ટીનુ આનંદ અમિતાભની કાલિયા, શહેનશાહ, મેજરસાબ જેવી ફિલ્મોના નિર્દેશક તરીકે વધુ જાણીતા રહ્યા છે. પણ નિર્દેશક કે.એ. અબ્બાસની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯) ની અમિતાભે ભજવેલી ‘અનવર અલી’ ની પહેલી ભૂમિકા સૌથી પહેલાં એમને મળી હતી. પિતા ઇન્દર રાજ આનંદ જાણીતા ફિલ્મ લેખક હતા. છતાં પુત્ર ટીનુ આ ક્ષેત્રમાં આવે એવું ઇચ્છતા ન હતા. એ માનતા હતા કે ટીનુ માટે આ ઇન્ડસ્ટ્રીઝમાં જગ્યા નથી. જ્યારે યુવાન ટીનુએ કહ્યું કે તે ફિલ્મોનું નિર્દેશન કરવા માગે છે ત્યારે એ દુ:ખી થઇ ગયા હતા.
એમને જ્યારે ખ્યાલ આવી ગયો કે ટીનુ આ સિવાય બીજું કંઇ કરવા માગતો નથી ત્યારે ત્રણ વિકલ્પ આપ્યા હતા. એક હતો ફિલ્મકાર મિત્ર સત્યજીત રેની સ્કૂલમાં તાલીમ મેળવવાનો. બીજો વિકલ્પ એમના નજીકના મિત્ર અને નિર્દેશક- અભિનેતા રાજ કપૂર સાથે કામ કરવાનો હતો. પરંતુ ટીનુએ ત્રીજો વિકલ્પ ઇટાલિયન નિર્દેશક ફેડરિકો ફેલીનીનો પસંદ કર્યો હતો. કેમકે એમ કરવાથી ઇટલી જવાની તક મળતી હતી. આ વાતની જાણ ઇન્દર રાજે જ્યારે ફેલીનીને કરી ત્યારે તેમણે જણાવ્યું કે ટીનુએ પહેલાં ઇટલી ભાષા શીખવી પડશે. એ માટે છ માસ જેટલો સમય જાય એમ હતો. ટીનુ એટલો સમય આપવા માગતો ન હતો. તેણે સત્યજીત રે પાસે શીખવાનો વિકલ્પ પસંદ કરી લીધો. રે નવી ફિલ્મ શરૂ કરવાના હતા. એ માટે કલકત્તા જવાનું જરૂરી હતું. દરમ્યાનમાં પિતાના નજીકના મિત્ર કે.એ. અબ્બાસે પોતાની ફિલ્મ ‘સાત હિન્દુસ્તાની’ ની એક મહત્વની ભૂમિકા માટે તેની પસંદગી કરી લીધી હતી.
એટલું જ નહીં ટીનુને ત્યાં આવેલી એની મિત્ર નીના સિંઘને પણ અભિનય માટે ઓફર કરતાં એ તૈયાર થઇ ગઇ હતી. ત્યારે નીનાએ ફિલ્મોમાં રસ ધરાવતા અને અભિનેતા બનવા માગતા તેના એક મિત્રને પણ અબ્બાસની ફિલ્મમાં કામ અપાવવા વિનંતી કરી. નીનાએ વિક્ટોરિયા મેમોરિયલ પાસે ઊભેલા એક લાંબા યુવાનનો ફોટો આપ્યો હતો. જ્યારે ટીનુએ અબ્બાસને એના વિશે વાત કરી ત્યારે એમણે કહ્યું કે ઓડિશન માટે પોતાના ખર્ચે એણે મુંબઇ આવવાનું રહેશે અને ઓડિશન ક્યારે લેવાશે એનું નક્કી ન હોવાથી રાહ પણ જોવી પડે. એ વાતથી સંમત અમિતાભ મુંબઇ આવ્યા હતા. ટીનુએ એ કિસ્સાને યાદ કરતાં એક મુલાકાતમાં કહ્યું હતું કે અબ્બાસે જ્યાં સુધી ફિલ્મ બને ત્યાં સુધી રૂ.૫૦૦૦ માં અમિતાભને કામ કરવાનું કહ્યું હતું.
એ વાતથી અમિતાભ અને તેની સાથે આવેલા ભાઇ અજિતાભને આંચકો લાગ્યો હતો. પરંતુ અમિતાભ ફિલ્મમાં કામ કરવા ઉત્સાહિત હતા એટલે હા પાડી દીધી હતી. અસલમાં એ જ ભૂમિકા ટીનુને મળી હતી. પરંતુ સત્યજીત રેનો સંમતિ પત્ર મળી ચૂક્યો હતો અને ટીનુએ કલકત્તા જવું પડે એમ હતું. તેથી ટીનુએ એ ભૂમિકા છોડી દીધી હતી. જોકે, પાછળથી ટીનુએ એમ કહ્યું હતું કે ફિલ્મ નિર્માણના પાઠ નિર્દેશક સત્યજીત રે પાસેથી શીખ્યા એના કરતાં એક્શન નિર્દેશક વીરુ દેવગન પાસેથી વધુ શીખ્યા હતા. વીરુએ શીખવ્યું હતું કે અભિનેતા હાજર ના હોય ત્યારે કેવી રીતે કામ કરવું જોઇએ. ટીનુએ નક્કી કરી લીધું હતું કે અભિનેતા સમય પર ના આવે તો એના ડુપ્લિકેટથી કામ ચલાવી લેવાનું. નિર્દેશક તરીકેની પહેલી ફિલ્મ ‘દુનિયા મેરી જેબ મેં’ (૧૯૭૯) માં રિશી કપૂર મોડા આવતા હોવાથી પાંચ વર્ષ લાગી ગયા હતા. પણ પછી અમિતાભ સાથેની ‘કાલિયા’ (૧૯૮૧) વખતે એમણે વીરુની સલાહનો ઉપયોગ કર્યો હતો. ‘કાલિયા’ ના ડબિંગ વખતે અમિતાભે પોતાની સાથે સંવાદ બોલવા આવેલા અમજદ ખાનને જોયા ત્યારે નવાઇથી કહ્યું હતું કે એમણે ક્યારેય અમજદ સાથે શુટિંગ કર્યું નથી!