સાહિલ ચઢ્ઢાએ રવિ ચોપડાને ખોટા પાડ્યા

સાહિલ ચઢ્ઢાને જે નિર્દેશકે અભિનય એનું કામ ન હોવાનું કહ્યું હતું એમણે જ પોતાની ફિલ્મમાં અમિતાભ સાથે કામ આપ્યું હતું. સાહિલને નાનપણથી જ અભિનયનો શોખ હતો. યુવાન થયા પછી સાહિલ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા પહોંચી ગયો હતો. જે કામ મળે એ કરતો હતો. તે મોડેલિંગ કરતો હતો. ફિલ્મ ‘મશાલ’ વખતે કલાકારોના કપડાં, જમવાનું વગેરે લાવવાનું કામ કર્યું હતું. નિર્દેશક રવિ ચોપડાએ એમના પ્રોડકશનમાં એનું ઓડિશન જોઈને કહ્યું કે તું દૂબળો-પાતળો છે. તારો મેળ પડશે નહીં. સમય બગાડ્યા વગર તું દિલ્હી પાછો જતો રહે. સાહિલે એમને ખોટા સાબિત કરવા મહેનત કરી. કેટલીક ટીવી સિરિયલો કરી.

એક ફિલ્મ ‘સત્યમેવ જયતે’ પછી સાહિલની થોડી નોંધ લેવાઈ હતી. તે એક કપડાના શુટિંગની જાહેરાત માટે ખંડાલા જતો હતો ત્યારે મોડેલ મિત્ર વેવર્લીએ એને કહ્યું કે હું એક ફિલ્મ ‘લાલ દુપટ્ટા મલમલ કા’ (૧૯૮૮) નું ઓડિશન આપીને આવી છું. મારો નંબર લાગ્યો નથી પણ તું હીરો તરીકે ઓડિશન આપી શકે છે. સાહિલે જાણ્યું કે એ ફિલ્મ રવીન્દ્ર પીપટની છે. એમની એક ફિલ્મ સાહિલ સાથે બની શકી ન હતી. રવીન્દ્રએ ગુલશનકુમારની ફિલ્મની સ્ક્રીપ્ટ સંભળાવી. ઓડિશન આપ્યા પછી સાહિલે કહ્યું કે આ મહિલાપ્રધાન ફિલ્મ છે. પણ પછી પોતાનું જ મન મનાવ્યું કે હું હીરો છું અને ક્લાઇમેક્સમાં પણ તક મળશે. રવીન્દ્રએ એના માટે સારા દ્રશ્યો બનાવવાનું આશ્વાસન આપ્યું. ત્યારે સાહિલે અભિપ્રાય આપ્યો હતો કે આ એક જૂના જમાનાની પ્રેમવાર્તા છે. કોઈ આધુનિક લવસ્ટોરી નથી? આ વાતને દોઢ મહિનો થઈ ગયો અને એમના તરફથી કોઈ સંદેશ આવ્યો નહીં. સાહિલ ત્યારે માંદો પડ્યો હતો એટલે બહુ ધ્યાન આપ્યું નહીં.

એક દિવસ એણે રેડિયો પર ‘ક્યા કરતે થે સાજના’ ગીત સાંભળ્યું અને ખ્યાલ આવ્યો કે આ એ જ ફિલ્મ છે જેનું મેં ઓડિશન આપ્યું હતું. એને થયું કે આ ફિલ્મ મેળવવી જ જોઈએ. એ રવીન્દ્ર પાસે ગયો અને પૂછ્યું કે ફિલ્મનું શું થયું? એમણે કહ્યું કે તારે તો મોર્ડન લવસ્ટોરી કરવી છે ને? સાહિલે કહ્યું કે ના હું આ કરી લઇશ. અને સાહિલે ફરી કેટલીક છોકરીઓ સાથે હીરો તરીકે ઓડિશન આપ્યું. એ પછી વળી પંદર દિવસ સુધી કોઈ સંદેશ ના આવ્યો. એક દિવસ એરપોર્ટ પર ‘ટી સીરીઝ’ ના ગુલશનકુમારે એને નામથી બોલાવીને કહ્યું કે મેં તારું ઓડિશન જોયું છે અને આપણે ફિલ્મ કરી રહ્યા છે. ‘લાલ દુપટ્ટા મલમલ કા’ ના પહેલાં ઓડિયો ગીતો રજૂ કરવામાં આવ્યા હતા અને એની લોકપ્રિયતને કારણે ગુલશનકુમારે એ ગીતો સાથે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.

ફિલ્મ રજૂ થતાની સાથે જ સફળ થતાં સાહિલ મોટો ડીજીટલ સ્ટાર બની ગયો હતો. એ પછી ખાસ કોઈ ફિલ્મો મળી નહીં. સલમાન ખાન પણ ત્યારે એનાથી પ્રભાવિત હતો અને કહ્યું હતું કે હું એક ફિલ્મની સ્ક્રીપ્ટ લખી રહ્યો છું. આમિર ખાનને એ પસંદ આવી નથી. હું તારી અને મોહનીશ બહલ સાથે બનાવીશ. પછી કહ્યું હતું કે ‘મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) થી અભિનેતા તરીકે નહીં ચાલે તો નિર્દેશક બનશે અને તારી સાથે ફિલ્મ બનાવશે. સાહિલ જીવન નિર્વાહ માટે જાહેરાતો કરતો રહેતો હતો. ત્યારે ફિલ્મ ‘શહઝાદે’ માટે આમિર ખાને ના પાડ્યા પછી સાહિલને ઓફર થઈ એમાં આદિત્ય પંચોલી આવી ગયો હતો.

આદિત્ય ચોપડાએ એને યશજીની એક ફિલ્મ ‘ડર’ (૧૯૯૩) કરવાની સલાહ આપી હતી. કેમકે આમિરે ના પાડી હતી. એમાં નકારાત્મક ભૂમિકા હોવાનું જાણી ખચકાયો હતો. પણ મહત્વની ભૂમિકા હોવાથી હા પાડી હતી. યશજીની ‘લમ્હે’ (૧૯૯૧) ફ્લોપ થયા પછી ફેરફાર થતાં એ ભૂમિકામાં શાહરૂખ ખાન આવી ગયો હતો. વર્ષો પછી રવિ ચોપડાએ અમિતાભની ફિલ્મ ‘બાગબાન’ (૨૦૦૩) માં સાહિલને કામ આપ્યું હતું અને પરિવાર સાથે મુલાકાત કરાવીને વખાણ કરતાં કહ્યું હતું કે આ છોકરાને મેં ના પાડી હતી છતાં એ અભિનયમાં રહ્યો અને આ સ્થાન પર પહોંચ્યો છે.