ઓમ પુરીએ કોલેજકાળમાં પહેલી વખત નાટકોમાં અભિનય કરવાની ઓફર ઠુકરાવી દીધી હતી. પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોવા છતાં સંજોગ એવા બન્યા કે સંઘર્ષ સાથે અભિનયમાં સતત આગળ વધતા રહ્યા અને લોકોની મદદથી અભિનેતા બની ગયા. ઓમ કોલેજમાં હતા ત્યારે યુથ ફેસ્ટિવલના નાટકમાં ભાગ લીધો અને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મેળવ્યો. એ નાટક જોઇને ‘પંજાબ કલા મંચ’ નામથી નાટકો કરતા હરપાલે પોતાના નાટકોમાં કામ કરવા આમંત્રણ આપ્યું. પણ ઓમ પુરીએ એમ કહીને ના પાડી દીધી કે તે દિવસે નોકરી કરે છે અને સાંજે કોલેજમાં ભણવા જાય છે એટલે કામ કરી શકે એમ નથી. ત્યારે ઓમને રૂ.૧૨૫ ના પગારની નોકરી હતી. એને છોડી શકે એમ ન હતા.
હરપાલે કહ્યું કે તમે દિવસે કોલેજમાં જાવ અને સાંજે નાટકમાં ભાગ લો. હું તમને દર મહિને રૂ.150 આપીશ. ઓમને અભિનય ગમતો હતો એટલે હા પાડી દીધી અને બે વર્ષ સુધી એમની સાથે સામાજિક નાટકો કર્યા. ઓમનો અભિનયમાં જ કારકિર્દી બનાવવાનો વિચાર પાકો થયો એટલે ‘નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા’ (એન.એસ.ડી.) માં પ્રવેશ મેળવ્યો. તે એન.એસ.ડી. ની ફી ભરી શકે એમ ન હતા પણ મહિને રૂ.200 ની સ્કોલરશીપ મળી જતાં વાંધો આવ્યો ન હતો. ત્રણ વર્ષનો કોર્સ કર્યા પછી ઓમને થયું કે માત્ર હિન્દી નાટકો કરીને આજીવિકા મેળવી શકાશે નહીં. ઓમને રેડિયો અને ટીવીમાં છુટક કામ મળતું હતું. થોડા મહિના પછી ઓમની સાથે એન.એસ.ડી.માં અભ્યાસ કરનાર નસીરુદ્દીન શાહ મળવા આવ્યા અને પોતાની જેમ ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં પ્રવેશ મેળવવા આગ્રહ કર્યો.
ઓમ એ માટે તૈયાર ના થયા. કેમકે તે ફી ભરી શકે એમ ન હતા. પછી બન્યું એવું કે ઓમ ત્યારે ‘હેમલેટ’ નાટકમાં મુખ્ય ભૂમિકા કરતા હતા. એને જોવા એન.એસ.ડી.માં જુનિયર રહેલી નીલમ નામની મિત્ર પતિ સાથે આવી હતી. જ્યારે નીલમે ઓમનો પરિચય કરાવ્યો ત્યારે પતિને એ વાત જણાવી કે તે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં જવા માગે છે પણ ફી ભરી શકે એમ નથી. એ ઉદ્યોગપતિએ ઓમને સ્પોન્સર કરવાની તૈયારી બતાવીને રૂ.૩૦૦ પહેલા મહિનાની ફીના આપી દીધા. ઓમ પુરીએ ઇન્સ્ટીટ્યુટમાં અરજી કરીને પ્રવેશ મેળવી લીધો. પણ પછીના મહિને એમણે રૂપિયા મોકલ્યા નહીં. ઓમ પુરીએ પત્ર લખ્યા પણ કોઇ અર્થ ન હતો. એ વાતની ખબર ધીમે ધીમે બધાંને પડી ગઇ. ઇન્સ્ટીટ્યુટના ભોજનાલયના સંચાલકે ઓમ માટે બપોર અને સાંજનું ભોજન મફતમાં આપવાનું કહીને અભ્યાસ પર ધ્યાન આપવા કહ્યું.
ઇન્સ્ટીટ્યુટના નિર્દેશક ગિરીશ કર્નાડને ખબર પડી હતી એટલે એમણે રજાઓમાં એક બાળ ફિલ્મમાં રૂ.૩૦૦૦ માં કામ અપાવીને મદદ કરી. એ પછીના વર્ષે પંજાબ સરકાર તરફથી સ્કોલરશીપ મળી અને ફીનો ખર્ચ નીકળતો રહ્યો. ઇન્સ્ટીટ્યુટમાંથી બહાર આવ્યા પછી દુબળો પાતળો અને સામાન્ય ચહેરાવાળો ઓમ સમજતો હતો કે તેને ફિલ્મોમાં કામ મળવાનું નથી. એટલે રોશન તનેજાના અભિનય સ્ટુડિયોમાં સ્પીચના ક્લાસ લેવાની નોકરી શરૂ કરી અને નાટકોમાં કામ કરતા રહ્યા. નિર્દેશક ગોવિંદ નિહલાનીએ ઓમને ફિલ્મ ‘આક્રોશ’ (૧૯૮૦) માં પહેલી તક આપી અને એક અભિનેતા તરીકે ઓળખ મળી. ‘આક્રોશ’ જોઇને સત્યજીત રેએ ઓમને કામ આપ્યું અને રિચર્ડ એટનબરોએ ‘ગાંધી’ (૧૯૮૨) માં મહેમાન ભૂમિકા સોંપી. ઓમ ગોવિંદની જ ‘અર્ધસત્ય’ (૧૯૮૩) ની સફળતા પછી આર્થિક રીતે સધ્ધર બની શક્યા અને પોતાનો ફ્લેટ લઇ શક્યા.