લોકપ્રિય અભિનેતા-નિર્માતા શશી કપૂરની આજે ત્રીજી પુણ્યતિથિ. ૪ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ એમનું નિધન થયું હતું. એમનું મૂળ નામ તો બલબીરરાજ પૃથ્વીરાજ કપૂર. ૧૮ માર્ચ, ૧૯૩૮ના રોજ કોલકાતામાં જન્મ. લાંબા સમય સુધી પરદા પર અભિનય કરવાની સાથે એમણે અમુક ક્લાસિક ફિલ્મોનું નિર્માણ પણ કર્યું છે. સિનેકલામાં આ પ્રદાન બદલ ૨૦૧૧માં શશી કપૂરને પદ્મભૂષણથી અને ૨૦૧૫માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાયા હતા. પિતા પૃથ્વીરાજ અને ભાઈ રાજ કપૂર બાદ ફાળકે એવોર્ડનું સર્વોચ્ચ સન્માન પામનારા કપૂર ખાનદાનના એ ત્રીજા કપૂર છે.
ચાલીસના દાયકાના અંતથી શશીજી બાળકલાકાર તરીકે ફિલ્મોમાં કામ કરતા થયા. ‘ધર્મપુત્ર’ (૧૯૬૧)થી એ હીરો તરીકે આવ્યા અને એ યાત્રા ૧૧૬ ફિલ્મ સુધી ચાલી, જેમાંથી ૬૧ ફિલ્મમાં એ સોલો હીરો હતા તો ૫૫ મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. ૨૧ ફિલ્મમાં એ સહકલાકાર તરીકે પરદા પર પેશ થયા. અમિતાભ બચ્ચન સાથે શશી કપૂરે બાર ફિલ્મમાં કામ કર્યું છે. એમણે અંગ્રેજી ફિલ્મો પણ કરી હતી.
શશીજી ડોન બોસ્કો હાઈસ્કૂલ, માટુંગામાં ભણ્યા. અંગ્રેજ અભિનેત્રી જેનીફર કેન્ડલને કોલકાતામાં ૧૯૫૬માં નાટક દરમિયાન મળ્યા અને પ્રેમમાં પડી ગયા. જેનીફરના પિતાએ શરૂઆતમાં વિરોધ કર્યો, પણ ભાભી ગીતા બાલીએ એમને સહાય કરી હતી. જુલાઈ, ૧૯૫૮માં લગ્ન કર્યા પછી જેનીફર સાથે મળીને મુંબઈમાં જૂહુ ખાતે ૫ નવેમ્બર, ૧૯૭૮ના રોજ પૃથ્વી થિયેટર શરૂ કર્યું, જે આજે પણ નાટયપ્રેમીઓ માટે તીર્થ છે. ૧૯૮૪માં જેનીફરનું કેન્સરથી નિધન થયુ એ પછી અને શશીજી ભાંગી પડ્યા. એમનું સ્વાસ્થ્ય પણ સતત કથળતું રહ્યું.
શશી કપૂર લાંબો સમય નાદુરસ્ત રહ્યા હતા. મુખ્યત્વે વ્હીલ ચેર પર જ હતા. ફાળકે સમ્માન લેતી વખતે પણ કશું બોલી શક્યા નહોતા. ફક્ત એમની આંખમાંથી આંસુ સરતા હતા.
મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં ૪ ડિસેમ્બર, ૨૦૧૭ની સાંજે એમણે છેલ્લા શ્વાસ લીધા ત્યારે એમની ઉંમર ૭૯ વર્ષ હતી. એમની વિદાય સાથે જ મનોરંજક અને સાર્થક સિનેમા તથા રંગકર્મનો એક યુગ પુરો થયો હતો.
(નરેશ કાપડીઆ-સુરત)