નિર્દેશક ડેવિડ ધવને ફિલ્મ ‘કુલી નંબર વન’ (1995) માં જરૂરિયાત ન હતી ત્યાં પણ લેખક સાથે રકઝક કરી ગીતો મૂકી દીધા હતા અને એ લોકપ્રિય પણ રહ્યા હતા. નિર્દેશક મનમોહન દેસાઈને પોતાના ગુરુ સમજતા ડેવિડ ધવને ‘કુલી’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે એ ટાઇટલ મનમોહન પાસે હોવાથી ‘કુલી નંબર વન’ સાથે ફિલ્મ શરૂ કરી હતી. એના લેખક રૂમી જાફરી હતા. એ ફિલ્મમાં લૉજિક સાથે લખવાનો પ્રયત્ન કરતાં હતા પણ ડેવિડ ખોટું હોય છતાં લોકોને એની ખબર ના પડે અને મનોરંજન મળે એવી રીતે લખવાનું કહેતા હતા. તે કહેતા કે હું વાસ્તવિક નહીં કોમેડી ફિલ્મ બનાવું છું.
રૂમી જાફરી ડેવિડ માટે પહેલી વખત ‘કુલી નંબર વન’ લખી રહ્યા હતા. વાર્તામાં એક જ ગોવિંદા હતો અને બે બહેનો કરિશ્મા કપૂર અને કંચન હતી. એમાં કરિશ્મા સાથે ગોવિંદાના લગ્ન થઈ જાય છે. તે કરોડપતિ હોવાનું જૂઠ કહી લગ્ન કરી લેતો હોય છે. અને કંચનને એના ડ્રાઈવર હરીશ સાથે પ્રેમ થઈ જાય છે. કાદર ખાન જ્યારે આવીને જુએ છે કે ગોવિંદા તો કુલી છે. ત્યારે ગોવિંદા કહે છે કે એ એનો જોડીયો ભાઈ છે અને પિતાએ એને ઘરેથી કાઢી મૂક્યો છે.
કાદર ખાન વિચારે છે કે વારસામાં એના ભાઈને સંપત્તિ અડધી મળે એમ છે. એટલે કાદર બીજી પુત્રી કંચનને એની સાથે પ્રેમ કરવા કહે છે. પરંતુ કંચન હરીશને પ્રેમ કરતી હોય છે. કાદર દૂધમાં દવા ભેળવીને કહે છે કે આ પીને તે મારી પુત્રી કંચન સાથે પ્રેમ કરશે. થાય છે એવું કે એ દૂધ કંચન પી જાય છે અને ગોવિંદાને જુએ છે તો એને હરીશ દેખાય છે અને સપનામાં એક ગીત શરૂ થાય છે. ત્યારે ડેવિડે કહ્યું કે આ ગીત ગોવિંદા અને કરિશ્મા પર ફિલ્માવીશ. રૂમીએ દલીલ કરી કે કંચનના સપનામાં ગોવિંદા અને કરિશ્મા કેવી રીતે ડાન્સ કરી શકે? કરિશ્મા તો એની બહેન છે.
ડેવિડે કહ્યું કે જો આ ગીત ગોવિંદા અને કરિશ્મા પર ફિલ્માવીશું તો જ હિટ થશે. માત્ર ગોવિંદા અને કંચન પર ચાલશે નહીં. રૂમીએ ઘણી દલીલ અને ઝઘડા કર્યા પણ ડેવિડે એ ગીત ‘હુસ્ન હૈ સુહાના, ઈશ્ક હૈ દીવાના’ ની શરૂઆતમાં અને અંતમાં જ કંચનને બતાવી. પણ મોટાભાગનું ગીત ગોવિંદા- કરિશ્મા પર ફિલ્માવ્યું અને બહુ લોકપ્રિય રહ્યું. ડેવિડની ફિલ્મોના ગીતો ધૂમ મચાવતા હતા. એમનું કહેવું હતું કે ગીતનું મુખડું દમદાર હોવું જોઈએ. ‘કુલી નંબર વન’ ના ‘મેં તો રસ્તે સે જા રહા થા’ ગીતની ‘તુઝ કો મિર્ચી લગી તો મેં ક્યા કરું’ લાઇન ઉજ્જૈનના એક કલેક્ટર પાસેથી મળી હતી.
એ ગીતનું શૂટિંગ થઈ ગયું હતું પણ સ્ક્રીનપ્લેમાં એના માટે કોઈ જગ્યા ન હતી. સંગીત કંપનીના માલિક સહિત બધાને ચિંતા હતી કે ગીતને ફિટ ક્યાં કરીશું. ડેવિડે ફિલ્મનું એક દ્રશ્ય જોયું જેમાં કાદર ખાન ગોવિંદાને દારુ પીવડાવતા હોય છે. અને ડેવિડે ટલ્લી થયેલા ગોવિંદાના મોંમાં વાક્ય મૂકી દીધું કે,‘તેરે કો મિર્ચી ક્યૂં લગ રહી હૈ યાર’ અને એ ગીત મૂકી દીધું. ગીતોને ક્યાં કેવી રીતે મૂકવાના એનો નિર્દેશક ડેવિડ ધવનને બરાબર ખ્યાલ હતો.