અનુપમ ‘સારાંશ’ માં ભૂમિકા મેળવીને જ રહ્યા

મહેશ ભટ્ટની કોઈ ફિલ્મ સફળ રહી ન હતી અને ‘અર્થ’ (૧૯૮૨) રજૂ થઈ ન હતી ત્યારે રાજશ્રી પ્રોડકશનની ‘સારાંશ’ (૧૯૮૪) મળી ગઈ હતી. બન્યું એવું કે સરકાર દ્વારા ઓફબીટ ફિલ્મો બનાવવા મદદ કરવા સ્થાપિત ‘એન.એફ.ડી.સી.’ સાથે મહેશ ભટ્ટને મુલાકાતનો સમય મળ્યો હતો. પરંતુ એ પહોંચ્યા ત્યારે કોઈ જાણીતી હસ્તી આવી હોવાથી એમને સમય આપવામાં આવ્યો નહીં અને એ નિરાશ થઈને બસમાં પાછા જઇ રહ્યા હતા. રસ્તામાં ‘રાજશ્રી પ્રોડકશન’ ની કંપનીનું બેનર જોઈ એક આશા સાથે ઉતરી ગયા અને ચાલતા એમની ઓફિસે પહોંચ્યા.

રાજકુમાર બડજાત્યા સાથે એમની મુલાકાત થઈ. મહેશે પોતાની આગામી ફિલ્મ ‘સારાંશ’ ની વાર્તા ટૂંકમાં સંભળાવી. રાજકુમારે જાણ્યું કે એમની ‘અર્થ’ બનીને તૈયાર છે પણ વેચાતી નથી ત્યારે એને જોવાની ઈચ્છા વ્યક્ત કરી. મહેશે નિર્માતાને વિનંતી કરીને એક પ્રિવ્યુ થિયેટરમાં ‘અર્થ’ નો શૉ ગોઠવ્યો. ફિલ્મ જોઈને બડજાત્યાએ એને મુંબઈમાં પ્રદર્શિત કરવાનું ગોઠવ્યું અને ‘સારાંશ’ નું નિર્માણ કરવાની પણ મંજૂરી આપી દીધી. ફિલ્મમાં ૨૮ વર્ષના અનુપમ ખેરની પસંદગી 75 વર્ષના વૃધ્ધના પાત્ર માટે થઈ હતી. અનુપમ સાથે મરાઠી થિયેટરના સુહાસ પણ હતા. ત્યારે મહેશને સંજીવકુમાર સાથે મિત્રતા હતી એટલે શુટિંગ શરૂ થતાં પહેલાં ‘રાજશ્રી પ્રોડકશન’ તરફથી સૂચન થયું કે આ એક ઓફબીટ વાર્તાવાળી ફિલ્મ છે તો એમાં કોઈ જાણીતો ચહેરો પસંદ કરો.

‘રાજશ્રી’ ના નામ પર ફિલ્મ તો વેચાઈ જવાની હતી પણ દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા સંજીવકુમાર જેવા લોકપ્રિય અભિનેતાની એમને જરૂર લાગતી હતી. વળી એ સમય પર આ બેનરની ફિલ્મો ખાસ ચાલી રહી ન હતી. મહેશ પણ માની ગયા કે મુખ્ય ભૂમિકા સંજીવકુમારને આપી દઈએ અને બીજી ભૂમિકા અનુપમ ખેર કરી લેશે. મહેશે અનુપમને જાણ કરી કે નિર્માતા નવોદિતને મુખ્ય ભૂમિકામાં રાખવા માગતા નથી. અનુપમે ‘બી.વી. પ્રધાન’ ની ભૂમિકા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી. આ ભૂમિકાથી કારકિર્દીને વેગ મળવાની આશા બાંધી લીધી હતી. પોતાની ભૂમિકાની જાહેરાત કરી દીધી હતી. એટલે એ ભૂમિકા બીજાને આપી દેવામાં આવી છે એ વાતથી ઉદાસ થઈ ગયા હતા અને મહેશ ભટ્ટને મળી ગુસ્સો વ્યક્ત કર્યો હતો કે તમે મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. હું શહેર છોડીને જઈ રહ્યો છું. કારમાં સામાન ભરીને આવ્યો છું. ભૂમિકા મેળવવા અનુપમ મહેશ સાથે લડ્યા અને રડ્યા પણ હતા.

એ જોઈ મહેશને લાગ્યું કે ભૂમિકા માટે ઉત્સાહ, પ્રામાણિક્તા અને સમર્પિત ભાવનાથી તૈયાર છે એ જોતા એને વધુ યોગ્ય માની શકાય એમ છે. અને એમણે રાજકુમારને વાત કરીને ભૂમિકા અનુપમને સોંપી દીધી હતી. એમાં સૂરજ બડજાત્યા સહાયક બન્યા હતા. જ્યારે ક્લાઇમેક્સ ફિલ્માવવામાં આવી રહ્યો હતો ત્યારે એમાંની વાતથી તારાચંદ બડજાત્યા સહમત ન હતા. એમણે મહેશને કહ્યું કે પુનર્જન્મ નથી એમ કહી તું પરંપરાને લલકારી રહ્યો છે. મહેશે સમજાવ્યું કે એ નહીં એનું પાત્ર આ માનતું નથી. ત્યારે રાજકુમારે પિતાને કહ્યું કે આ યુવાન અડધા કલાકથી પોતાની વિચારધારા મુજબ સ્પષ્ટતા કરી રહ્યો છે.

આપણી ફિલ્મો આપણાં કહ્યા પ્રમાણે જ બની છે. એની સ્થિતિ તમે જોઈ છે. આ ફિલ્મની વાર્તા અને નિર્દેશન એનું જ છે. આપણે હંમેશા નિર્દેશકોને સહયોગ આપ્યો છે. આખરે એમણે રિસાઈને સંમતિ આપી પણ પોતાનું નામ કાઢી નાખવા કહ્યું. જોકે, એવું કરવામાં આવ્યું ન હતું. ફિલ્મ તૈયાર થયા પછી જ્યારે એક શૉ આયોજિત કરી સંજીવકુમારને બતાવી ત્યારે એ રડી પડ્યા હતા. અને સ્વીકાર્યું હતું કે આ ભૂમિકા અનુપમ ખેર માટે જ બની હતી. હું ભૂમિકા કરી શક્યો ના હોત. ‘સારાંશ’ ભલે બહુ સફળ રહી ન હતી પણ લેન્ડમાર્ક ફિલ્મનો દરજ્જો મેળવી ગઈ હતી.