જીડીસીઆરઃ રીયલ એસ્ટેટ સેક્ટરની ચીસાચીસ

દાયકાઓ વીત્યે પણ ઘરનું ઘર અપાવવાના દરેક સરકારના વાયદા અને તેને અનુષંગે લીધેલાં નિર્ણયો સતત થતી રહેતી પ્રક્રિયા રહી છે. સરકાર જેટલા નિર્ણય લે તેની સામે કેટલીક પરિસ્થિતિઓ એવી ખડી રહે છે કે રીયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી મંદીની બૂમો પાડી ઊઠે છે. જીડીસીઆરનો અમલ એવો એક મુદ્દો બની ગયો છે.

વલસાડ રીઅલ એસ્ટેટ એસોસિએશનોનો ફરિયાદી સૂર ઊઠ્યો છે કે બિઝનેસ તદ્દન ઠપ છે તેમાં સરકારે કોમન જીડીસીઆર દાખલ કરી પડતા પર પાટુ માર્યા જેવો ઘાટ સર્જયો છે. સરકારના આ નિયમ અંતર્ગત દરેક ડેવલોપર્સે જમીનના બાંધકામના કુલ વિસ્તારમાંથી 40% એરિયા છોડી પ્લાનિંગ કરવું પડશે એટલે જમીનનો ભાવ માર્કટ વેલ્યુ મુજબ વધશે ત્યાર બાદ તેમાં થતા બાંધકામનો ખર્ચ પણ વધશે તો ઉંચાઇમાં પણ આ વિસ્તાર D-7 કેટેગરીમાં મુક્યો છે. એટલે અત્યાર સુધી વાપી, વલસાડ ઉંમરગામમાં 30મિટર સુધી એટલે કે અંદાજીત 10માળની ઇમારત બનાવી શકાતી હવે તે નિયમમાં પણ ફેરબદલ કરી 16.5 મિટર લેવલ નક્કી કરાયુ છે એટલે અંદાજીત ચાર માળથી વધુની ઇમારત બનાવી નહી શકાય માટે લોકોને ઘરનુ ઘર લેવું હવે મોંઘુ બનશે અને મકાનોના ભાવ આસમાનને આંબશે

કોમન જીડીસીઆરનો સૌથી મોટો માર ખેડૂતોને પડશે કેમ કે જમીન એન એ કરાવવા માટે કે રીવાઇઝ કરવા માટે કુલ જમીનમાંથી 40% જમીન કપાતમાં જશે માટે બિલ્ડરો ડેવલોપર્સની સરકારને વિનંતી છે કે કોમન જીડીસીઆરનો અમલ ભલે કરે પરંતુ તે માત્ર શહેરી વિસ્તારમાં જ હોવો જોઇએ નહી તો આ નિયમથી આ વિસ્તારમાં રીઅલ એસ્ટેટ માર્કેટ કડડભૂસ થશે તે ચોક્કસ વાત છે
વલસાડ જિલ્લામાં રીઅલ એસ્ટેટ ક્ષેત્રે પહેલાં નોટબંધીનો માર ત્યાર બાદ રેરાનો અને જીએસટીની અમલવારીએ પહેલેથી જ મંદીનો માહોલ હતો. જો કે રેરા કાનૂન અકંદરે બિલ્ડરો, ડેવલોપર્સ માટે સારી વાત છે. પરંતુ તેમાં હજુ  સુધી ગવર્નમેન્ટ ડિક્શનરી જ તૈયાર નથી. રેરામાં ઘણી જ ઉણપ વર્તાઇ રહી છે. લોકોને સર્ટિફિકેટ મળ્યાં નથી. ઇન્વર્ડ થતું નથી લોન મળતી નથી તો ગ્રાહકોની પાસ થયેલી લોન બાદ બેંકમાંથી તે તમામ રકમ એકી સાથે મળતી નથી તેનો માર પહેલેથી જ ભોગવી રહેલા રીઅલ એસ્ટેટ બિઝનેસમાં હવે કોમન GDCRનો માર મહામાર તરીકે આવ્યો છે
રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ખરીદી ઠપ રહેવાની ભીતિ છે .એક તરફ તહેવારો બજારમાં તેજીનો ઉત્સાહ વધારવા માટે હોય છે પરંતુ આ વખતે તહેવારોનો ઉત્સાહ પણ રહેશે કે કેમ તે સવાલ છે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે વર્તાઇ રહેલી મંદીનો માર આગામી દિવસોમાં મહામાર સાબિત થશે. જેને લઇને હાલ રિઅલ એસ્ટેટ બિઝનેસમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે. સરકાર દ્વારા નોટબંધી, રેરા, જીએસટી બાદ ઉગામેલું નવું શસ્ત્ર છે. કોમન GDCR (ગુજરાત કોમ્પરહેન્સિવ ડેવલોપમેન્ટ કન્ટ્રોલ રેગ્યુલેશન 2017) જેવું લાંબુંલચક નામ જેનું ગુજરાતી પણ એટલું જ અઘરું છે (ગુજરાત સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો 2017) જેમાં ગુજરાતના 107 શહેરોનો સમાવેશ થાય છે.