કિતને દિનોં સે તુમ ઘર જા ના પાયે, રાતો સે કિતની તુમ સો ના પાયે
માલી કી તરહ તુમને કી હૈ રખવાલી, હંસ કે નિભાઈ હૈ જિમ્મેદારી….
કોવિડ-19 અને લોકડાઉનના કપરા સમયમાં પણ જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવનાર અગણિત કોરોના વોરિયર્સને સમર્પિત થયેલું આ ગીત તો કદાચ તમે દૂરદર્શન સહિત અન્ય ટેલીવિઝન ચેનલ્સ કે યુટયૂબ પર સાંભળ્યુ જ હશે.
અને એ ગીત જેમણે ગાયું છે એ ગાયિકા પણ એક અર્થમાં કોરોના વોરિયર્સ જ છે, કેમ કે આ ગાયિકા પણ પોતાની કલાના માધ્યમ થકી લોકડાઉનના પહેલા જ દિવસથી ગીત-સંગીત જગતના કલાકાર-કસબીઓને મદદ કરવા માટે એક અલગ પ્રકારની લડાઇ લડી રહ્યા છે.
એ ગાયિકા એટલે હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયકીને દેશ-વિદેશમાં પહોંચાડનાર બનારસ ઘરાનાનાં ગાયિકા સોમા ઘોષ. આમ તો એમને ગાયિકી માટે દેશ-વિદેશમાં અનેક સમ્માન મળ્યાં છે, પણ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં સાહેબે એમને દીકરી માન્યા છે અને એમની સાથે જુગલબંદી કરી છે એ એમને મન સૌથી મોટું સમ્માન છે.
મૂળ બનારસના સોમા ઘોષને આમ તો સંગીત અને ગાયકી વારસામાં જ મળી. પિતાજી મનમોહન ચક્રવર્તી સ્વાતંત્ર્ય સેનાની તો માતાજી અર્ચના ચક્રવર્તી કવયિત્રી અને ગાયિકા. નાનાજી પ્રોફેસર હરિહર શાસ્ત્રી પાલી અને સંસ્કૃતના પ્રખર વિદ્વાન એટલે કલા-સૂર-સંગીતનો માહોલ ઘરમાં જ મળ્યો. બનારસમાં જ ઉછેર થયો એટલે એમ કહો કે ઘેર બેઠાં આ ગંગા વહેતી રહી. બનારસ હિન્દુ યુનિવર્સિટીમાંથી જ અંગ્રેજી સાહિત્ય સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી સોમાજીએ મ્યુઝીકમાં જ માસ્ટર્સ અને ડૉક્ટરેટ કર્યું.
વર્ષ 2016 માં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં પ્રદાન બદલ પદ્મશ્રીથી વિભૂષિત એવા સોમાજી એક માત્ર એવા કલાકાર છે, જેમને ભારતની સંસદમાં ગાવાનો મોકો મળ્યો હોય અને એ પણ ઉસ્તાદ બિસ્મિલ્લા ખાં સાહેબ સાથે! બિસ્મિલ્લા ખાં સાહેબ એમની ગાયિકીથી એટલી હદે પ્રભાવિત હતા કે એમણે સોમાજીને દીકરી તરીકે દત્તક લઇ લીધા હતા. બિસ્મિલ્લા ખાં સાથે જુગલબંધી કરવી એ કોઈપણ કલાકાર માટે ગૌરવની વાત છે અને સોમાજીને આ ગૌરવ સંસદ અને રાષ્ટ્રપતિ ભવન એમ બન્ને સ્થળે મળ્યું છે.
એમણે ભારતભરના વિવિધ શહેરમાં ગાવા ઉપરાંત અમેરિકા, સ્વીડન, ઇન્ડોનેશિયા, નાઇજીરીયા, લંડન અને ફીઝી સહિત દુનિયાના અનેક દેશોમાં પરફોર્મ કરીને ભારતીય શાસ્ત્રીય સંગીતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ફીઝીની યુનિવર્સિટીમાં એ વિઝીટીંગ પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. ‘જાની મારો પિચકારી કનૈયા, મૈં અરજ કરી હારી’ કે પછી ‘આજ જાને કી જીદ ના કરો’ જેવા અનેક ગીતોને એમનો કંઠ મળ્યો છે.
એક કલાકાર તરીકે એ સંવેદનશીલ વ્યક્તિ છે. લોકડાઉનના કપરા સમયમાં એમણે ઘરે બેઠાં બેઠાં પણ ગીત-સંગીત સાથે સંકળાયેલા નાના કલાકાર-કસબીઓ અને સાજીંદાઓની ચિંતા કરીને પોતાની સામાજિક નિસબતનો પરિચય આપ્યો છે. બનારસના વણકર પરિવારોની સતત ચિંતા કરી છે. આ બધા પરિવારો માટે ઓનલાઈન મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરી શક્ય એટલું ફંડ એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો છે. એમની આ પહેલમાં પંડિત ચુનીલાલ મિશ્રા, પદ્મવિભૂષણ વિશ્વમોહન ભટ્ટ, અનુપ જલોટા સહિત અનેક કલાકારોએ સહકાર આપ્યો. જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ એમની આ પહેલને ખૂબ વધાવી પોતાનું સમર્થન આપ્યું.
જો કે સંગીતના ક્ષેત્રમાં સોમા ઘોષ કોરોના હોય કે નોર્મલ સમય હોય, કાયમ એક યોધ્ધાની જેમ જ કામ કરતા આવ્યા છે. યોધ્ધા એ અર્થમાં કે આજે સંગીતના આધુનિક સાધનોની ભરમારમાં આપણા જે પ્રાચીન વાદ્યો છે એ લગભગ લુપ્ત થવા આવ્યા છે. આવા વાદ્યો વગાડનાર સાજીંદાઓ પણ હવે ગણ્યાગાંઠ્યા જ છે ત્યારે લુપ્ત થતી આ કલા અને એમના સાજીંદાઓને બચાવવા માટે એમણે અલગ જ પ્રકારની એક ઝુંબેશ ઉપાડી છે. આ માટે એ હાલ દર શનિવારે ઇન્સ્ટાગ્રામ પર સાજ-એ-દિલ નામનો પ્રોગ્રામ કરે છે અને એ રીતે આ કળાને જીવંત રાખવાનો પ્રયત્ન કરે છે. સૂર-સ્વરની સંગત અને અદભૂત કંઠની એમને કુદરતી બક્ષિસ છે. ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં એ કહે છે, ‘આ આપણો સાચો વારસો છે અને એ કોઇપણ રીતે જાળવવો એ આપણી ફરજ છે.’
એમના પતિ સુભંકર ઘોષ ફિલ્મ નિર્દેશક છે અને એ રીતે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે નજીકથી સંકળાયેલા હોવા છતાં અને અનેકવાર ઓફર મળવા છતાં ય એ એકાદ અપવાદ સિવાય ફિલ્મી ગીતો ગાવાથી લગભગ દૂર રહયા છે. એ માને છે કે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત એના શુદ્ધ સ્વરૂપમાં જ જળવાઈ રહેવું જોઈએ. અપવાદ રૂપે એમણે કુછ મીઠા હો જાયે માં એકાદ ગીત, એ પણ દિગ્દર્શકના અતિ-આગ્રહને માન આપીને, ગાયું છે. એમને પહેલો અને છેલ્લો પ્રેમ તો હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત જ છે.
બિસ્મિલ્લા ખાં સાહેબના દત્તક દીકરી હોવાનું એમને સ્વાભાવિક ગૌરવ છે. એ કહે છે, ખાં સાહેબ માટે સૂર એ જ મજહબ અને સૂર એ જ રિશ્તા હતો.
સોમાજી માટે પણ કંઇક એવું જ કહી શકાય. સૂર એ જ એમનો ધર્મ છે, સંગીત એ જ એમનું જીવન છે.
સોમા ઘોષની વિડીયો મુલાકાત જોવા માટે અહીં ક્લીક કરોઃ
(કેતન ત્રિવેદી)