જેટ એરવેઝની નૈયા હાલકડોલક, જો આ સૂકાની આવે તો…

જેટ એરવેઝ નાણાકીય કટોકટીમાં સપડાઈ હોવાના સમાચાર આવ્યાં છે, ગળાકાપ હરીફાઈ વચ્ચે જેટ એરવેઝે નુકશાન કર્યું છે. જે પછી હવે જેટ એરવેઝને નાણાકીય સંકટમાંથી ઉગારવા માટે તાતા સન્સ મેદાનમાં આવ્યુ હોવાની ચર્ચા છે, અને સરકાર પણ ઈચ્છી રહી છે કે જેટ એરવેઝ તાતા સન્સ લે.  તાતા સન્સ જેટ એરવેઝને ખરીદી લેશે કે હિસ્સો વધારશે તો જેટના કર્મચારીઓની નોકરી બચી જશે. જે એક સારો સંદેશ જશે, માટે સરકાર પણ પોઝિટિવ છે. અને સરકાર તાતા સન્સના સંપર્કમાં છે, તેમજ સરકારે કેટલીક ઓફર પણ કરી દીધી છે.અત્રે યાદ અપાવી દઈએ કે તાતાની 1932માં ભારતમાં સૌથી પહેલી એરલાઈનની શરૂઆત કરી હતી. ત્યાર પછી ટાટા એરલાઈન એર ઈન્ડિયા થઈ ગઈ. હાલમાં તાતા બે એરલાઈન્સ વિસ્તારા અને એરએશિયા ઈન્ડિયાનું સંચાલન કરે છે. આ બન્ને એરલાઈન્સનું માર્કેટ શેર 8.2 ટકા છે. જેટને ટેકઓવર કર્યા પછી આ માર્કેટ શેર 24 ટકા થઈ શકે છે. જે પછી ટાટા ઈન્ડિગો પછીની સૌથી મોટી એવિએશન કંપની બની જશે.

જો કે હાલ જેટને તાતા સન્સ ટેકઓવર કરશે તે વાત પ્રારંભિક તબક્કામાં જ છે. અને મિડિયામાં વિસ્તૃત ચર્ચા થઈ રહી છે. હજી સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન આવ્યું નથી. હાલમાં ચર્ચા એવી છે કે તાતા ગ્રુપ નરેશ ગોયલની આગેવાની હેઠળની જેટ એરવેઝને સિંગાપુર એરલાઈન્સની સાથે મળીને પુરી રીતે ટેકઓવર કરવાની યોજના બનાવી રહ્યું છે. અલગઅલગ ક્ષેત્રમાં કાર કરી રહેલા ગ્રુપે શુક્રવારે જ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની બેઠક પછી સ્પષ્ટ કર્યું હતું કે જેટ એરવેઝને ટેકઓવર કરવાની વાતચીત પ્રાથમિક તબક્કામાં જ છે. હજી સુધી કોઈ દરખાસ્ત પણ મુકવામાં આવી નથી.

હા… જેટ એરવેઝના ઉપ મુખ્ય કાર્યકારી ઓફિસર અમિત અગ્રવાલે આ સપ્તાહે એમ કહ્યું હતું કે તેમની કંપની રોકાણ કરવા ઈચ્છતા કેટલાક પક્ષો સાથે વાતચીત કરી રહી છે. તે ઉપરાંત જેટ એરવેઝ પોતાના 6 બોઈંગ 777 વિમાન અને લોયલ્ટી કાર્યક્રમ જેટ પ્રિવિલેજમાં હિસ્સેદારી વેચવા જઈ રહી છે. જેટ એરવેઝમાં ગોયલ અને તેમના પરિવારની 51 ટકા હિસ્સેદારી છે, અને સંયુક્ત અરબ અમીરાતના એતિહાદ એરવેઝનો 24 ટકા હિસ્સો છે.

જેટ એરવેઝે ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બરને અંત પુરા થયેલ બીજા ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1261 કરોડની જંગી ખોટ બતાવી છે. એક વર્ષ પહેલા આ જ સમયગાળામાં રૂપિયા 71 કરોડનો નફો કર્યો હતો. જો કે ત્યાર બાદ સતત કવાર્ટરથી જેટ એરવેઝ ખોટમાં ચાલી રહી છે. જેથી સમગ્ર કંપની મેનેજમેન્ટ ચિંતામાં મુકાયું છે. તેની સાથે જેટ એરવેઝમાં નોકરી કરતાં તમામ કર્મચારીઓને નોકરી જતી રહેવાનો ભય સતાવી રહ્યો છે.2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તે પહેલા જેટ એરવેઝ નબળી પડે કે બંધ કરી દેવાય તો તેની સમાજના માનસ પર વિપરીત અસર પડી શકે છે તેથી કેન્દ્ર સરકાર પણ ઈચ્છી રહ્યું છે કે જેટ એરવેઝનું સંચાલન મજબૂત હાથમાં જાય, અને જેટ એરવેઝને જીવતદાન મળે. કેન્દ્ર સરકારે તો જેટના બાકી દેવાની કેટલીક રકમ રાઈટ ઓફ કરવાની પણ ઓફર આપી દીધી છે.

જેટ એરવેઝને તાતા ગ્રુપ ટેકઓવર કરશે તે સમાચાર પછી જેટ એરવેઝના શેરમાં પણ તેજીનો ચમકારો આવી ગયો છે. જંગી ખોટ નોંધાવ્યાના સમાચાર પછી જેટ એરવેઝના શેરનો ભાવ ઘટ્યો હતો. પહેલી ઓકટોબરના રોજ જેટ એરવેઝના શેરનો ભાવ ઘટીને રૂપિયા 162.80 થઈ ગયો હતો, અને તાતા ગ્રુપ ટેકઓવર કરશે જે સમાચાર પાછળ નવી ખરીદી નિકળતાં ઉછળી 16 નવેમ્બરને શુક્રવારે રૂપિયા 366.95 થઈ ટ્રેડિંગ સેશનને અંતે રૂપિયા 346.50 બંધ રહ્યો હતો.

એકતરફ જેટ એરવેઝ જંગી ખોટ નોંધાવ્યા પછી ખર્ચ ઘટાડવા પર ભાર મુકી રહી છે, અને તેના પર યોજના વિચારી છે, તેની સાથે કમાણી વધે તે માટે પણ ઓછા ટ્રાફિક અને ઓછા નફાવાળા રૂટ બંધ કરવા અથવા સંખ્યા ઘટાડવા જેવા પગલા ભરવા યોજના બનાવી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ વધ્યા, ડૉલર સામે રૂપિયો નબળો પડ્યો, ફ્લાઈટના ઓછા ભાડાની હરિફાઈ, તહેવારોમાં ડિસ્કાઉન્ટ ઓફર જેવા કારણોને લઈને જેટ એરવેઝે ખોટ કરી છે, જો કે બીજી તરફ એવીએશન રીપોર્ટ પર નજર કરીએ તો દુનિયામાં સૌથી ઝડપથી ઉબરતું માર્કેટ હોય તો તે ભારતનું એવિએશન માર્કેટ છે. અને ભારતનું એવિએશન બજાર વાર્ષિક ધોરણે 20 ટકાના પેસેન્જર ગ્રોથથી આગળ વધી રહ્યું છે.જેટ એરવેઝમાં તાતા ગ્રુપ કન્ટ્રોલિંગ સ્ટેક લઈ લેશે તો તાતા ગ્રુપને એરલાઈન્સના સંચાલનનો બહોળો અનુભવ છે. તો જેટ એરવેઝ ઝડપથી નફામાં આવી જશે, અને ભારતને જેટ તરફથી વધુ સારી સુવિધા સાથેની એરલાઈન્સ સેવાનો લાભ મળતો રહેશે. ટૂંકમાં જેટને જીવતદાન મળી જશે તે નફામાં.