હિન્દી ફિલ્મોમાં ‘વિજય’ નામથી વધુ કામ કરનાર અમિતાભ બચ્ચનની ‘જંજીર’ રજૂ થયા પછી ‘યાદોં કી બારાત’ (૧૯૭૩) શરૂ થઇ હોત તો એમાં વિજય અરોરા ના હોત. નિર્દેશક નાસીર હુસૈન જ્યારે પહેલી મસાલા ફિલ્મ ‘યાદોં કી બારાત’ બનાવવા જઇ રહ્યા હતા ત્યારે એમણે અમિતાભને જ પસંદ કર્યો હતો. પરંતુ ત્યારે અમિતાભ ફ્લોપ હતો અને વિજય અરોરા સફળ હોવાથી વિતરકોએ તેનો આગ્રહ રાખ્યો હતો. જ્યારે ‘જંજીર’ (૧૯૭૩) રજૂ થઇને સફળ થઇ ગઇ ત્યારે એ જ વિતરકોએ અમિતાભને લેવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ ફિલ્મ પૂરી થવા આવી હોવાથી નાસીર હુસૈન એમની વાત માની શકે એમ ન હતા. લેખક જોડી સલીમ- જાવેદ જ ‘જંજીર’ અને ‘યાદોં કી બારાત’ ની વાર્તા લખી રહ્યા હતા.
એ કારણે બંને ફિલ્મોનો શરૂઆતનો પ્રસંગ સરખો લાગે છે. જ્યારે નાસીરને ખબર પડી કે ‘જંજીર’ અને ‘યાદોં કી બારાત’ ની વાર્તા સરખી જેવી જ છે ત્યારે મોડું થઇ ગયું હતું. પરંતુ બંને ફિલ્મોના પાત્રો જ નહીં ટ્રીટમેન્ટ અલગ નિર્દેશકોની હોવાથી વાંધો આવ્યો ન હતો. સલીમ- જાવેદે ‘જંજીર’ માં પણ અજીત હોવાથી લેવાની ના પાડી હતી. નાસીર માનતા હતા કે અજીત સિવાય બીજું કોઇ ‘શાકાલ’ ના પાત્રને ભજવી શકે એમ ન હતું. પહેલાં વિજય અરોરાની હીરોઇન તરીકે આશા પારેખનું નામ હતું. કેમકે તે અગાઉ નાસીર સાથે સાત ફિલ્મો કરી ચૂક્યા હતા. પરંતુ આશાની ઉંમર ૩૦ હોવાથી કોલેજ ગર્લની ભૂમિકામાં ચાલી શકે એમ ન હતા. એટલે એ ભૂમિકા ઝીનત અમાનને આપી હતી. ‘હરે રામા હરે ક્રિશ્ના’ (૧૯૭૧) પછી ઝીનતે મેળવેલી આ બીજી મોટી ફિલ્મ હતી.
‘યાદોં કી બારાત’ માં ઝીનતને ભારતીય વસ્ત્રો પહેરવા આપવામાં આવ્યા ત્યારે પોતાને અસહજ મહેસૂસ કરતી હતી. તેણે ‘ચુરા લિયા હૈ’ ગીતમાં પશ્ચિમી વસ્ત્રો પહેરીને કામ કર્યું એનો સારો પ્રતિભાવ મળ્યા પછી નિર્દેશક નાસીરે તેને પોતાને પસંદ આવે એવા વસ્ત્રો પહેરવાની છૂટ આપી હતી. નાસીરે બીજી હીરોઇનની ભૂમિકા આશા પારેખને કરવા કહ્યું હતું. પરંતુ મહત્વની ન હોવાથી આશાએ ના પાડતાં અનામિકાને લેવામાં આવી હતી. ત્રીજા હીરો તરીકે નાસીરે તારીક હુસૈનને લીધો હતો. એ તેમની ‘કારવાં’ (૧૯૭૧) માં સહાયક તરીકે કામ કરી રહ્યો હતો. પણ એક દિવસ એને કોઇ ખાનગી કાર્યક્રમમાં ડાન્સ કરતો જોયા પછી નાસીરે ‘રતન’ ની ભૂમિકા સોંપી દીધી હતી. અને આમિર ખાને તેના બાળપણની ભૂમિકા કરી હતી. તારીકે ફિલ્મમાં જે ગિટાર પકડીને ગીત ગાયું હતું એ ગિટારનો ઉપયોગ આમિરે તેની હીરો તરીકેની ફિલ્મ ‘કયામત સે કયામત તક’ માં કર્યો હતો. ફિલ્મમાં શિલ્પા શેટ્ટીના પિતા સુરેન્દ્ર શેટ્ટીએ પણ એક નાની ભૂમિકા ભજવી હતી.