પિતા બલરાજ સાહનીના અભિનય વારસાને સાચવનાર પરિક્ષિત સાહની અભિનેતા નહીં નિર્દેશક બનવા માગતા હતા. એમણે અભિનયમાં ગયા પછી નામ બદલ્યું હતું પણ પિતાને યાદ કરી ફરીથી જૂનું નામ રાખી લીધું હતું. દો બીઘા જમીન, કાબુલીવાલા, વક્ત જેવી ફિલ્મોના અભિનેતા બલરાજ સાહનીનો પુત્ર પરિક્ષિત રશિયા જઇ નિર્દેશનના ગુણ શીખીને આવ્યો હતો અને નિર્દેશક તરીકે કારકિર્દી શરૂ કરવા જ જઈ રહ્યો હતો. પરિક્ષિતના નિર્દેશનમાં પહેલી ફિલ્મ ‘પવિત્ર પાપી’ નું આયોજન થઈ રહ્યું હતું. પરંતુ સંજોગો એવા નિર્માણ થયા કે અભિનયમાં આવી ગયા.
પરિક્ષિત રશિયાથી ફિલ્મ નિર્દેશનનો કોર્સ કરીને આવ્યા હતા અને ‘પવિત્ર પાપી’ ની સ્ક્રીપ્ટ તૈયાર કરીને એના નિર્દેશક તરીકે કામ શરૂ કરે એ પહેલાં નિર્દેશક અસિત સેને ફિલ્મ ‘અનોખી રાત’ (૧૯૬૮) માં પેઈન્ટરની એક ભૂમિકા કરવા કહ્યું. બલરાજે પણ એને અભિનય કરવા પ્રોત્સાહન આપ્યું. એમાં સંજીવકુમાર પણ નવા જ હોવાથી બંને વચ્ચે દોસ્તી થઈ ગઈ. સાથે કામ કરતા હતા એટલે સંજીવકુમારે સૂચન કર્યું કે ‘પરિક્ષિત’ નામ બોલવાનું મુશ્કેલ છે એ બદલવું જોઈએ. દરેક ભાષામાં એનો ઉચ્ચાર અલગ થાય છે. એમને નામ અજીબ લાગ્યું હોવાથી બદલવા કહ્યું ત્યારે પરિક્ષિત તૈયાર થઈ ગયા. કેમકે એમને પણ પોતાનું નામ બહુ ગમતું ન હતું. નવા નામ અંગે ચર્ચા થઈ ત્યારે સંજીવકુમારે કહ્યું કે હું મારું નામ ‘અજય’ રાખવા માગતો હતો એ શક્ય બન્યું ન હતું. હવે તું એ નામ રાખી લે.
પરિક્ષિતે વિચાર્યું કે મારે અભિનયમાં જવાનું નથી. નિર્દેશક બનવાનો છું. અભિનેતા તરીકે આ મારી પહેલી અને છેલ્લી ફિલ્મ છે. કોઈપણ નામ રાખી લઉં તો ફરક પડતો નથી. અને પરિક્ષિતે ‘અજય સાહની’ નામ રાખી કામ કર્યું. બન્યું એવું કે ‘અનોખી રાત’ હિટ થઈ ગઈ. નિર્માતાઓએ પરિક્ષિતને કહ્યું કે હવે નિર્દેશનનો ઇરાદો છોડીને અભિનેતા જ બની જાવ. પરિક્ષિતને ઘણી ફિલ્મો ઓફર આવવા લાગી હતી. જે ‘પવિત્ર પાપી’ (૧૯૭૦) નું નિર્દેશન પરિક્ષિત કરવાના હતા એના નિર્માતા રાજેન્દ્ર ભાટીયાએ નિર્દેશનની બાગડોર પોતાના હાથમાં લઈ અભિનય કરવા કહ્યું. અસલમાં ફિલ્મ માટે સુનીલ દત્ત પસંદ થઈ ગયા હતા. છતાં પરિક્ષિતને રાખીને ફિલ્મ તૈયાર કરી દીધી. એમાં પણ ‘અજય સાહની’ નામ રાખ્યું હતું.
પરિક્ષિતે નામ બદલ્યું એ વાતથી પિતા બલરાજ નારાજ હતા. એમણે કહ્યું કે બહુ પ્રેમથી તારું નામ રાખ્યું હતું. પરિક્ષિતે કહ્યું કે એને ગમતું ન હતું અને બદલવું જ હતું. ત્યારે બલરાજે નામ પાડવા પાછળની આખી કહાની કહી સંભળાવી. બલરાજ જ્યારે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં પ્રોફેસર તરીકે કામ કરતા હતા અને પત્ની બી.એ. કરી રહી હતી ત્યારે પરિક્ષિત એના પેટમાં હતો. ગુરૂદેવે સૂચન કર્યું કે પુત્ર આવે તો એનું નામ પરિક્ષિત રાખજો. ગુરૂદેવ ટાગોર જેવા મહાન માણસે નામ આપ્યું છતાં પરિક્ષિતે બદલી નાખ્યું એ કારણે બલરાજ વધારે દુ:ખી હતા. થોડા સમય પછી ૧૯૭૩ માં પિતાના મૃત્યુ બાદ પરિક્ષિતની કારકિર્દી અટકી ગઈ હતી. કામ મળવાનું બંધ થઈ ગયું હતું. બે વર્ષ બાદ ફરી જ્યારે ફિલ્મોમાં કામ મળવા લાગ્યું ત્યારે એમની યાદમાં અને એમના આત્માની શાંતિ માટે ફરી પરિક્ષિત નામ કરી દીધું હતું.