‘લવેરિયા’ ગીતમાં ફેરફારથી લોકોનો પ્રેમ વધારે મળ્યો

સંગીતકાર જતીન- લલિતના સંગીતમાં અનેક ગીતો લોકપ્રિય રહ્યા છે અને એની પાછળ કેટલીક રસપ્રદ વાતો જોડાયેલી છે. સંગીતકાર જતીને અનેક વખત પોતાના ગીતો વિશે રસપ્રદ વાતો કહી છે. એના કેટલાક મજેદાર કિસ્સા જાણીએ. ફિલ્મ ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ (1992) નું જે ગીત ‘શરદી ખાંસી ના મલેરિયા હુઆ, યે ગયા યારોં ઇસકો લવેરિયા હુઆ’ જ્યારે લખાયું ત્યારે એમાં ‘લવ લવ લવ’ શબ્દો ન હતા.

ગીતને શાયર વિનુ મહેન્દ્રએ લખ્યું હતું. એ બહુ ગરીબ હતા અને એક ઝૂંપડીમાં રહેતા હતા. જતીન અગાઉ મોટાભાઇ સાથે ‘મંધીર જતીન’ નામે સંગીત આપતા હતા ત્યારથી પરિચય હતો. પરંતુ શરાબની આદત હતી અને ટૂંકા આયુષ્યમાં મૃત્યુ પામ્યા હતા.

વિનુએ જતીન-લલિત માટે ‘રાજુ બન ગયા જેન્ટલમેન’ માં પહેલી વખત ‘લવેરિયા હુઆ’ ગીત લખ્યું હતું. નિર્દેશક અઝીઝ મિર્ઝાને એ પસંદ આવ્યું હતું. કેમકે પ્રેમને એક બીમારી તરીકે રાખીને આખું ગીત લખ્યું હતું. જ્યારે એ ગીત નિર્માતા જી.પી. સિપ્પીને સંભળાવવામાં આવ્યું ત્યારે એના શબ્દોમાં એમણે નાનકડો ફેરફાર કરાવ્યો હતો. ફક્ત ‘લવેરિયા’ શબ્દથી એનો અર્થ તરત સ્પષ્ટ થતો ન હતો કે કઈ બાબત માટે કહેવામાં આવી રહ્યું છે. એમણે કહ્યું કે ‘લવ લવ લવ લવેરિયા હુઆ’ રાખવાથી એ વાતનો ખ્યાલ આવશે કે એ ‘લવ’ ને ‘લવેરિયા’ કહી રહ્યો છે. એમનું આ સૂચન બધાને ગમ્યું અને એ કારણે જ ગીતને લોકોનો વધુ પ્રેમ મળ્યો હતો.

જતીને વિનુ મહેન્દ્રએ લખેલા ફિલ્મ ‘પ્યાર તો હોના હી થા’ (1998) ના ગીત ‘જબ કિસી કી તરફ દિલ ઝુકને લગે’ નો કિસ્સો પણ કહ્યો છે. ‘શેતાન’ ફિલ્મમાં જે ફાર્મ હાઉસ બતાવવામાં આવ્યું છે એ અજય દેવગનનું છે અને ત્યાં બહાર વૃક્ષોના વાતાવરણમાં બેસીને જતીને આ ગીતની ધૂન બનાવી હતી. જેના પર વિનુએ શબ્દો લખ્યા હતા. ગીત ગાવા માટે જ્યારે સ્ટુડિયોમાં કુમાર સાનૂ આવ્યા ત્યારે સોનાના ઘરેણાં પહેરીને તૈયાર થઈને આવ્યા હતા. એમને હોટલ તાજમાં એક કાર્યક્રમમાં જવાની ઉતાવળ હતી અને ઝડપથી ગીત ગાઈને નીકળી જવાના હતા. પરંતુ મુખડું ગાવાનું શરૂ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ ગીત એવું નથી કે ફટાફટ ગાઈને નીકળી જવાય. સાનૂ અનુભવી હતા અને લાગતું હતું કે જલદી ગાઈ લેશે પણ રિહર્સલ વખતે મુખડું ગાવામાં જ ઘણો સમય નીકળી ગયો.

સાનૂને લાગ્યું કે મુશ્કેલ ગીત છે અને મહેનત કરવી પડશે. પ્રયત્ન કર્યો છતાં જે પરિણામ જોઈતું હતું એ આવતું ન હતું. ગીત સમય લે એવું હતું અને પોતે ફટાફટ ગાઈને નીકળી જશે એવું ન હતું એનો ખ્યાલ આવી ગયો. સાનૂને સમજણ હતી કે આ ગીત તેની કારકિર્દીના શ્રેષ્ઠ ગીતોમાં એક બની શકે એવું છે. સાનૂએ પોતાના શરીર પરના ઘરેણાં ઉતારી લીધા અને હોટલના કાર્યક્રમમાં એ પહોંચી નહીં શકે એવો સંદેશો આપી દીધો. પછી સાનૂએ ‘જબ કિસી કી તરફ દિલ ઝુકને લગે’ ગીત માટે સમય આપ્યો અને વારંવાર રિહર્સલ કરીને એવું ગાયું કે ખરેખર શ્રેષ્ઠ ગીત બની રહ્યું.