અમિતાભ બચ્ચનની ફિલ્મો વિશે અત્યાર સુધીમાં ઘણી વાતો આવી ચૂકી છે પણ હજુ એવી બીજી ઘણી વાતો બહાર આવી રહી છે જેની કોઈને ખબર ન હતી. લેખક એસએમએમ ઔસાજાએ 14 વર્ષની મહેનત પછી અમિતાભ બચ્ચન પર ‘બચ્ચન- અ સાગા ઓફ એક્સલેન્સ’ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. એમાં અમિતાભની ‘સાત હિન્દુસ્તાની’ અને ‘શોલે’ ના અજાણ્યા કિસ્સા આપ્યા છે.
બહુ ઓછાને ખબર હશે કે બોલિવૂડના મુખ્ય કેન્દ્ર ગણાતા મુંબઇમાં જ અમિતાભની ‘સાત હિન્દુસ્તાની’ (1969) રજૂ થઈ ન હતી. એની પાછળનું એક કારણ એવું હતું કે નિર્દેશક કે. એ. અબ્બાસે 1969 માં ફિલ્મ તૈયાર કરી ત્યારે શ્વેત-શ્યામ હતી. અને ત્યારે ઈસ્ટમેન કલર ફિલ્મોનો જમાનો આવી ગયો હતો. બીજું કારણ એ હતું કે ફિલ્મમાં સાત કલાકાર હતા એમાંથી કોઈ સ્ટાર ન હતું. અમિતાભ સહિત કોઇની પણ પોતાની ખાસ ઓળખ ન હતી. તેથી વિતરકો ફિલ્મને હાથ લગાવવા તૈયાર ન હતા. ફિલ્મને દિલ્હીમાં રજૂ કરી શકાઈ હતી. મુંબઈમાં અમિતાભની પહેલી ફિલ્મ રજૂ થઈ હતી એ ‘આનંદ’ હતી. અમિતાભને ‘શોલે’ (1975) વિશે અસંખ્ય કિસ્સા આવી ચૂક્યા છે.
ફિલ્મ ઉપર પુસ્તક પણ લખાઈ ચૂક્યું છે. છતાં અમિતાભે ફિલ્મ કેવી રીતે કેવા સંજોગોમાં મેળવી હતી એનો અજાણ્યો કિસ્સો ઔસાજાએ પુસ્તકમાં જાવેદ અખ્તર સાથે થયેલી વાતચીતના આધારે જણાવ્યો છે. જાવેદ અખ્તર અને ધર્મેન્દ્રએ રમેશ સિપ્પીને અમિતાભના નામની ભલામણ કરી હતી. એ સમયમાં રમેશ સિપ્પીના ઘરે એક મોટી પાર્ટી આયોજિત થઈ હતી. જાવેદે અમિતાભને કહ્યું હતું કે મેં ‘શોલે’ માટે તારા નામની ભલામણ કરી છે. તું એ પાર્ટીમાં રમેશ સિપ્પીને મળવા માટે આવી જજે. પછી આગળ વાત વધશે. જે દિવસે પાર્ટી હતી એ દિવસે જ અમિતાભ વાઇરલ તાવની ઝપેટમાં આવી ગયા. તાવ વધારે હોવાથી અમિતાભ પાર્ટીમાં ગયા નહીં.
જાવેદે આવીને પાર્ટીમાં તપાસ કર્યા પછી જોયું કે અમિતાભ આવ્યા જ નથી. રમેશ સિપ્પીએ પણ પૂછ્યું કે અમિતાભ આવવાના હતા એ કેમ આવ્યા નથી? ત્યારે જાવેદ ફોન કરીને પૂછવા માટે રમેશ સિપ્પીના બેડરૂમમાં ગયા. જાવેદે ફોન કર્યો ત્યારે અમિતાભે કહ્યું કે મને બહુ તાવ છે. આવી શકું એમ નથી. ત્યારે જાવેદે કહ્યું કે તું અહીં આવીને આરામ કરજે પણ આવી જા. અને અમિતાભ બીમાર અવસ્થામાં રમેશ સિપ્પીને ત્યાં પાર્ટીમાં આવ્યા. જાવેદે રમેશ સાથે અમિતાભની મુલાકાત કરાવી. અમિતાભની હાલત ખરાબ હતી એટલે રમેશ સિપ્પીના બેડરૂમમાં જ સૂઈ ગયા. એ મુલાકાતથી રમેશ સિપ્પી અમિતાભને મળીને પ્રભાવિત થયા હતા અને ‘શોલે’ માટે પસંદ કરી લીધા હતા.
