અવિનાશ વાધવાને 3 મોટી ફિલ્મો ગુમાવી હતી

ગુલશનકુમારની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’ (૧૯૯૧) થી ચમકેલા અવિનાશ વાધવાને કોઈને કોઈ કારણથી 3 જેટલી મોટી ફિલ્મો ગુમાવી હતી. અને એ કારણે શાહરૂખ ખાન, અજય દેવગન અને સૈફ અલી ખાનને લાભ થઈ ગયો હતો. અજય દેવગને જે ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ (૧૯૯૧) થી કારકિર્દીની સફળ શરૂઆત કરી હતી એ માટે અવિનાશ પહેલી પસંદ હતો. અવિનાશ જ્યાં ફિલ્મ ‘ઝૂનૂન’ નું શુટિંગ કરતો હતો ત્યાં નિર્દેશક કુકુ કોહલીના સહાયક રોહિત મળવા ગયા હતા અને ફિલ્મના ગીતોની કેસેટ સંભળાવી કામ કરવા વાત કરી હતી.

અવિનાશને ‘ફૂલ ઔર કાંટે’ ના ગીતો પસંદ આવ્યા હતા પણ બીજી કેટલીક બાબતો યોગ્ય લાગી ન હતી. અસલમાં આ ફિલ્મના શુટિંગનું તમામ આયોજન થઈ ચૂક્યું હતું. માત્ર દોઢ- બે મહિનામાં શુટિંગ કરવાનું હતું અને કોલેજની વાર્તા હોવાથી અસલ જગ્યાએ શુટિંગ કરવા રજાઓનો ગાળો પસંદ થયો હતો. તેથી એક જ શિડ્યુલમાં ફિલ્મ પૂરી કરવા સળંગ તારીખો આપવાની હતી. અવિનાશ ત્યારે ઘણી ફિલ્મો કરી રહ્યો હતો અને એમને જોઈતી સળંગ તારીખો ન હતી. ફિલ્મ ન કરવાનું બીજું એક કારણ એ હતું કે અવિનાશ એ પ્રોજેકટ માટે ઉત્સાહ ધરાવતો ન હતો. કેમકે એ ત્યારે ગુલશનકુમાર, મહેશ ભટ્ટ, કે.સી. બોકાડીયા વગેરેની ફિલ્મો કરી રહ્યો હતો અને ત્યારે નવા નિર્માતા, નવી હીરોઈન અને બહુ જાણીતા ના રહેલા નિર્દેશક ‘ફૂલ ઔર કાંટે’ સાથે જોડાયેલા હોવાથી એને કરવામાં જોખમ લાગ્યું હતું. અવિનાશે એવું વિચાર્યું હતું કે પોતાની તારીખો એમને આપવાથી નુકસાન થશે.

નવાઈની વાત એ હતી કે અવિનાશની જેમ બીજા જાણીતા હીરોએ પણ આવા જ કારણથી એ ફિલ્મ કરી ન હતી. અવિનાશે શાહરૂખ ખાનવાળી ‘દીવાના’ (૧૯૯૨) પણ ગુમાવી હતી. ‘આઈ મિલન કી બેલા’ ના નિર્દેશક કે. પપ્પુના ભાઈ રાજ કંવર સાથે અવિનાશને બહુ જૂની મિત્રતા હતી. એટલે જ્યારે રાજને નિર્દેશક તરીકે પહેલી ફિલ્મ ‘દીવાના’ મળી ત્યારે એને કામ કરવા આગ્રહ કર્યો અને વાર્તા સંભળાવી કહ્યું કે એમાં બે હીરો છે. એક રિશી કપૂર છે અને બીજો તું આવી જાય. હીરોઈન તરીકે નવી છોકરી દિવ્યા ભારતી છે. બધી વાત જાણ્યા પછી અવિનાશે ચિંતાથી કહ્યું કે બીજા હીરોનો પ્રવેશ છેક ઇન્ટરવલ વખતે થાય છે અને આખી ફિલ્મ રિશી – દિવ્યા પર છે. એમાં રિશી મારાથી મોટી ઉંમરના દેખાશે. રાજે સમજાવ્યું કે ફિલ્મનો ટાઇટલ રોલ જ તારો છે.

અવિનાશને આ ફિલ્મ માટે પણ તારીખોની સમસ્યા હતી જ. અવિનાશે ના પાડ્યા પછી દિવ્યા ભારતીના સૂચનથી ફિલ્મમાં શાહરૂખ ખાનને લેવામાં આવ્યો હતો. અવિનાશે ત્રીજી ફિલ્મ ગુમાવી હતી. અવિનાશ એક જગ્યાએ પોતાના મિત્રો સાથે જન્મદિન ઉજવી રહ્યો હતો ત્યાં યશ ચોપડા એમના પરિવાર સાથે આવ્યા હતા. એમણે અચાનક સામે ચાલીને ત્યાં જ પોતાની નવી ફિલ્મ માટે વાત કરી હતી અને કહ્યું હતું કે મારી પાસે બે હીરોની એક ફિલ્મ છે એ માટે તું સોમવારે આવી જજે. પરંતુ એ દિવસોમાં પરિવાર સાથે તણાવ હોવાથી અવિનાશ ઉદાસ હતો અને દિલ હળવું કરવા રાત્રે કારમાં પોતાની બહેનને ત્યાં પૂના પહોંચી ગયો હતો. બહેનના આગ્રહથી એ બે-ત્રણ દિવસ વધારે રોકાઈ ગયો અને યશજીની ફિલ્મની વાત મગજમાંથી નીકળી ગઈ હતી. મંગળવારે એને યાદ આવ્યું અને જ્યારે યશજી પાસે પહોંચ્યો ત્યારે એ મોડો પડ્યો હતો. ફિલ્મ ‘યે દિલ્લગી’ (1994) માટે સૈફ અલી ખાન પસંદ થઈ ચૂક્યો હતો.