ગુલશનને મળ્યો અનિલના પિતાનો સાથ

ગુલશન ગ્રોવરની કારકિર્દી બનાવવામાં તેની સાથે અભિનયમાં અભ્યાસ કરતા અનિલ કપૂરના પિતાનો મોટો હાથ રહ્યો હતો. ગુલશન કોલેજમાં હતો ત્યારથી જ નાટકોમાં સક્રિય રહ્યો હતો. જ્યારે એને ખબર પડી કે અભિનયની તાલીમ લેવામાં આવશે ત્યારે જ કામ જલદી મળી શકશે એટલે તેણે રોશન તનેજાના અભિનય ક્લાસમાં પ્રવેશ મેળવી લીધો. તેની સાથે અનિલ કપૂર, મઝહર ખાન વગેરે પણ હતા. ત્યાં એક વર્ષનો કોર્ષ પૂરો કર્યા પછી તનેજા ગુલશનથી એટલા પ્રભાવિત થયા કે એને અભિનય શિક્ષકની નોકરી આપી દીધી. ત્યારે એના વિદ્યાર્થીઓમાં સની દેઓલ, સંજય દત્ત વગેરે હતા. દરમ્યાનમાં ગુલશનને દૂરદર્શનમાં કામ કરવાનો વિચાર આવ્યો અને ઓડિશન આપ્યો. એ નાપાસ થઇ ગયો. ત્યારે થોડા સમય પછી બીજી તક મળતી હતી.

ગુલશન ફરીથી દૂરદર્શનમાં પરીક્ષા આપવા ગયો અને નાપાસ થઇ ગયો. ત્યારે એણે સંકલ્પ કર્યો કે હવે નામ કમાઇને દૂરદર્શનના ‘ફુલ ખીલે હૈ ગુલશન ગુલશન’ માં ઇન્ટરવ્યુ આપવા જ આવશે. વર્ષો પછી ખરેખર તેણે એટલી લોકપ્રિયતા અને સફળતા મેળવી કે એ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો. આ સ્થાન પર પહોંચવામાં તેને શરૂઆતમાં અનિલ કપૂરના પિતાની મદદ મળી હતી. અભિનયનો કોર્ષ પૂરો કર્યા પછી ફિલ્મોમાં કામ મેળવવા ગુલશન અને અનિલે સાથે જ સંઘર્ષ શરૂ કર્યો હતો. ત્યારે અનિલના પિતા સુરિન્દર કપૂર ફિલ્મ ક્ષેત્રમાં જ હતા. બંને એમની પાસે પહોંચ્યા એટલે એમણે નિર્માતા એફ.સી. મહેરા વગેરે સાથે મુલાકાત કરાવી. એમને ભલામણ કરી કે અનિલ સાથે એ અભિનય ક્લાસમાં હતો અને તેનું કામ ઘણું સારું છે. દરમ્યાનમાં એમણે બોની સાથે પહેલી વખત નિર્માતા તરીકે ફિલ્મ ‘હમ પાંચ’ (૧૯૮૦) નું નિર્માણ હાથ ધર્યું હતું. તે પાંચમાંથી એક હીરોની ભૂમિકામાં ગુલશનને લેવા માગતા હતા. પરંતુ ફિલ્મની તકનીક સાથે જોડાયેલા લોકો ગુલશનને લેવાના પક્ષમાં ન હતા. ત્યારે સુરિન્દર કપૂરે પોતાનો વીટો પાવર વાપરીને મિથુન, નસીરુદ્દીન શાહ, સંજીવકુમાર અને રાજ બબ્બર જેવા જાણીતા કલાકારો સાથે ગુલશનને કામ અપાવ્યું.

તરત જ બીજી એક ફિલ્મ ‘રૉકી’ (૧૯૮૧) મળી ગઇ. અસલમાં ગુલશન અભિનય શિક્ષક તરીકે સંજય દત્તને પણ અભિનય શીખવતો હતો ત્યારે જાણકારી મેળવવા સુનીલ દત્ત અવાર નવાર આવતા હતા. તે ગુલશનના કામથી પ્રભાવિત હતા. તેમણે સંજય દત્તને ચમકાવવા જ્યારે ‘રૉકી’ નું નિર્માણ કર્યું ત્યારે એમાં ગુલશનને મિત્રની ભૂમિકામાં સાઇન કરી લીધો હતો. અનિલના પિતા સુરિન્દરે અગાઉ વાત કરી હોવાથી આ સમયમાં જ રાજીવ મહેરાએ રાજીવ કપૂર સાથે એક ફિલ્મનું આયોજન કર્યું ત્યારે એમાં વિલનની ભૂમિકા સોંપી.

એ સમયમાં અનિલ એક મલયાલમ ફિલ્મમાં પણ કામ કરતો હતો. એણે એ ફિલ્મના નિર્દેશક સાથે ગુલશનની મુલાકાત કરાવી. એને જોઇને અને અનિલના વખાણથી એટલા પ્રભાવિત થઇ ગયા કે જે ભૂમિકા માટે બોલિવૂડના જાણીતા કલાકારને સાઇન કરી લીધો હતો એના બદલે ગુલશનને કામ આપી દીધું. તેમણે દાઢી વધારવાનું કહીને બે સપ્તાહ પછી શુટિંગમાં હાજર થવાનું કહી દીધું. ગુલશન જ્યારે અભિનયમાં આવ્યો ત્યારે માત્ર એક અભિનેતા બનવાનું જ સપનું હતું. પણ અભિનયના ક્લાસ કર્યા એ સાથે પોતે અભિનયની બીજાને તાલીમ આપી અને ફિલ્મ ઉદ્યોગના કારોબારની સમજ મેળવી એ પછી નક્કી કરી લીધું કે વિલન બનવું જ યોગ્ય છે. તેણે પોતાની કારકિર્દી વિલન તરીકે જ બનાવીને લોકપ્રિયતા અને સફળતા મેળવી.