ફ્રેન્કલિન ટેમ્પલટનની છ યોજનામાં લોક ડાઉન કેમ થયું?

રોકાણકારો પાકતી મુદતે પણ બહાર નીકળી શકશે ખરાં ? સેબી અને રિઝર્વ બેંકે  રોકાણકારોનો વિશ્વાસ જાળવવો જોઈશે…

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ફ્રેન્કલિન ટેમ્પલટને એકસાથે તેની છ સ્કીમ્સ બંધ કરી દેવાની જાહેરાત તાજેતરમાં કરતા બજારમાં અને મ્યુચ્યુઅલ ફંડ ઉધોગમાં ચિંતા અને શંકા ફેલાઇ ગયા . શું થઈ ગયું આ? હવે શું થશે? એવા સવાલો થવા લાગ્યા. રોકાણકારો ગભરાટમાં આવી ગયા. ખરેખર શું થયું છે એ સમજીએ અને સાવચેત પણ થઈએ. શેરબજારમાં તો  વોલેટિલિટી  ચાલુ જ  છે, કિંતુ હવે મ્યુચ્યુઅલ ફંડ ઉધોગમાં પણ કંઈક અંશે ગભરાટનો કરન્ટ લાગ્યો હોવાની ઘટના બની છે.

આ વાત છે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડની, જેણે તાજેયરમાં  પોતાની છ ડેટ સ્કીમ્સ  એકસાથે અચાનક જ બંધ કરી દેવાની જાહેરાત કરી દઈને રોકાણકારો, બજાર અને મ્યુચ્યુઅલ ફંડ ઉધોગને  આંચકો આપ્યો છે, જેને પગલે આ યોજનાના ધારકોમાં ગભરાટ ફેલાઈ જવો સ્વાભાવિક છે, હવે આ ગભરાટ અન્ય મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોમાં પણ વાઈરસની જેમ ફેલાઈ જાય તો નવાઈ નહીં. અલબત્ત, સમગ્ર ઉધોગ માટે પેનિકમાં આવવાની જરૂર નથી.

સ્પષ્ટ સમજવાની વાત એ છે કે  આ સમસ્યા ફ્રેન્કલિન ટેમ્પલટનની જ નથી, આ સમસ્યા સમગ્ર અર્થતંત્રની  સ્થિતીની છે, જેનો વિસ્તાર હજી ગંભીર થઈ શકે છે. ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે તેની છ યોજના બંધ કરી તેમાં  અલ્ટ્રા લિકવિડ સ્કીમ, શોર્ટ ટર્મ ઈન્કમ સ્કીમ,ક્રેડિટ રિસ્ક સ્કીમ, વગેરે સમાન ડેટ સ્કીમ્સનો સમાવેશ થાય  છે. આમાંથી અમુક સ્કીમમાં ઊંચા વળતર સાથે ઊંચું જોખમ જોડાયેલું હોવાનું જાહેર હતું તેમછતાં એજન્ટો-બ્રોકરોએ પોતાના ગ્રાહકોને ઊંચું વળતર આપાવવા આ યોજનામાં બેધડક રોકાણ કરાવ્યું હતું.  ફ્રેન્કલિન ટેમ્પલટને આ યોજનાઓમાં લો રેટેડ (નીચા રેટિંગવાળા) સાધનોમાં રોકાણ કર્યુ હતું, જેને રિસ્ક ક્રેડિટ કહેવાય છે. આ રિસ્કને લીધે તે વળતર ઊંચું આપતું હતું, જે હવે તેને ભારે પડી ગયું હોવાનું જણાય છે.  આને પગલે હવે પછી ડેટ સાધનો પ્રત્યે વધુ સાવચેતીપૂર્વક જોવાશે એવું જાણકારો કહે છે. અગાઉના વરસોમાં ફ્રેન્કલિન ટેમ્પલટને સારું વળતર આપ્યું હતું. અત્યારે તેને લોક ડાઉન મોંધું પડી ગયું હતું.  એક અંદાજ મુજબ ફંડે આ યોજનાઓ પેટે આશરે 28000 કરોડ જેટલી રક ચુકવવાની આવશે. આ માટે સમય છે, કિંતુ આ સમય સુધીમાં અર્થંતંત્રમાં સુધારો થાય તો જ વાત બને.

લોકડાઉનની અસર કોર્પોરેટસને

આ ફંડની  સ્કીમ્સનું રોકાણ બોન્ડ, ડિબેન્ચર્સ, વગેરે જેવા સાધનોમાં થયું છે. જેમાં અમુક નિમ્ન જોખમવાળી  સ્કીમ છે, જયારે અમુક હાઈ રિસ્કવાળી છે, હાઈ રિસ્કમાં હાઈ રિટર્ન પણ હતું. કિંતુ હાલ આર્થિક મંદીની જાળ સતત ઊંડી અને ગંભીર બનતા બોન્ડસમાં કરાયેલું  અટવાઈ ગયું છે, કેમ કે વર્તમાન મંદીમાં બોન્ડસ માર્કેટમાં  ખરીદનારા નથી. અલબત્ત, આ બોન્ડસ ચોકકસ મસયગાળાની મુદ્તના  છે. કિંતુ અમુક કોર્પોરેટ વર્ગ  લોક ડાઉનની સ્થિતીને લીધે નાણાં છુટા કરવા પોતાનું રોકાણ  વેચવા જતા સ્કીમ્સ પર દબાણ વધી ગયું હતું. જેથી  અન્ય રોકાણકારોને મળેલી નિરાશાએ મામલો વધુ ચિંતાજનક કરી નાંખ્યો. ફંડે ખોટ કરીને બોન્ડસ વેચવા કરતા પાકતી મુદત સુધી રાહ જોવાનું સલાહભર્યુ  ગણીને સ્કીમ્સને  બંધ જાહેર કરી દીધી. જેથી પાકતી મુદતે અન્ય નાના-મોટા રોકાણકારોએ  ખોટ સહન કરવાની આવે નહીં. આમ જોવા જઈએ તો આ બોલ્ડ નિર્ણય  ગણાય. જેમાં કંપનીની પ્રતિષ્ઠા દાવ પર લાગી કહેવાય, કિંતુ રોકાણકારોને સહન ઓછું કરવું પડે એવું થયું છે.

રોકાણકારોના હિતમાં નિર્ણય ગણાય?

અહીં એ નોંધવું જરૂરી છે કે ફ્રેન્કલિન ફંડે પોતે રોકાણકારો પાસેથી નાણાં એકઠાં કરી તેને વિવિધ ડેટ  સાધનોમાં રોકયા છે,  આ નાણાં કોર્પોરેટ ઈન્વેસ્ટર્સ  પાછાં (રિડમ્પશન) લેવા ગયા ત્યારે જે સ્કીમનાં નાણાંનું રોકાણ બોન્ડમાં  થયું છે, તેમાં ફંડ એ બોન્ડસ  વેચવા જતા મંદીને લીધે  ખરીદનાર મળવાના બંધ થઈ ગયા.  પરિણામે ફંડે પોતાની આ સ્કીમ બંધ કરી દેવાની ફરજ પડી છે. અન્યથા બધાં જ જો ગભરાટમાં રિડમ્પશન માટે આવી જાય તો ડિફોલ્ટ સિવાય કોઈ ઉપાય રહે નહીં. જેથી ફંડે શાણપણ વાપરી હાલ સ્કીમ બંધ જાહેર કરી લોકોને આંચકો ભલે આપ્યો હોય, કિંતુ વાસ્તવમાં વધુ  જોખમને ટાળવાનો આ પ્રયાસ કહી શકાય. અલબત્ત, પાકતી મુદતે ફંડે આ નાણાં પરત કરવાના આવશે, જો કે આ માટે ફંડને સમય મળશે, ફંડ તેની વ્યવસ્થા કરી શકે એવા પ્રયાસ કરી શકે, બેંકો પાસેથી ધિરાણ મેળવીને પણ નાણાંની વ્યવસ્થા કરી શકે. અલબત્ત, પાકતી મુદતને હજી વધુ સમય છે અને એ સમયે નાણાં પરત મળશે જ એની ખાતરી હાલ કોઈ આપી શકે નહીં.

સેબીઆરબીઆઈ કંઈક કરશે?

અહીં એ નોંધવું પણ જરૂરી છે કે આ સમસ્યા જે સમયમાં બહાર આવી છે તે સમય આમ પણ કોવિદ-19ને કારણે વધુ સંવેદનશીલ છે ત્યારે લોકો  ગભરાટમાં ન મુકાય અને લોકો બધાં જ મ્યુચ્યુઅલ ફંડમાં રિડમ્પશન માટે દોડી ન પડે એ માટે સરકારે તેમ જ સેબી અને રિઝર્વ બેંકે દરમ્યાનગીરી કરવી પડશે એમ જણાય છે. અલબત્ત, સરકારે આમ કરવું પણ જોઈએ, કારણ કે  મ્યુચ્યુઅલ ફંડના કરોડો રોકાણકારોના વિશ્વાસનો સવાલ છે.    અગાઉ 2013માં આવી કટોકટી આવી ત્યારે રિઝર્વ બેંકે  મ્યુચ્યુઅલ ફંડસને ધિરાણ આપવાનું બેંકોને કહયું હતું, જો કે એ સમય આવી કારમી –ગંભીર કટોકટીનો નહોતો. અત્યારે તો બેંકો પાસે પ્રવાહિતા હોવા છતાં તે આમાં ધિરાણ કરશે કે નહીં એ  સવાલ છે.

વાસ્તવિકતા સમજો

મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રના  નિષ્ણાંત કહે છે, અત્યારની દશાને સમજવી હોય તો આ કેટલાંક દાખલા સમજવા જોઈએ.  દાખલા તરીકે સરકાર કોઈ એરલાઈન્સને ઉડવાની જ મનાઈ ફરમાવે અને પછી તેના કર્મચારીઓને પગાર ચુકવવાનું કહે તો કયાં સુધી ચાલી શકે? રેલ્વેને બંધ રાખે, જેથી તેને કોઈ આવક થાય નહીં, પણ રેલ્વે કર્મચારીઓને પગાર ચુકવવો પડે તો કયાંસુધી ચાલી શકે?. કોઈ ફેકટરી સાવ બંધ હોય અને તે ખોલી શકવાની સ્થિતી પણ  ન હોય, ઉત્પાદન-વેચાણ બંધ થઈ ગયા હોય અને સરકાર એ ફેકટરીના કામદારોને-અધિકારીઓને પગાર તો આપવાનો જ એવી ફરજ પાડે તો એ મામલો કેટલો ચાલી શકે? આ કઠોર વાસ્તવિકતા  સમજવી આવશ્યક છે.

વિશ્વાસ ટકાવવો જોઈશે

સરકારે બેંકોને કહયું તમે ત્રણ મહિના સુધી  લોન પર વ્યાજ  ન લો, તો બેંકો કઈ રીતે મેનેજ કરશે? કેટલો સમય મેનેજ કરશે? તેના બચતકારો-ડિપોઝિટ ધરાકોને તો બેંકોએ વ્યાજ આપવું જ પડશે.  ઈન શોર્ટ, આ જ રીતે ફ્રેન્કલિન ટેમ્પલટનના કિસ્સામાં હાલ ઉપાય દેખાતો નથી, કિંતુ ઉપાય કરવો પડશે. સેબી અને રિઝર્વ બેંકે ઉપાયનો માર્ગ કાઢવો પડશે. સરકારે જરૂર પડે તો દરમ્યાગીરી કરવી અનિવાર્ય બનશે. જેમ યસ બેંકમાં સરકારે બચતકારોના હિતમાં ઉપાય કર્યો અને બાજી સાચવી લીધી તેમ ફ્રેન્કલિન ટેમ્પલટનના કિસ્સામાં પણ સરકારે કરોડો ઈન્વેસ્ટર્સના હિતમાં અને મ્યુચ્યુઅલ ફંડ ઉધોગના વિશ્વાસ માટે પણ ઉપાય કરવો અનિવાર્ય છે. તેમછતાં હાલ રોકાણકારો સંયમ જાળવી, પેનિકમાં નહીં આવી રાહ જોશે તો આ ઉપાય આગામી સમય કરશે એવી નિષ્ણાંતો અને ફંડ ઉધોગની આશા છે.

(જયેશ ચિતલિયા)