ઉપરાંત, વિશ્વભરનાં શેરબજારોમાં ચડ-ઉતરના માહોલમાં ઘણા સ્થાનિક રોકાણકારોને વિદેશી બજારોમાં નાણાકીય તક દેખાઈ રહી છે. આવામાં સ્થાનિક રોકાણકારોને વૈશ્વિક બજારોમાં પ્રવેશવા માટે ઇન્ટરનૅશનલ ફંડ્સ એક નવો વિકલ્પ પૂરો પાડે છે.
પોતાની વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં રાખીને પોતાની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ માટે નાણાકીય નિર્ણયો લેવાનું એમ પણ અઘરું હોય છે અને અનિશ્ચિતતાના આજના જેવા માહોલમાં તો એ વધારે અઘરું બની જાય છે.
આથી આપણે આ એસેટ ક્લાસને નાણાકીય પોર્ટફોલિયોમાં સ્થાન આપતાં પૂર્વે તેની યોગ્યતા ચકાસવા માટે આ ચાર પ્રશ્નોની વાત કરીશું:
1) ઇન્ટરનૅશનલ ફંડ્સમાં રોકાણ શું કામ કરવું જોઈએ?
ડિજિટલાઇઝેશનના આ યુગમાં રોકાણકારો વધુ સ્માર્ટ બની ગયા છે. સ્થાનિક તેમજ વૈશ્વિક બજારોમાં રોકાણ કરવાનું પહેલાં કરતાં ઘણું સરળ બની ગયું છે.
ઇન્ટરનૅશનલ ફંડ્સમાં રોકાણ કરવા માટેનું પ્રથમ કારણ એ છે કે તેની મદદથી રોકાણકારોને ભૌગોલિક ધોરણે ડાઇવર્સિફિકેશન કરવા મળે છે.
બીજું કારણ એ છે કે અલગ અલગ દેશોમાં આર્થિક ચક્ર અલગ અલગ હોય છે. અલગ અલગ આર્થિક ચક્રમાં રોકાણ કરવાથી નુકસાન થવાની શક્યતા ઘટી જાય છે અને વળતર વધવાની શક્યતા વધી જાય છે.
ત્રીજું કારણ એ છે કે વૈશ્વિક બજારોના સંપર્કમાં આવવાથી રોકાણકારોએ બજારનો સતત અભ્યાસ કરવાની જરૂર પડે છે. પરિણામે, તેમને બહોળો અનુભવ મળે છે અને એમની કુશળતા વધે છે.
2) ઇન્ટરનૅશનલ ફંડ્સમાં ક્યારે રોકાણ કરવું જોઈએ?
રોકાણની તક હવે ભૌગોલિક સીમાડાને આધીન નથી. જો તમને કોઈ અર્થતંત્ર ઉભરતું દેખાય અને વિશ્વના અલગ અલગ દેશોમાં વિકાસની તક દેખાય તો તમે તેમાં રોકાણ કરી શકો છો.
તમારે ફક્ત એટલું જાણવું જરૂરી છે કે એ તકોનો લાભ લેવા માટેનું રોકાણ ક્યારે શરૂ કરવું. આપણે અગાઉ કહ્યું એમ, પોર્ટફોલિયોનું ડાઇવર્સિફિકેશન કરવાથી જોખમો ઘટે છે. અલગ અલગ ઊભરતાં અર્થતંત્રોમાં રોકાણ કરવાથી ડાઇવર્સિફિકેશન થાય છે અને પોર્ટફોલિયો વધુ સ્થિર બને છે.
બજારને વશમાં કરવાનું ટાળીને તેને સમય આપો. પોતાનાં નાણાકીય લક્ષ્યોને અનુરૂપ એસેટ એલોકેશન કરીને રોકાણ ગમે તે સમયે શરૂ કરી શકાય છે.
3) ઇન્ટરનૅશનલ ફંડ્સમાં કેવી રીતે રોકાણ કરવું જોઈએ?
ઇન્ટરનૅશનલ ફંડ્સ વાસ્તવમાં ઇક્વિટી ફંડ્સ છે, જે ભારત બહારની લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણ કરે છે. આ ફંડ્સ તમને વિશ્વની મોટી-મોટી કંપનીઓમાં રોકાણ કરવામાં સહાયભૂત થાય છે.
હાલમાં, અમેરિકા, યુરોપ, ચીન, બ્રાઝિલ, એશિયન દેશો, ઊભરતાં અર્થતંત્રો, વગેરેમાં રોકાણ કરવાના વિકલ્પો ઉપલબ્ધ છે. તેમાં એવી પણ સ્કીમ છે, જે ટેક્નૉલૉજી, કૃષિ, ફાર્મા, વગેરે જેવાં નિશ્ચિત માર્કેટ સેગમેન્ટમાં રોકાણ કરવાની તક આપે છે. કેટલીક સ્કીમ રોકાણની નિષ્ક્રિય વ્યૂહરચના પર આધારિત હોય છે, અર્થાત્ પોર્ટફોલિયોને સક્રિય રીતે સંચાલિત કરવાને બદલે નિશ્ચિત ઇન્ડેક્સમાં રોકાણ કરે છે. એક પ્રકાર ફંડ ઑફ ફંડ્સ નામનો પણ છે. તેઓ આંતરરાષ્ટ્રીય બજારનાં નિશ્ચિત મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરે છે.
4) ઇન્ટરનૅશનલ ફંડ્સમાં કોણે રોકાણ કરવું જોઈએ?
જે રોકાણકારો વિનિમય દરને લગતાં તથા વૈશ્વિક આર્થિક પરિબળોને લીધે ઊભાં થતાં જોખમો ઝીલવા તૈયાર હોય તેઓ આવાં ફંડ્સમાં રોકાણ કરી શકે છે. ઈક્વિટી ફંડ્સ હોવાને નાતે તેમાં કરવાનું રોકાણ લાંબા ગાળાનું હોવું જરૂરી છે. રોકાણકારોએ વૈશ્વિક આર્થિક પ્રવાહોથી વાકેફ રહેવાનું જરૂરી છે. આના માટે તેમણે વૈશ્વિક ઘટનાઓ પર સતત દેખરેખ રાખવી આવશ્યક છે.
વિનિમય દરની વધઘટ, વિવિધ દેશોનાં રાજકીય, સામાજિક અને આર્થિક પરિબળો, બે બજારોમાં રોકાણ થતું હોવાથી બન્નેનાં જોખમો અને સેક્ટોરલ બજારની અસર એ બધાં ઇન્ટરનૅશનલ ફંડ્સ સાથે સંકળાયેલાં મુખ્ય જોખમો છે.
જો કે, આખરી નિર્ણય લેતાં પહેલાં ઇન્ટરનૅશનલ ફંડ્સને લાગુ પડતા કરવેરાની અસરને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. કરવેરાની દૃષ્ટિએ આ ફંડ્સને ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સની જેમ ગણવામાં આવે છે, એટલે કે જો તમે તેને ત્રણ વર્ષ પહેલાં વેચો તો વળતર તમારી આવકમાં ઉમેરવામાં આવે છે અને તમને લાગુ પડતા આવકવેરા સ્લેબ મુજબ કર લાદવામાં આવે છે. જો તમે ત્રણ વર્ષ પછી રોકાણનું વેચાણ કરો તો ઇન્ડેક્સેશન બેનિફિટ સાથે વળતર પર 20%ના દરે કરવેરો લાગુ પડે છે.
ઇન્ટરનૅશનલ ફંડ્સની સ્કીમના ટ્રેક રેકર્ડ સહિતની બીજી બાબતો પણ તપાસી લેવી જરૂરી છે.
- ખ્યાતિ મશરૂ-વસાણી (ચાર્ટર્ડ વેલ્થ મેનેજર)