હિન્દી ફિલ્મોમાં લેખકોનું માન વધારનાર સલીમ ખાનનો જન્મ 24 નવેમ્બર, 1935 ના રોજ ઇન્દોરમાં થયો હતો. સલીમ-જાવેદની એમની લેખક બેલડી હિન્દી ફિલ્મોની સૌથી સફળ લેખક બેલડી ગણાય છે.
પિતા રશીદ ખાન ઇન્દોરના ડી. આઇ. જી. હતા એટલે એમનું સ્કૂલીંગ ઇન્દોરમાં થયું અને એ પછી મુંબઇની હોલકર કોલેજમાં એડમિશન લીધું. કોલેજમાં સારું ક્રિકેટ રમી જાણતા સલીમ ખાન એ જમાનામાં કાર લઇને કોલેજ જતા.
એમના દેખાવ અને સ્માર્ટનેસના કારણે મિત્રો એમને હંમેશા ફિલ્મોમાં જવાની સલાહ આપતા. સોહામણા દેખાતા હોય એવા સહાયક યુવાનની નાની નાની ભૂમિકા પણ એમને મળતી, પણ એ ફિલ્મો બહુ ઉપડી નહીં. સરહદી લૂંટેરા એમના અભિનયવાળી એમની છેલ્લી ફિલ્મ. આ જ સમયગાળામાં ફિલ્મોના લીધે એમની ઓળખાણ જાવેદ અખ્તર સાથે થઇ.
સલીમ ખાનને અબરાર અલવીના અને જાવેદજીને કૈફી આઝમી પાસેથી લેખનની તાલીમ મળી. અલવીના અને કૈફી પડોશી હતા એમાંથી સલીમ અને જાવેદની મુલાકાતો વધતી રહી અને જોડી જામતી ગઇ.
સલીમ ખાન વાર્તા અને પ્લોટ ઘડતા અને જાવેદ અખ્તર એમાં સંવાદ ઉમેરતા. જી.પી. સિપ્પીએ એમને સ્ક્રીન રાઇટર તરીકે કામ આપ્યું. પછી તો આ બેલડીએ ધૂમ મચાવી. પહેલી ફિલ્મ અંદાઝ પછી તો સીતા ઔર ગીતા, ડોન, શોલે, હાથી મેરે સાથી, યાદોં કી બારાત, ઝંજીર, ત્રિશુલ, દોસ્તાના, ક્રાંતિ, દીવાર, મિસ્ટર ઇન્ડયા…. એમ તો આ જોડીએ તેલુગુ અને તમીલ ફિલ્મો પણ લખી છે.
આ જોડીએ હિન્દી ફિલ્મોમાં લેખકોને સ્ટાર સ્ટેટસ અપાવ્યું છે એમ કહીએ તો ખોટું નથી. એ અભિનેતા સલમાન ખાનના પિતા અને અભિનેત્રી-ડાન્સર હેલેનના પતિ છે, ફિલ્મ જગતમાં એમની પહેલી ઓળખ તો લેખક તરીકેની છે એ જ એમની સફળતા છે.
(નરેશ કાપડીઆ-સુરત)