દીયા મિર્ઝાની પહેલી રજૂ થયેલી ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ (2001) છે. એણે શરૂઆત બીજી કોઈ ફિલ્મથી કરી હતી. જે પછી છોડી દીધી હતી. દીયાએ મોડેલ તરીકે શરૂઆત કરી હતી. દસમા ધોરણની પરીક્ષા આપી એ પછીના વેકેશનમાં મોડેલ તરીકે ઓફર મળી હતી. એક ફેશન શૉમાં બે-ત્રણ કલાક મોડેલ તરીકે કામ કરવાના દીયાને ઘણા રૂપિયા મળ્યા ત્યારે એને એમ થયું કે આ ઘણું સરળ છે. અને અભ્યાસ સાથે દીયાને કામ મળતું હતું ત્યારે કોલેજમાં આવી ગઈ હતી. પરંતુ એને થયું કે મોડેલિંગ સાથે કોઈ બીજું કામ કરવું જોઈએ. એને કોલેજ કરવા સાથે એક મલ્ટીમીડિયા કંપનીમાં માર્કેટિંગ એક્ઝીક્યુટીવ તરીકે નોકરી મળી ગઈ હતી.
એ મોડેલ તરીકે કામ કરતી હોવાથી ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ માંથી આમંત્રણ આવ્યું કે ‘મિસ ઈન્ડિયા મિલેનિયમ પેજન્ટ 2000’ થનાર છે. એમાં હૈદરાબાદ તરફથી દીયાને ભાગ લેવા જણાવ્યું હતું. સામેથી આમંત્રણ મળી રહ્યું હોવાથી દીયાએ ઘરે જઈને ભાગ લેવાની વાત કરી ત્યારે માતાએ ગુસ્સામાં ના પાડી દીધી. પરંતુ પિતાએ એને આ નવો અનુભવ કરવા માટે જવાની હા પાડી હતી. દીયાએ પોતાની કમાણીના રૂપિયાથી જ મુંબઇમાં નિવાસ કર્યો અને તાલીમ લીધી. અને એ ‘ફેમિના મિસ ઈન્ડિયા’ માં વિજેતા બની હતી. ત્યાર બાદ ‘મિસ એશિયા પેસીફીક ઇન્ટરનેશનલ’ તરીકે વિજેતા બની હતી. હૈદરાબાદની એક હોટેલમાં એની આ સફળતાની ઉજવણી ચાલી રહી હતી. એ રાત્રે હોટેલમાં અનિલ કપૂર અને અનુપમ ખેર આવ્યા હતા.
દીયા જ્યારે હોટેલમાંથી નીકળી પોતાની કારમાં જતી હતી ત્યારે અનુપમે એની પાસે જઈને અભિનંદન આપી પોતાનો એક અભિનેતા તરીકે પરિચય આપ્યો. ત્યારે દીયાએ કહ્યું કે હું આપને ઓળખું છું! અનુપમે ફિલ્મમાં કામ કરવાનું પૂછ્યું ત્યારે દીયાએ કહ્યું કે ઓફર ઘણી આવી રહી છે પણ હજુ વિચાર્યું નથી. ત્યારે અનુપમે એમની ફિલ્મમાં દીયાને લેવાની વાત કરી માતા- પિતા સાથે મુલાકાત કરવાની પરવાનગી માગી. દીયાએ હા પાડી અને અનુપમ ઘરે પહોંચી ગયા. અનુપમે દીયા ફિલ્મોમાં કામ કરે એ માટે માતા-પિતાને માટે રાજી કર્યા હતા. એમણે એમને સમજાવ્યા કે ફિલ્મી માહોલ વિષે તમે ખરાબ વાતો સાંભળી હશે પણ એ ખોટી છે. આ એક સારી જગ્યા છે.
અનુપમે એ વાતનો અહેસાસ આપ્યો કે તે અંગત રીતે દીયાની સંભાળ રાખશે અને એનું સન્માન જળવાય એ જોશે. દીયાને સારા માહોલમાં કામ કરવાની તક મળશે એવો વિશ્વાસ અપાવ્યો. અનુપમની ગેરંટીને કારણે માતા-પિતાએ દીયાને ફિલ્મ કરવાની પરવાનગી આપી દીધી. દીયાની એ પહેલી ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીની ‘ઓમ જય જગદીશ’ (૨૦૦૨) હતી. જેમાં અભિષેક બચ્ચન સાથે કામ કરી રહી હતી. અનુપમે દીયાને ફિલ્મ માટે તૈયાર કરી હોવા છતાં એમની ફિલ્મ છોડી દીધી હતી. વાત એમ હતી કે વાસુ ભગનાની ત્યારે જ ગૌતમ મેનન નિર્દેશિત ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ બનાવવા જઈ રહ્યા હતા. એમણે કહ્યું કે એમાં દક્ષિણનો સ્ટાર આર. માધવન કામ કરવાનો છે. અને વાસુએ દીયાને ‘ઓમ જય જગદીશ’ છોડાવી દીધી હતી. ફિલ્મ ‘રેહના હૈ તેરે દિલ મેં’ ફ્લોપ રહી હતી અને એ કારણે દીયાએ બીજી ઘણી ફિલ્મો ગુમાવી હતી. ધીમે ધીમે તુમસા નહીં દેખા, પરિણીતા, લગે રહો મુન્નાભાઈ વગેરે ફિલ્મોથી અભિનેત્રી તરીકે પોતાની ઓળખ ઊભી કરી હતી.