દીવાળી તહેવાર નજીક છે, તહેવારોની સીઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે દરેક કંપની, શોપિંગ મૉલ કે ઓનલાઈન શોપિંગવાળા ડિસ્કાઉન્ટ ઓફર્સ કરતાં હોય છે. તેમાં બેંક પણ પાછળ રહેતી નથી. બેંક પણ તહેવારોને લઈને ગ્રાહકોને લલચામણી ઓફર આપે છે. આ ઓફરમાં ઝીરો ટકા વ્યાજે લોન અથવા પ્રોસેસિંગ ફી નહી, કેટલાક ઈએમઆઈ નહી આપવાના, કેશબેક ઓફર, એમસીએલઆર પર સ્પ્રેડ નહી લેવું… વગેરે ગ્રાહકો લલચામણી ઓફર સ્વીકારીને જે તે વસ્તુની ખરીદી કરે છે, તે વસ્તુની ખરીદી માટે બેંકમાંથી લોન પણ લઈ લે છે. પણ જ્યારે લોનનો હપતો ચુકવવાનો આવે ત્યારે તેને હકીકતની ખબર પડે છે, પણ ત્યારે મોડું થઈ ગયું હોય છે…
બેંકો આ ઓફર્સની સાથે કેટલીક શરતો પણ મુકે છે. આ પ્રક્રિયામાં કેટલીક નોંધ છુપાયેલી હોય છે. જે ગ્રાહકને બતાવવામાં આવતી નથી. ગ્રાહક માત્ર ઓફર્સ જોઈને વસ્તુની ખરીદી કરવા માટે લોન લઈ લે છે.
ઝીરો પ્રોસેસિંગ ફી
તહેવારોની સીઝનમાં કેટલીક બેંકો પ્રોસેસિંગ ફી નથી લેતી. દાખલા તરીકે એસબીઆઈએ 31 ડીસેમ્બર, 2017 સુધી હોમ અને કાર લોન પર પ્રોસેસિંગ ફી ઝીરો રાખી છે. જો બેંક આપની પાસેથી પ્રોસેસિંગ ફી લે તો 30 લાખની લોન પર આપને અંદાજે 10 હજાર રૂપિયા આપવા પડે. આ છૂટ આપને આકર્ષક લાગી શકે છે. પણ બેંક લીગલ અને ટેકનિકલ ફીના નામ પર આપની પાસેથી એટલી અથવા તો તેનાથી વધારે રકમ લેવાય છે. એટલા માટે આ પ્રક્રિયામાં આપે આવી નોંધની યોગ્ય તપાસ કરી લેવી જોઈએ. અને ફકત પ્રોસેસિંગ ફીના નામ પર આપે કોઈ નિર્ણય ન લેવો જોઈએ.
ઈએમઆઈમાં છૂટ
કેટલીક બેંકો 12 ઈએમઆઈની છૂટની ઓફર આપે છે. એટલે કે કુલ ઈએમઆઈમાંથી 12 હપ્તા આપે આપવાની નથી. 20 વર્ષની લોન પર ચોથા, આઠમાં અને 12માં વર્ષના આખરના 4-4 ઈએમઆઈની છૂટના રૂપમાં મળે છે. તેના માટે લોનની મર્યાદા 30 લાખની હોય છે. આ ઓફર માટે શરત એ છે કે લોનની મુદત 20 વર્ષની હોવી જોઈએ, તેમાં પાછી પ્રોસેસિંગ ફી વધારે હોય છે, અને ત્રીજુ આપનો ટ્રેક રેકોર્ડ ચોખ્ખો હોવો જોઈએ. જો આપ કોઈ કારણસર 90 દિવસોથી વધારે ઈએમઆઈ નથી આપતાં તો આપને અયોગ્ય ઠેરવવામાં આવશે. તદ્ઉપરાંત આ ઓફર ફકત ફ્લોટિંગ રેટ્સ બેસીસના વ્યાજ દર માટે ઉપલબ્ધ છે.
કેશબેક ઓફર
એક ખાનગી બેંક દરેક ઈએમઆઈના 1 ટકા રકમ કેશબેંક આપે છે. પહેલો કેશબેક આપને 36માં ઈએમઆઈ પછી અને ફરીથી 12 ઈએમઆઈ પછી આપને તેનો ફાયદો મળશે. લોનની ઓછામાં ઓછી મુદત 15 વર્ષની હોવી જોઈએ.
એમસીએલઆર સ્પ્રેડ નહી
કેટલીક બેંક એમસીએલઆર પર માર્ક-અપ અથવા સ્પ્રેડની છૂટની ઓફર આપે છે. આપની લોનના વ્યાજના બે હિસ્સા હોય છે, બેસ રેટ અને સ્પ્રેડ… બેસ રેટથી નીચે બેંક આપને લોન નથી આપી શકતી. અને સ્પ્રેડ બેંકનું માર્જિન હોય છે. જો કે કેટલીક બેંકોના એમસીએલઆર જ વધારે હોય છે.
ઝીરો ટકા વ્યાજ દર
સામાન્ય રીતે આ ઓફર મોબાઈલ, સહિત કેટલાક મોંઘા ઈલેક્ટ્રોનિક્સ સામાન અને કન્ઝ્યુમર ડયુરેબલ પર આપવામાં આવે છે. જો આપ 20,000 રૂપિયાનો મોબાઈલ ખરી દો, તો તેમાં 5,000 રૂપિયાનું ડાઉનપેમેન્ટ અને 500 રૂપિયાની પ્રોસેસિંગ ફી લેવાય છે. ત્યાર પછી બાકીની રકમના 6 ઈએમઆઈમાં રૂપાંતરિત કરવામાં આવે છે, તેના પર 12.5 ટકા વ્યાજ ગણાતું હોય છે, ન કે ઝીરો ટકા… જેની તમને ખબર નથી હોતી.