બમ્બઇ સે આયા મેરા દોસ્ત…

સંગીતકાર બપ્પી લહેરી ગાયક તરીકે પણ લોકપ્રિય રહ્યા છે. બપ્પીદાએ ગાયક તરીકે પહેલું ગીત અમિત ખન્નાના સંગીતમાં ફિલ્મ ‘ચલતે ચલતે’ (૧૯૭૬) માં ‘જાના કહાં હૈ, પ્યાર યહાં હૈ’ ગાયું હતું. નવાઈની વાત એ છે કે ગાયક તરીકે એમણે પોતાના સંગીતમાં ગાયેલું પહેલું એકલ લોકપ્રિય ગીત ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ પહેલાં ફિલ્મમાં જ ન હતું. નિર્દેશક સુધેન્દુ રૉયની વિનોદ ખન્ના- રેખા અભિનિત ફિલ્મ ‘આપ કી ખાતિર’ (૧૯૭૭) માં બપ્પી લહેરી સંગીત આપી રહ્યા હતા.

ફિલ્મના સિચ્યુએશન મુજબના બધા જ ગીતોનું રેકોર્ડિંગ થઈ ગયું હતું. એમાં બપ્પીએ ‘પ્યારા એક બંગલા હો’ માં લતા મંગેશકર સાથે અને ‘ઓ શોલા, ઓ શોલા’ માં ઉષા મંગેશકર તથા શૈલેન્દ્ર સિંઘ સાથે સ્વર આપ્યો હતો. પરંતુ બધા જ પાંચ ગીતોની અવધિ એક કેસેટ માટે પૂરતી થતી ન હતી. એટલે બપ્પી લહેરીએ એકલા જ એક ગીત ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ ગાઈને એમાં ઉમેરી દીધું હતું. ગીતો જ્યારે એચ.એમ.વી. સંગીત કંપની પાસે પહોંચ્યા ત્યારે એમને ખબર પડી કે ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ સૌથી વધુ સારું લાગી રહ્યું છે અને એ ફિલ્મમાં જ નથી. તેથી વિનોદ ખન્નાને જણાવવામાં આવ્યું. વિનોદે આ ગીતને ફિલ્મમાં પોતાના પર ફિલ્માવવા કહ્યું. અને ફિલ્મમાં લોકોને એ એટલું પસંદ આવ્યું કે બપ્પી લહેરી સંગીતકાર સાથે ગાયક તરીકે પણ લોકપ્રિય થઈ ગયા હતા.

આ ગીત પછી નિર્માતા- નિર્દેશકો ફિલ્મમાં એમના સ્વરમાં એક ગીત રેકોર્ડ કરવા આગ્રહ કરવા લાગ્યા હતા. ફિલ્મ ‘નમક હલાલ’ (૧૯૮૨) માં કિશોરકુમાર અને આશા ભોંસલેના સ્વરમાં જ બધા ગીતો હતા. બપ્પીદાના સ્વરમાં એકપણ ગીત ન હતું. નિર્દેશક પ્રકાશ મહેરાએ ‘એક ગીત તો ગાવું જ પડશે’ એવો આગ્રહ કરીને ‘રાત બાકી, બાત બાકી’ આશા ભોંસલે સાથે તૈયાર કરાવ્યું હતું. જોકે, ‘શરાબી’ (૧૯૮૪) વખતે એમણે મહેરાની વાત માની ન હતી. ફિલ્મમાં પુરુષ સ્વરના બધા જ ગીતો કિશોરકુમાર પાસે ગવડાવ્યા હતા અને ‘જહાં ચાર યાર’ ગીતમાં અમિતાભ બચ્ચનનો અવાજ લીધો હતો. બપ્પીદા પોતે જે પણ ગીત ગાતા એ અચૂક હિટ થઈ જતું હતું. બપ્પીદાએ એક મુલાકાતમાં કહ્યું હતું કે તે એ સમયમાં એકદમ ઊંડાણના એક ગામમાં ગયા ત્યારે યુવાનોને ‘બમ્બઇ સે આયા મેરા દોસ્ત’ ગાતા જોઈને નવાઈ પામ્યા હતા. આ ગીત સાંભળીને કિશોરકુમાર પણ પ્રભાવિત થયા હતા. કિશોરકુમારે ફોન કરીને બપ્પીદાને મજાકમાં કહ્યું હતું કે તું મારુ સ્થાન લેવા માગે છે કે શું?! તે બહુ સરસ ગાયું છે!