માધુરીનો સંજોગથી ‘તેજાબ’માં નંબર લાગ્યો   

નિર્દેશક એન. ચંદ્રાએ જ્યારે ફિલ્મ ‘તેજાબ’ (૧૯૮૮) ની વાર્તા તૈયાર કરી ત્યારે હીરો તરીકે અનિલ કપૂરનું નામ નક્કી રાખ્યું હતું. હીરોઇન તરીકે સ્ટાર અભિનેત્રી લઇ શકે એમ ન હતા ત્યારે સંજોગથી હીરોઇન તરીકે માધુરી દીક્ષિતનો નંબર લાગી ગયો હતો. એડિટર તરીકે અનિલની ‘વો સાત દિન’ થી શરૂઆત કરનાર એન. ચંદ્રાએ ‘અંકુશ’ અને ‘પ્રતિઘાત’ નું નિર્દેશન કર્યા પછી ‘તેજાબ’ નું આયોજન કરીને હીરો તરીકે અનિલ કપૂરને સાઇન કરી લીધા પછી સમસ્યા એ હતી કે તે બહુ વ્યસ્ત સ્ટાર હતો. ત્યારે તેનું કામ ભાઇ બોની કપૂર સંભાળતો હતો. બોનીએ કહ્યું હતું કે એની તારીખો હોય ત્યારે ‘તેજાબ’ ના શુટિંગનું આયોજન કરી લેવું. એન.ચન્દ્રા તેની સાથે તારીખોનો મેળ પડે એવી હીરોઇન શોધતા હતા ત્યારે એમને જાણવા મળ્યું કે અનિલના સેક્રેટરી રિક્કુ રાકેશનાથ માધુરીનું પણ કામ સંભાળે છે.

૧૯૮૪ માં ‘અબોધ’ થી અભિનય શરૂ કરનાર માધુરીની ત્યારે કારકિર્દી બની ન હતી. ૧૯૮૭ માં માધુરીની અનિલ કપૂર સાથે ‘હિફાઝત’ અને જેકી-રજનીકાંત સાથેની ‘ઉત્તર દક્ષિણ’ આવી ચૂકી હતી. એન. ચન્દ્રાને માધુરી સાથેની એક જૂની મુલાકાત યાદ આવી ગઇ. એ કોઇ ફિલ્મના એડિટર તરીકે કામ કરતા હતા ત્યારે માધુરી તેની મા સાથે નિર્માતાઓને મળવા જતી હતી. ફિલ્મ મેળવવા સંઘર્ષ કરતી માધુરીએ એ નિર્માતાને ત્યાં એન. ચન્દ્રાને કોઇની સાથે મરાઠીમાં વાતચીત કરતા જોઇ એમને મળીને મરાઠી હોવા વિશે પૂછ્યું હતું. માધુરીએ ત્યાં બેસવાની પરવાનગી માગી ત્યારે એન. ચન્દ્રાએ એમને બેસાડીને પોતે પણ મહારાષ્ટ્રીયન હોવાના નાતે ચા પીવડાવી હતી.

એ મુલાકાત વખતે એમને માધુરીમાં સારી અભિનેત્રી તરીકેની સંભાવના દેખાઇ હતી. એટલે જ્યારે ‘તેજાબ’ વખતે ‘મોહિની’ ની ભૂમિકા માટે સુંદર હીરોઇન શોધતા હતા અને રિક્કુ માધુરીનું કામ સંભાળતા હતા એ જાણ્યું ત્યારે એના પર ભરોસો કર્યો. એન.ચન્દ્રાએ રિક્કુને વાત કરી એટલે એણે અનિલ અને માધુરીની તારીખો ‘તેજાબ’ માટે ગોઠવી આપી. એક કારણ વગરની મુલાકાત અને બીજી હીરોઇનો સાથે અનિલની તારીખોની સમસ્યાનો ઉકેલ માધુરીમાં દેખાતાં એન. ચન્દ્રાએ માધુરીને તક આપી હતી. એ તક માધુરીને સ્ટાર અભિનેત્રી બનાવવામાં મહત્વની સાબિત થઇ હતી. માધુરીએ ‘તેજાબ’ માં અભિનય સાથે ‘એક દો તીન’ જેવા ગીત પર મહેનત કરીને તકનો બરાબર ઉપયોગ કરી લીધો હતો.  ફિલ્મફેરમાં ‘તેજાબ’ નું માધુરીના શ્રેષ્ઠ અભિનેત્રી સહિતના બાર એવોર્ડ માટે નામાંકન થયું હતું. એમાં અભિનયમાં એકમાત્ર અનિલ કપૂરને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.