ઝારા વડે હળવેથી કાઢીને દૂધમાં મેળવતા જાઓ. હવે તેમાં સાકર ઉમેરી દો.
દૂધ ઘટ્ટ થવા માંડે એટલે પીસેલી બદામમાં થોડું ગરમ દૂધ મેળવીને ચમચી વડે એકરસ કરી દો. જેથી તેમાં ગઠ્ઠા ના રહે. 10 મિનિટ બાદ ઉકળેલા દૂધમાં બદામની પેસ્ટ ઉમેરી દો. ફરીથી 10 મિનિટ સુધી ઝારા વડે બદામની ખીરને સતત હલાવતા રહો. ત્યારબાદ તેમાં એલચી તેમજ જાયફળનો પાઉડર, તળેલાં કાજુ-કિસમિસ મેળવીને 5 મિનિટ બાદ ગેસની આંચ બંધ કરીને કાજુ-પિસ્તાની કાતરી તેમજ ગુલાબની પાંખડી ભભરાવીને ખીરને સજાવટ કરી લો.
આ બદામની ખીર ઠંડી થાય એટલે રેફ્રીજરેટરમાં 4-5 કલાક માટે ઠંડી થવા દો. ત્યારબાદ ગણપતિ બાપ્પાને પ્રસાદમાં ધરાવો.