ભારતીય અર્થતંત્ર કઈ તરફઃ મહત્વના સમાચાર આવશે

દીવાળીના મુહૂર્તના ટ્રેડિંગ પછી શેરબજારમાં મંદી અટકી છે, અને ધીમો સુધારો આવ્યો છે. માર્કેટ સ્ટેબલ થયું છે, એફઆઈઆઈની નવી વેચવાલી અટકી ગઈ છે, તેની સાથે ગગડતો રૂપિયો સુધારા પર છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ પણ ઘટ્યો છે. સ્થાનિક બજારમાં પેટ્રોલ,ડીઝલના ભાવ પણ ઘટ્યા છે. આમ જે ફેકટર નેગેટિવ હતા, તે જ ફેકટર હાલ પોઝિટિવ થઈ ગયા છે. સ્ટોક માર્કેટ ખાસ્સુ એવું ઘટ્યા પછી સારી એવી રીકવરી પણ આવી છે, જો કે ઈન્ડેક્સ આધારિત સીલેક્ટેડ અને હેવીવેઈટ શેરોમાં જ તેજી થઈ છે, હજી ઘણા બધા શેરના ભાવ ઊંચકાયા નથી. પણ હવે સવાલ એ છે કે શેરબજારમાં આ તેજી કેટલી આગળ વધશે. કારણે આગામી સપ્તાહે અને તે પછીના દિવસોમાં અનેક અતિ મહત્વની ઘટનાઓ ઘટવાની છે, અને તેની શેરબજારની ચાલ પર ચોક્કસ અસર પડશે. તેની સાથે ભારતીય ઈકોનોમી કઈ તરફ જઈ રહી છે, તે અંગેના મહત્વના આંકડા પણ જાહેર થશે.

આગામી સપ્તાહની 3 ડીસેમ્બરથી 5 ડીસેમ્બર દરમિયાન રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ધીરાણ નીતિની સમીક્ષા કરનાર છે. જેમાં આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરે છે કે નહી તેના પર સૌની મીટ મંડાયેલી છે. ફુગાવો તો અંકુશમાં રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ ઘટ્યા પછી પેટ્રોલડીઝલના ભાવ પણ ઘટ્યા છે, જેથી મોંઘવારી સ્થિર થઈ છે. જેથી હવે આરબીઆઈને ચિંતા છે કે આર્થિક વિકાસ દરની… આરબીઆઈ મોંઘવારી દરમાં આંશિક ઘટાડાની ધારણા રજૂ કરી શકે છે, તેની સાથે જીડીપી દર ઊંચો જવાની ધારણા વ્યક્ત કરશે. હવે જોવાનું એ છે આ વખતની ધીરાણ નીતિમાં વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો કરે તો ઔદ્યોગિક વૃદ્ધિને તેજ ગતિ મળે અને ડિમાન્ડ પણ વધે. કેટલાક બેંકરોના મતે બેંક રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો તો આવશે. વિદેશી રોકાણ આકર્ષવા માટે જીડીપીનો વૃદ્ધિ દર ઊંચો હોવો ખુબ જરૂરી છે. જો કે હાલ ભારતનો જીડીપી વૃદ્ધિ દર ચીન કરતાં ઊંચો છે. એટલે એવો કોઈ પ્રશ્ન જ નથી. પણ ભારતનો જીડીપી 7.5 ટકાની ઉપર રહે તે ભારતીય અર્થતંત્ર માટે પોઝિટિવ રહેશે.

સાથેસાથે આરબીઆઈની ધીરાણ નીતિ પછી રૂપિયાની વધઘટ પર તેની અસર જોવા મળશે. જો કે ડૉલર સામે રૂપિયો ઝડપી તૂટયા પછી હાલ સુધારા પર છે, અને વિદેશી રોકાણકારોની સ્ટોક માર્કેટની વેચવાલી અટકી છે, જેથી રૂપિયામાં ધીમો સુધારો આવ્યો છે. પણ ધીરાણ નીતિમાં વ્યાજ દરમાં ઘટાડો કરાશે તો રૂપિયો વધુ સુધરશે. તેમજ જીડીપીનો વૃદ્ધિ દર જો વધીને આવશે તો પણ રૂપિયો મજબૂત થશે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં જીડીપીનો વૃદ્ધિ દર બે વર્ષની ઊંચાઈ પર પહોંચી ગયો હતો. પણ સપ્ટેમ્બરમાં પુરા થયેલ બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીનો વૃદ્ધિ દર ધીમો પડીને 7.1 ટકા થયો. પ્રથમ ત્રણ મહિનાની સામે માંગમાં ઘટાડો અને ખેતીવાડી ક્ષેત્રમાં મંદી આવી, જેને પગલે જીડીપી સામાન્ય ઘટીને આવ્યો હતો. પણ હવે શુક્રવારને 7 ડીસેમ્બરે જીડીપીના આંકડા જાહેર થનાર છે. જેના પર સ્ટોક માર્કેટ અને આર્થિક નિષ્ણાતો પર નજર છે. તે ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રકચર અને સેવા ક્ષેત્રના પીએમઆઈના આંકડા પણ જાહેર થનાર છે.

તેમજ જી-20 શિખર સંમલેન ચાલી રહ્યું છે, જેમાં અમેરિકા અને ચીન વચ્ચે બેઠકના પરિણામ પર મીટ મંડાયેલી છે. અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડવૉરને કારણે બન્ને દેશોની ઈકોનોમીને ખાસ્સુ નુકશાન થઈ ચુકયું છે. અમેરિકા ફર્સ્ટની નીતિને કારણે અમેરિકાએ ચીનથી આયાત થતી વસ્તુઓ પર ડયૂટી લાદી દીધી છે, તો ચીને પણ વળતો પ્રહાર કરીને અમેરિકાથી આયાત થતી ચીજવસ્તુઓ પર ડ્યૂટી લાદી છે. જેની વિપરીત અસર બન્ને દેશોની આયાત નિકાસ બેલેન્સ તુલા પર પડી છે. આ ટ્રેડવૉરથી એશિયાઈ દેશો પર પણ ગંભીર અસરો થઈ છે. જી-20 શિખર સંમેલનમાં ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે શુ વાતચીત થાય છે, તેના પર શેરબજારની ચાલનો આધાર છે.

વધુમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે, જેના પરિણામ પર દેશ અને દુનિયા તથા સ્ટોક માર્કેટની નજર છે. 2019માં યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ હોવાથી રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણામો ખુબ જ મહત્વનો ભાગ ભજવશે.

શેરબજારમાં ઘટ્યા મથાળેથી વીતેલા સપ્તાહે સુધારો આવ્યો છે. વીતેલા સપ્તાહે સેન્સેક્સ 1213 પોઈન્ટ એટલે કે 2.34 ટકા વધી 36,194 બંધ રહ્યો છે. તેમજ નિફટી પણ વધી 10,876 પર બંધ રહ્યો હતો. જે પરિબળોને કારણે મંદી થઈ હતી, તે તમામ ફેકટર હવે પોઝિટિવ થયા છે. એફઆઈઆઈનું નેટ સેલીંગ બંધ થયું છે. સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડોની ટેકારૂપી લેવાલી સતત ચાલુ રહી છે. દર મહિને એસઆઈપી થકી આવેલા નાણાનું શેરબજારમાં નવું રોકાણ થઈ રહ્યું છે. જેથી એફઆઈઆઈની બધી જ વેચવાલી ખવાઈ ગઈ છે. અને હવે માર્કેટ પણ સ્ટેબલ થયું છે.

Up Coming Event

  • Dec 5 – RBI Policy
  • Dec 6 – OPEC Meet  HB
  • Dec 8 –  Exit Poll
  • Dec 11 – Election Results
  • Dec 12 – WPI inflation
  • Dec 14 – RBI Board Meeting
  • Dec 15 – Advance tax No.s

જો કે હવે આગામી સપ્તાહે અનેક ઘટનાક્રમ વચ્ચે સ્ટોક માર્કેટની ભાવિ ચાલ નક્કી થશે. જો કે હાલ જોવા જઈએ તો ટેકનિકલી સેન્સેક્સમાં 35,300 અને નિફટી 10,600ના સપોર્ટ લેવલ ખુબ મહત્વના સાબિત થશે. તેમજ દીવાળીના મુહૂર્તની ‘કેન’ તેજીમાં પડી છે. જેથી આગામી દિવસોમાં વધઘટ આવશે, પણ વધઘટે તેજી થશે.