સોનું ૩૨,૦૦૦ની ઉપર; અખા ત્રીજે ચમક ફિક્કી રહેશે?

આવતા બુધવારે 18 એપ્રિલે અખા ત્રીજ અથવા અક્ષય તૃતિયાનો પવિત્ર દિવસ આવે છે. એ તો જાણીતું છે કે આ દિવસે ઘણા શ્રદ્ધાળુઓ સોનું અને સોનાની ચીજવસ્તુઓની ખાસ ખરીદી કરતા હોય છે. વૈશાખ સુદ ત્રીજ કે અખા ત્રીજ એટલે વણજોયું મુહૂર્ત. અક્ષય તિથિ એટલે કદી ક્ષય ન થનારી તિથિ. એ દિવસે શુભ કાર્ય કરી શકાય અને ખાસ કરીને પીળી ધાતુ – સોનું અને સોનાનાં દાગીનાની ખરીદી માટે આ દિવસ ઉત્તમ ગણાય. પરંતુ, આ વખતે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 32 હજારની ટોચ પર પહોંચ્યો છે એટલે ઘણા લોકોનો સોનું ખરીદવાનો ઉત્સાહ મંદ પડી જશે.

અમેરિકા અને તેના મિત્ર દેશોએ સીરિયા પર કરેલા હવાઈ હુમલાને કારણે પશ્ચિમ એશિયા વિસ્તારમાં તંગદિલી ઊભી થઈ છે. વળી, રશિયાની સરકારે એના નાગરિકોને યુદ્ધ માટે તૈયાર રહેવાનું કહ્યું હોવાથી ત્રીજું વિશ્વ ખેલાવાની ભીતિ ઊભી થઈ છે. એની માઠી અસર સોના-ચાંદીના ભાવ પર પડી છે.

શનિવારે, અમદાવાદમાં સોનાનો ભાવ 24 કેરેટ તોલાદીઠ 32,300 રૂપિયા હતો. અક્ષય તૃતિયાના અવસરે સોનાનો આ ભાવ છેલ્લા અમુક વર્ષોમાં સૌથી વધારે છે. મુંબઈના સોના-ચાંદી બજારમાં 24 કેરેટ ગોલ્ડ (99.9%) 10 ગ્રામનો ભાવ 32,135 હતો.

બીજી બાજુ, ચાંદીનો ભાવ 40 હજાર રૂપિયા પ્રતિ કિલો પર ગયો છે.

આમ, આ વર્ષે અખા ત્રીજનો દિવસ મોંઘો બની રહેશે.

છેલ્લા અમુક વર્ષોમાં સોનાનો ભાવ અક્ષય તૃતિયા વખતે 10 ગ્રામ દીઠ 30 હજારની ઉપર ક્યારેય ગયો નહોતો. ગયા વર્ષે અક્ષય તૃતિયા 9 મેએ હતી. એ વખતે સોનાનો ભાવ રૂ. 29,860 હતો.

વર્ષ 2018ના આરંભે સોનાનો ભાવ પ્રતિ તોલા (10 ગ્રામ) 28,500 હતો, પરંતુ છેલ્લા અમુક દિવસોમાં સોનાનો ભાવ ખૂબ ઉછળ્યો છે અને હજી વધે એવી શક્યતા છે, એવો અંદાજ બજારોના નિષ્ણાતોએ આપ્યો છે.

જોકે આમ છતાં એવા પણ ઘણા લોકો હશે જેમણે અખા ત્રીજના દિવસે સોનું ખરીદવાનું નક્કી કરી લીધું હશે, ભાવ ભલે ઊંચે જાય. હીરાની તુલનાએ લોકો સોનાનાં દાગીના, સોનાનાં સિક્કા કે સોનાનાં બિસ્કીટમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે પસંદ કરતા હોય છે.

અમુક જ્વેલરી શોરૂમ ખાતે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. ઘણા જ્વેલરી શોરૂમ્સ અને ઝવેરીઓ ગ્રાહકોને આકર્ષવા માટે સ્પેશિયલ ડિસ્કાઉન્ટની પણ ઓફરો કરી રહ્યા છે.

સોનાનો ભાવ માત્ર ભારતમાં જ વધ્યો છે એવું નથી, દુનિયાભરમાં સોનું મોંઘું થયું છે.

ન્યુયોર્કમાં શુક્રવારે સોનાનાં ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો. એવી જ રીતે, ચાંદી પણ મોંઘી થઈ છે.

માર્ચના બીજા પખવાડિયામાં ચીન અને અમેરિકા વચ્ચેની ટ્રેડ-વોરને કારણે પણ પાસાં પલટાયા હતા. અને એની અસર સોનાનાં ભાવ પર પડી હતી. સોના-ચાંદીના વેપારમાં મંદી જોવા મળી હતી.

અક્ષય તૃતિયાઃ છેલ્લા આઠ વર્ષમાં સોનાનો ભાવ

28 એપ્રિલ, 2017 – 28,861 (રૂપિયા પ્રતિ 10 ગ્રામ)

9 મે, 2016 – 29,860

21 એપ્રિલ, 2015 – 26,938

2 મે, 2014 – 28,865 

13 મે, 2013 – 26,829 

24 એપ્રિલ, 2012 – 28,852

6 મે, 2011 – 21,736

16 મે, 2010 – 18,167