આર્થિક મંદીને કારણે જાણીતી બિસ્કીટ ઉત્પાદક કંપની પારલે 10 હજાર લોકોને નોકરીમાંથી છૂટા કરવાની છે એવા અહેવાલો વચ્ચે કંપનીએ ખુલાસો કર્યો છે કે મંદી જરૂર ફેલાઈ છે, પરંતુ અમે આટલી બધી નોકરીઓમાં કાપ મૂકી દીધો છે એવા અહેવાલો અતિશયોક્તિભર્યા છે. અમે હજી સુધી કોઈને છૂટા કર્યા નથી.
પારલે પ્રોડક્ટ્સના સિનિયર કેટેગરી હેડ મયંક શાહે એક મુલાકાતમાં એવી સ્પષ્ટતા કરી છે કે પારલે કંપનીમાં હજી કોઈ સ્તરે નોકરીઓમાં કાપ મૂકાયો નથી. અમુક લોકોએ ખોટી અફવા ફેલાવી છે.
એવા અહેવાલો આવ્યા હતા કે આર્થિક મંદીને કારણે ‘પારલે G’ કંપની 10 હજાર કર્મચારીઓને છૂટા કરશે.
મયંક શાહે વધુમાં કહ્યું છે કે અમારી કંપનીના ઉત્પાદનોના વેચાણમાં નોંધનીય ઘટાડો થયો છે. આનું કારણ છે કિલોગ્રામ દીઠ રૂ. 100થી નીચેની કિંમતની બિસ્કીટ માટેનો જીએસટી ટેક્સ સ્લેબ, જે 18 ટકા છે. બિસ્કીટ ઉદ્યોગને હાલ માઠી અસર પહોંચી છે. આ અસર એકલી પારલે કંપનીને જ નથી થઈ, પરંતુ સમગ્ર ઉદ્યોગને થઈ છે. આજકાલ ગ્રાહકો બિસ્કીટ ખરીદતાં બે વાર વિચાર કરે છે. અગાઉ બિસ્કીટોને એક્સાઈઝ ડ્યૂટીમાંથી બાકાત રાખવામાં આવી હતી, પરંતુ હવે એને જીએસટીમાં સામેલ કરવામાં આવી છે. આને કારણે બિસ્કીટોના વેચાણને મોટો ફટકો પડ્યો છે, ખાસ કરીને કિલોગ્રામ દીઠ રૂ. 100થી ઓછી કિંમતની બિસ્કીટોનાં વેચાણને.
મયંક શાહે કહ્યું કે અમારી કંપની સરકારને છેલ્લા એક વર્ષથી વિનંતી કરી રહી છે કે તે આ બાબતમાં ધ્યાન આપે. કિલોગ્રામ દીઠ રૂ. 100 કે તેથી વધુની કિંમતની પ્રીમિયમ સેગ્મેન્ટ બિસ્કીટો અને કિલોગ્રામ દીઠ રૂ. 100થી ઓછી કિંમતની બેઝિક બિસ્કીટોને અલગ અલગ કેટેગરીમાં મૂકવામાં આવી છે. અમારી વિનંતી છે કે બેઝિક બિસ્કીટોની કેટેગરીમાં અમને રાહત આપવામાં આવે અને જીએસટી સ્લેબ ઘટાડી દેવામાં આવે, જે સરકારે એપરલ, ફૂટવેર તથા અન્ય ચીજવસ્તુઓ માટે કર્યું છે.
પારલે પ્રોડક્ટ્સનું કદ ઘટાડી દેવાની શક્યતાને પણ મયંક શાહે નકારી કાઢી છે અને કહ્યું છે કે બેઝિક બિસ્કીટની કેટેગરીનું વેચાણ જો ઘટતું જ રહેશે તો જ નોકરીઓમાં કાપ મૂકવામાં આવશે. આ કેટેગરીમાં વેચાણ એક સમયે પ્રતિ વર્ષ 10-12 ટકા હતું, જે હાલ ઘટીને 7-8 ટકા થઈ ગયું છે.
શાહનું એમ પણ કહેવું છે કે પારલે કંપનીમાં જ પ્રીમિયમ બિસ્કીટોનું વેચાણ ઘણું સરસ રીતે વધી રહ્યું છે, પણ સામાન્ય માનવીઓ જે ખાય છે તે બેઝિક કેટેગરીની બિસ્કીટોનું વેચાણ જીએસટીનો અમલ શરૂ કરાયા બાદ ઘટી ગયું છે. પારલે-G જેવી બ્રાન્ડની બિસ્કીટોનું વેચાણ જીએસટી લાગુ કરાયા બાદ ઘટી ગયું છે. પાંચ રૂપિયા જેટલી ઓછી કિંમતની બિસ્કીટો પર ઊંચા દરનો જીએસટી લાગુ કરાયો છે એટલે વેચાણ ઘટ્યું છે, તે છતાં એની અસર નોકરીઓ પર પડી નથી.