રાજશ્રીએ સચિન પર હીરોની મહોર મારી

અભિનેતા સચિને મુખ્ય હીરો તરીકે ફિલ્મ ‘ગીત ગાતા ચલ’ (1975) થી શરૂઆત કરી હતી. પરંતુ રાજશ્રી પ્રોડકશનને આ ફિલ્મ વિષે કોઈ વિચાર ન હતો છતાં સચિનને હીરો તરીકે નક્કી કરી લીધો હતો. અમિતાભ બચ્ચનના ભાઈ અજિતાભના લગ્ન પ્રસંગે બાળ કલાકાર તરીકે ‘શોલે’ (૧૯૭૫) માં કામ કરતો ૧૭ વર્ષનો સચિન ગયો ત્યારે એને જોઈ રાજશ્રીના રાજકુમાર બડજાત્યાએ એની પાસે જઈને પોતાનો પરિચય આપીને કહી દીધું હતું કે તેઓ એની સાથે એક ફિલ્મ બનાવવા માગે છે. સચિને ઘરે જઈને પિતાને વાત કરી ત્યારે એમણે આ વાતને ગંભીરતાથી લીધી ન હતી. એટલે સચિન પણ એ વાત ભૂલી ગયો હતો. ત્રણ દિવસ પછી સચિનના ઘરની સામે રહેતા ગીતકાર મજરૂહ સુલતાનપુરીના પુત્રએ આવીને સંદેશ આપ્યો કે રાજશ્રીમાંથી ફોન હતો અને એક નંબર આપ્યો છે એના પર વાત કરવા કહ્યું છે.

સચિનના પિતાએ રાજકુમારને ફોન કર્યો ત્યારે એમણે એમ કહ્યું કે તમે ‘સચિનજી’ ને લઈને અમારી પાસે ક્યારે આવશો? ત્યારે પિતાએ આવતીકાલે મળવાની વાત કહી દીધી. બીજા દિવસે જ્યારે સચિન મળવા ગયો ત્યાં સુધીમાં રાજકુમારે કવિવર રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા ‘અતિથિ’ પરથી એક ફિલ્મ બનાવવાની ચર્ચા પરિવાર સાથે કરી લીધી હતી. અસલમાં એ વાર્તા પરથી સચિનના પિતા શરદ પિલગાંવકર અને મધુસુદન કાલેલકરે મરાઠી ફિલ્મ લખી હતી. એટલે એમણે એ બંનેને જ હિન્દી ફિલ્મની વાર્તા લખવાની જવાબદારી આપી. એ સાથે સચિનને હીરો તરીકે સાઇન પણ કરી લીધો હતો. તેઓ માત્ર સચિન સાથે જ ફિલ્મ બનાવવા માગતા હતા. મૂળ વાર્તાનો અંત કરૂણ હતો. એમાં બીજા કેટલાક પાત્રો ઉમેરવા સાથે ઘણા ફેરફાર કરીને સુખાંત કરી દીધો હતો.

વાર્તા તૈયાર થયા પછી એમને લાગ્યું કે ફિલ્મ બની શકે છે એટલે એના કાયદાકીય અધિકાર માટે કવિ ટાગોરના શાંતિનિકેતનમાં એ વાર્તા મંજૂરી માટે મોકલી આપી. અને અધિકારની કિંમત પૂછી. દસ દિવસ પછી ત્યાંથી પત્ર આવ્યો કે તેઓ ફિલ્મ માટે અધિકાર આપી શકે એમ નથી. તેથી નિરાશ થયેલા રાજકુમારે જ્યારે પિતા તારાચંદ બડજાત્યાને આ વાત કરી અને કહ્યું કે હવે આ વાર્તા પર ફિલ્મ બનાવી શકાશે નહીં. તારાચંદે કારણ પૂછ્યું ત્યારે રાજકુમારે કહ્યું કે પત્રમાં લખ્યું છે કે અમે આ વાર્તાના અધિકાર આપી શકીએ એમ નથી. કેમકે આ અમારી વાર્તા જ નથી! અમારી વાર્તા અલગ છે. ત્યારે તારાચંદે સમજાવ્યું કે એમની વાર્તા નથી તો આપણે એના અધિકારની જરૂર જ નથી.

ફિલ્મનું નિર્દેશન હિરેન નાગને અને સંગીત રવીન્દ્ર જૈનને સોંપવામાં આવ્યું. કલાકારો અને કસબીઓની પસંદગી કરીને શુટિંગ શરૂ કરવામાં આવ્યું. એક વર્ષ બાદ ફિલ્મ તૈયાર થઈ અને રજૂઆતની વાત આવી ત્યારે રાજકુમારે કહ્યું કે તે રોજના ચાર શૉ ચાલે છે એવા સૌથી મોટા ‘મેટ્રો’ સિનેમામાં રજૂ કરશે. બધાએ સલાહ આપી કે નાની ફિલ્મ છે. એને નાના થિયેટરોમાં રજૂ કરો. પણ એમણે એકમાત્ર ‘મેટ્રો’ માં જ ફિલ્મ રજૂ કરવાની જીદ પકડી. ત્યારે ‘મેટ્રો’ ના સંચાલકે ‘ગીત ગાતા ચલ’ નાની ફિલ્મ હોવાથી પહેલાં ના પાડી દીધી.

તેમનું કહેવું હતું કે નવા હીરો-હીરોઈન છે અને ભગવાનના ગીતો છે એટલે ચાલશે નહીં. પણ રાજશ્રી પ્રોડકશન વિતરણનું કામ સંભાળતું હોવાથી સંબંધને કારણે માત્ર એક સપ્તાહ માટે રજૂ કરવાની સંમતિ આપી દીધી. પહેલા દિવસે ચાર શૉમાં આંગળીના વેઢે ગણાય એટલા દર્શકો આવ્યા. શનિ-રવિમાં પણ એવી જ સ્થિતિ રહી ત્યારે ‘મેટ્રો’ ના મેનેજરે ગુરુવાર છેલ્લો દિવસ હોવાનું કહી દીધું. પણ સોમવારે ચમત્કાર થયો હોય એમ પહેલાં શૉમાં પચાસ ટકા દર્શકો ભરાયા. અને છેલ્લો શૉ હાઉસફુલ ગયો. મંગળવારથી બ્લેકમાં ટિકિટ વેચાવા લાગી હતી. બે અઠવાડિયા પછી સચિન- સારિકા સ્ટાર બની ગયા હતા.