લોકડાઉન વચ્ચે પણ ભંડોળ એકત્ર કરે છે અને ઝઝૂમે છે, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ અને સ્ટાર્ટઅપ્સ
દેશના અર્થતંત્રમાં સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (SMEs)ની ભૂમિકા પ્રભાવશાળી રહી છે, કારણ કે રાષ્ટ્રના ઔદ્યોગિક કામકાજમાં તેનો મોટો હિસ્સો રહ્યો છે. SMEs ક્ષેત્ર સતત વૃદ્ધિ કરી રહ્યું છે અને SMEsની વધી રહેલી સંખ્યા, ઉત્પાદન અને તેની સંખ્યામાં વધારો, રોજગાર વૃદ્ધિ, ટેક્નિકલ ઈનોવેશન અને વધી રહેલાં વેપાર સાહસોમાં આ હકીકતનું પ્રતિબિંબ પડે છે. આ ક્ષેત્ર રોજગારી સર્જન ઉપરાંત મલ્ટીનેશનલ કંપનીઓ અને વિરાટ કંપનીઓને પૂરક સેવાઓ અને ઉત્પાદનો પૂરાં પાડવાની કામગીરી કરે છે.
SMEs શહેરો, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં મોટા પાયે રોજગારી સર્જન કરે છે એટલે આ ક્ષેત્રનો વિકાસ દેશના અર્થતંત્રના વિકાસ માટે અતિ મહત્ત્વનો છે. એસએમઈ ક્ષેત્રનો વિકાસ થાય એ માટે તેને પર્યાપ્ત ભંડોળ ઉપલબ્ધ થઈ રહે એ જોવું જરૂરી છે.
માઈક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSMEs) મોટે ભાગે કામકાજ, મૂડીખર્ચ અને કાર્યકારી મૂડી માટે બેન્ક ધિરાણ પર આધાર રાખે છે. ત્યારે અન્ય વૈકલ્પિક ધિરાણ સ્ત્રોતો જેવા કે નોન-બેન્કિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ, ઈક્વિટી ફાઈનાન્સિંગ, વેન્ચર કેપિટલ, સીડ કેપિટલ વગેરે એસએમઈ ક્ષેત્રમાં લોકપ્રિય થઈ રહ્યા છે. બધા ઉદ્યોગોના એસએમઈમાં ઈક્વિટી ભંડોળની માંગ સતત વધી રહી છે.
ઉચ્ચ વિકાસની સંભાવના ધરાવતાં એસએમઈઝ અને સ્ટાર્ટ-અપ્સ માટે ઈક્વિટી મૂડી ભંડોળનો યોગ્ય સ્ત્રોત છે. ઈક્વિટી મૂડી પર વળતર કે તેની પુનઃ ચુકવણી પર સમયનું બંધન હોતું નથી એટલે જો કંપનીની પ્રગતિ વિલંબમાં પડે તો પણ તેના પરનો અંકુશ ગુમાવવાનો ડર રહેતો નથી. વળી જેઓ વધુ જોખમ લેવા તૈયાર હોય એવા રોકાણકારોને આ ક્ષેત્રમાં વળતર પણ સારું મળી રહે છે.
દેશમાં વેપાર ક્ષેત્રે સાહસવૃત્તિને ઉત્તેજન પૂરું પાડવા વધુને વધુ ઈક્વિટી ફંડ્સ ઉપલબ્ધ કરવાની જરૂર છે, જેથી એમએસએમઈઝ ઈનોવેશન, નવી ટેક્નોલોજી અને નવી બજારોમાં પ્રવેશ કરવા જેવી યોજનાઓને સાકાર કરી શકે.
આજે દેશની મૂડીબજાર વિરાટ બની છે અને તેના નિયમનનું શ્રેષ્ઠ માળખું અહીં છે. પરિણામે રોકાણકારો પાસે રોકાણના અનેક વિકલ્પ છે. રોકાણકારોનો વર્ગ પણ વિસ્તરી રહ્યો છે ત્યારે એસએમઈઝ અને સ્ટાર્ટ-અપ્સના સંવર્ધન માટે મૂડીબજારમાં અલગ પ્લેટફોર્મની રચના કરવામાં આવી છે.
સેબીએ 18 મે, 2010ના રોજ વિસ્તૃત માર્ગદર્શિકા બહાર પાડી એ પછી દેશમાં સૌપ્રથમ એસએમઈ એક્સચેન્જની સ્થાપના બીએસઈએ 13 માર્ચ, 2012ના રોજ કરી હતી. એસએમઈ વિકાસ અને વિસ્તરણ માટે ઈક્વિટી મૂડી એકત્ર કરી મૂલ્યસર્જન કરી શકે એ હેતુથી આ એસએમઈ એક્સચેન્જની સ્થાપના કરાયેલી છે.
આ નવા પ્લેટફોર્મ અંગેની જાગૃતિ માટે સેબી, એસએમઈ એસોસિયેશન્સ, ઈન્ડસ્ટ્રિયલ એસોસિયેશન્સ સીઆઈઆઈસ, ફિક્કી, એસોએમ, આઈસીએઆઈ, આઈસીએસઆઈ તેમ જ અન્ય ઘણી સંસ્થાઓ સાથે મળીને સંખ્યાબંધ પરિસંવાદો યોજવામાં આવ્યા. આનું પરિણામ એ આવ્યું છે કે ઘણાં એસએમઈ અત્યારે મોટી કંપનીઓમાં ફેરવાઈ ગઈ છે. વર્ષ 2012થી 2015નો સમયગાળો પ્રાઈમરી માર્કેટ માટે સારો નહોતો તેમ છતાં એ સમયે બીએસઈ સૌથી અધિક એસએમઈને ભંડોળ એકત્ર કરવામાં અને એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ પ્રાપ્ત કરવામાં સહાય કરી હતી.
છેલ્લા એક દસકામાં ભારતમાં સ્ટાર્ટ-અપ્સનો ઝડપી વિકાસ થયો છે અને અત્યારે રોકાણની દૃષ્ટિએ વિશ્વમાં ભારતનો ક્રમ ત્રીજો છે. ઈ-કોમર્સ, રોબોટિક્સ, શૈક્ષણિ અને ટેક્નોલોજી, બાયો-ટેક અને ફાઈનાન્સ ટેક્નોલોજી ક્ષેત્રે સંખ્યાબંધ સ્ટાર્ટ-અપ્સ ઉભરી આવ્યાં છે. આ બધાં માટે મોટો પડકાર ભંડોળ પ્રાપ્ત કરવાનો છે. આ સ્ટાર્ટ-અપ્સને વિકાસ-વૃદ્ધિ માટે કઈ રીતે ભંડોળ ઉપલબ્ધ કરવું એ નીતિ ઘડવૈયાઓ માટે પડકાર હતો. આથી બીએસઈએ ડિસેમ્બર, 2018માં સ્ટાર્ટ-અપ્સ પ્લેટફોર્મ લોન્ચ કર્યું, જેથી સ્ટાર્ટ-અપ્સ સરળ, કિંમતની દૃષ્ટિએ કિફાયતી રીતે ભંડોળ એકત્ર કરી શકે. અત્યાર સુધીમાં બીએસઈ સ્ટાર્ટ-અપ્સ પ્લેટફોર્મ પર પાંચ સ્ટાર્ટ-અપ્સ લિસ્ટેડ છે, જેમણે રૂ.16 કરોડની મૂડી એકત્ર કરી છે.
અત્યારે કોરોના વાયરસની મહામારીને પગલે વિશ્વ અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહ્યું છે. લાખો લોકોનાં મોત થઈ રહ્યાં છે. આર્થિક બેહાલી માઝા મૂકી રહી છે. ઉત્પાદન અને માગમાં ઘટાડો થવાને પગલે શેરબજારો ઘટી રહ્યાં છે. આ કટોકટીની નકારાત્મક અસર એસએમઈઝને પણ થઈ રહી છે.
આ કટોકટીની અસર સામે એસએમઈઝને રક્ષવા સરકાર અને આરબીઆઈએ યોગ્ય અને પર્યાપ્ત પગલાં લીધા છે તે ઉપરાંત તેમને કેટલાક નિયમોના અનુપાલનમાં પણ ઘણી છૂટછાટો આપવામાં આવી છે.
કોવિદ-19ને કારણે વિશ્વ ગંભીર કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે એક્સચેન્જીસે એસએમઈઝ, સ્ટાર્ટ-અપ્સ અને માઈક્રો બિઝનેસને ભંડોળ એકત્ર કરવામાં અને એક્સચેન્જ પર લિસ્ટિંગ પ્રાપ્ત કરવામાં સહાય કરવી જોઈએ. એમ કરવાથી તેઓ તેમના વેપાર અને વિકાસમાં વૃદ્ધિ કરી શકશે. બજારની વર્તમાન હાલત જોઈને મોટી કંપનીઓએ પણ તેમના આઈપીઓ મોકૂફ રાખ્યા છે કે રદ કર્યા છે ત્યારે બીએસઈમાં ત્રણ એસએમઈ અને એક સ્ટાર્ટ-અપ લિસ્ટ થયાં છે, જેમણે અનુક્રમે રૂ.9.50 કરોડ અને રૂ.3.75 કરોડ એકત્ર કર્યા છે. આ બનાવ પ્રમોટરો અને રોકાણકારોએ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મમાં મૂકેલા વિશ્વાસને દર્શાવે છે. અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 322 કંપનીઓએ રૂ.3300 કરોડથી અધિક ભંડોળ એકત્ર કરી ચૂકી છે.
આ લોકડાઉનના કપરા સમયમાં પણ એસએમઈ અને સ્ટાર્ટ-અપ્સ ભંડોળ એકત્ર કરી બીએસઈમાં લિસ્ટ થઈ રહ્યાં છે. બીએસઈ રાષ્ટ્ર નિર્માણને પ્રતિબદ્ધ છે. એસએમઈ પ્લેટફોર્મ મારફત બીએસઈ એસએમઈઝ સ્ટાર્ટ-અપ્સ, ઈન્ટરમીડિયરીઝ અને વિવિધ સહભાગીઓ સહિતના હિતધારકો માટે ગતિશીલ માહોલ સર્જી રહ્યું છે.
આના પરિણામે દેશમાં રોજગાર સર્જન અને સંસાધનોનું યોગ્ય વિતરણ થશે. એસએમઈઝ અને સ્ટાર્ટ-અપ્સ કપરા કાળને પસાર કરી શકશે. એસએમઈઝ વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનશે અને દેશના આર્થિક વિકાસ અને રોજગાર સર્જનમાં નોંધપાત્ર યોગદાન આપશે.