દેવ આનંદ- હેમામાલિનીની ‘જૉની મેરા નામ’ (૧૯૭૦) નું નામ બે વખત બદલવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્માતા ગુલશન રાયનો નિર્માણનો પહેલો અનુભવ કેવો રહ્યો અને એમાં કામ કરવા પ્રાણ કેવી રીતે રાજી થયા? જેવી ફિલ્મ સાથે સંકળાયેલી અનેક વાતો રસપ્રદ છે. ફિલ્મ વિતરક અને પ્રદર્શક ગુલશન રાયે નિર્માતા તરીકે પહેલી ફિલ્મ ‘જૉની મેરા નામ’ બનાવવાનો નિર્ણય કર્યો એની પાછળ બી.આર. ચોપરાનું એક વિધાન ગણાય છે. એમણે કહ્યું હતું કે વિતરકો ફિલ્મ બનાવી શકતા નથી.
એમાંથી પ્રેરણા લઇને ગુલશન રાયે ‘ત્રિમૂર્તિ ફિલ્મ્સ’ ની સ્થાપના કરીને ફિલ્મનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. કે.એ. નારાયણની વાર્તા પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન વિજય આનંદને સોંપવામાં આવ્યું. ફિલ્મમાં બે ભાઇની વાર્તા હોવાથી પહેલાં ‘દો રૂપ’ શિર્ષક રાખવામાં આવ્યું હતું. એ પછી ‘તુમ જહાં હમ વહાં’ રાખ્યું પણ અંકશાસ્ત્રીની સલાહ હતી કે અંગ્રેજીના ‘જે’ અક્ષરથી શરૂ થતું હોવું જોઇએ. એટલે ‘જૉની મેરા નામ’ કરવામાં આવ્યું હતું. એ અરસામાં એવા જ નામવાળી રાજ કપૂરની ફિલ્મ ‘મેરા નામ જોકર’ પણ બની રહી હતી. એ કારણે જ ‘જૉની મેરા નામ’ ને એના પહેલાં રજૂ કરવામાં આવી હતી.
ગુલશન રાય ફિલ્મમાં દેવ આનંદ સાથે પ્રાણને જ લેવા માગતા હતા. હીરોઇન તરીકે તેમને હેમાની ‘ડ્રીમગર્લ’ ની ઇમેજ પ્રભાવિત કરી ગઇ હતી. એમને દર્શકોની પસંદનો ખ્યાલ હતો અને પહેલી ફિલ્મ હોવાથી કોઇ સમાધાન કરવા માગતા ન હતા. પરંતુ જ્યારે લેખક નારાયણ અને નિર્દેશક વિજય આનંદ પ્રાણને ‘મોહન/ મોતી’ ની ભૂમિકા માટે સાઇન કરવા ગયા ત્યારે એમણે પોતાની પાસે સમય ન હોવાનું કહી દીધું. ગુલશન રાય એ જાણીને નિરાશ થઇ ગયા અને વિજયને ફરીથી પ્રાણને મળી મનાવવા કહ્યું. વિજય પ્રાણ પાસે ગયા ત્યારે એમણે પોતાની આખી ડાયરી બતાવી દીધી અને ગુલશનની ફિલ્મ માટે સમય કાઢી શકે એમ ન હોવાનું દુ:ખ પણ વ્યક્ત કર્યું.
વિજય આનંદ પરિસ્થિતિ સમજીને વધારે દબાણ કે આગ્રહ કર્યા વગર પાછા ફરી ગયા. પોતાની વ્યસ્તતા અને મજબૂરીને વિજય આનંદ સમજી શક્યા એનો પ્રાણને આનંદ થયો. વિજયની શિષ્ટતાની એ વાત એમને પ્રભાવિત કરી ગઇ કે ડાયરી જોઇને એમણે આગ્રહ ન કર્યો. એમને વિજય સાથે કામ કરવાની ઇચ્છા થઇ આવી અને નક્કી કર્યું કે કોઇને કોઇ રસ્તો શોધીને આ ફિલ્મ કરવી જોઇએ. પ્રાણે વિજય આનંદનો સંપર્ક કર્યો અને પોતે કેટલીક તારીખો ફાળવવા તૈયાર હોવાનું કહ્યું. ત્યારે વિજય આનંદે ફિલ્મના અન્ય કલાકારોને એ તારીખો સાથે અનુકૂળ થવા સમજાવી લીધા. આમ વ્યસ્તતા છતાં પ્રાણ ‘જૉની મેરા નામ’ માં કામ કરી શક્યા. વિજય આનંદના નિર્દેશનમાં ફિલ્મ બહુ સફળ રહી અને ગુલશન રાયે આગળ જતાં બીજા નિર્દેશકો અને પુત્ર રાજીવ રાય સાથે અનેક સફળ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. જેમાં દીવાર, ત્રિશૂલ, વિધાતા, ત્રિદેવ, મોહરા, ગુપ્ત વગેરે મુખ્ય છે.