‘દિલજલે’ નો ક્લાઇમેક્સ આખરે બદલવામાં આવ્યો  

ફિલ્મ ‘દિલજલે’ (1996) માં પહેલાં હીરોઈન કાજોલ હતી પણ લેખક કરણ રાઝદાને એક કારણથી એના બદલે બીજી હીરોઈન લીધી હતી. નિર્દેશક હેરી બાવેજાની ‘દિલજલે’ ના લેખક કરણ કાજોલને એની વાર્તા સંભળાવી રહ્યા હતા ત્યારે ક્લાઇમેક્સ સાંભળીને એ હસી પડી હતી. કાજોલના આ વર્તનથી કરણને આંચકો લાગ્યો હતો. એને ગુસ્સો પણ આવ્યો હતો. કરણે એક મુલાકાતમાં એ કિસ્સાને યાદ કરીને કહ્યું છે કે એણે નિર્દેશક હેરીને કહ્યું કે કાજોલ આ ભૂમિકા બાબતે ગંભીર નથી. તે એક અભિનેત્રી તરીકે શ્રેષ્ઠ છે અને કોઈપણ ભૂમિકા ભજવી શકવા સક્ષમ છે. પણ આ ફિલ્મમાં આપણે એના બદલે બીજી હીરોઈન લઈશું.

કરણ અને હેરીએ ઘણી જાણી-અજાણી છોકરીઓ હીરોઈન તરીકે જોઈ પણ કોઈ યોગ્ય લાગી નહીં. આખરે એવો નિર્ણય કર્યો કે સોનાલી બેન્દ્રે બીજી ભૂમિકા માટે સાઇન કરી છે પણ એને મુખ્ય હીરોઈન તરીકે રાખવી અને એની ભૂમિકા બીજી કોઈ હીરોઈનને આપવી. સોનાલી પહેલાં મધુએ નિભાવી છે એ એક મહિલા આતંકવાદીની શબનમની ભૂમિકા માટે પસંદ થઈ હતી. મધુની ભૂમિકા સોનાલીને સંભળાવવામાં આવી હતી. સોનાલીને એ ગમી હતી પરંતુ છેલ્લે ‘દિલજલે’ માં અજય દેવગનની હીરોઈન તરીકે સોનાલી બેન્દ્રેને લેવામાં આવી હતી.

મધુની ‘રોજા’ અને ‘ફૂલ ઔર કાંટે’ સફળ રહી હોવાથી એને પસંદ કરવામાં આવી હતી. ફિલ્મ રજૂ થઈ ત્યારે સોનાલી અને મધુ પોતાની ભૂમિકામાં ખરેખર વધુ યોગ્ય સાબિત થઈ હતી. પરમીત શેઠીની ભૂમિકા માટે પહેલાં સુનીલ શેટ્ટીનો વિચાર થયો હતો પણ નાની ભૂમિકા હતી અને તે બીજી મોટી ફિલ્મોમાં કામ કરતો હોવાથી ના પાડી દીધી હતી.

‘દિલજલે’ ના ક્લાઇમેક્સનું જ્યારે શુટિંગ કરવાનું થયું ત્યારે અજય દેવગન કરણના લેખન સાથે સંમત ન હતો. ફિલ્મમાં એક્શન વિભાગ સંભાળતા અજયના પિતા વીરૂ દેવગન પણ કલાઈમેક્સમાં જે બતાવવાનું હતું એના લેખનથી સંતુષ્ટ ન હતા. કરણનું ત્યારે દ્રઢપણે માનવું હતું કે એણે લખેલો ક્લાઇમેક્સ સારો જ છે. કાજોલ ક્લાઇમેક્સ સાંભળીને હસી હતી એનો મતલબ એ નથી કે ખરાબ છે. પરંતુ આખરે લાંબું વિચાર્યા પછી કરણને લાગ્યું કે એક વૈકલ્પિક ક્લાઇમેક્સ વિચારવામાં આવે એ જરૂરી છે. અને અત્યારે ફિલ્મમાં જે ક્લાઇમેક્સ છે એ વિચારવામાં આવ્યો હતો અને કરણે એ જ રાખ્યો હતો. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે અજય પોતાનો જીવ જોખમમાં મૂકીને બીજા આતંકવાદીઓનો જીવ બચાવે છે અને એ પછી એમનામાં પરિવર્તન આવે છે.

કરણનો પહેલો ક્લાઇમેક્સ કયો હતો એની કોઈને ખબર પડી નથી. જેના પર કાજોલ હસી હતી. પરંતુ બીજો ક્લાઇમેક્સ તૈયાર કર્યા પછી ફિલ્મ રજૂ થતાની સાથે જ સફળ રહી હતી. કલાકારોના અભિનય ઉપરાંત એના ગીતોને કારણે ‘દિલજલે’ બહુ લોકપ્રિય રહી હતી.