‘સાથિયા’ થી સોનૂને મોટા એવોર્ડ મળવાની શરૂઆત થઈ

સોનૂ નિગમની કારકિર્દી માટે ફિલ્મ ‘સાથિયા’ (2002) બહુ મહત્વની બની રહી હતી. આ ફિલ્મમાં સોનૂએ એક જ ગીત ગાયું હતું પણ એ પહેલો મોટો એવોર્ડ અપાવી ગયું હતું. પોતાની નિર્દેશક તરીકેની તમિલ ફિલ્મ ‘અલાઈપાયુથે’ (2000) ને મણિરત્નમે યશ ચોપડા અને બોબી બેદી સાથે મળીને હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું ત્યારે નિર્દેશન જાતે કરવાને બદલે નવા શાદ અલીને પસંદ કર્યા હતા. ફિલ્મના સંગીતકાર તરીકે એ.આર. રહેમાનને જ લીધા હતા અને રહેમાને ‘અલાઈપાયુથે’ ના નવમાંથી સાત ગીત એના એ જ રાખ્યા હતા.

ફિલ્મના બધા જ ગીતો ગુલઝારે લખ્યા હતા. જેમાં ટાઇટલ ગીત ‘સાથિયા’ સૌથી વધુ લોકપ્રિય રહ્યું હતું. આ ગીત માટે ગીતકાર ગુલઝારે સોનૂને પોતાના ઘરે બોલાવ્યો હતો અને એના વિષે વાત કરતાં પહેલા એક પુસ્તક ભેટમાં આપ્યું હતું. પછી કહ્યું હતું કે મૂળ તમિલ ગીત ‘સાખિયા’ ને હિન્દીમાં લખવામાં આવ્યું છે અને એ તારે ગાવાનું છે. એ બહુ મુશ્કેલ ગીત છે. ગુલઝારે સોનૂને પહેલાં એ પૂછ્યું હતું કે તું કેવી રીતે એને ગાવાનો છે. પછી તેમણે કયા શબ્દ ક્યાં મૂકવાના છે એની ચર્ચા કરી હતી. સોનૂએ ગીતની ધૂન સાંભળી પછી એમના શબ્દોને ગાઈને કેટલાક શબ્દોને નાના-મોટા કરવા ચર્ચા કરી હતી.

ગીતના રેકોર્ડિંગ વખતે ગુલઝાર હાજર રહી શકે એમ ન હતા. ગીત ધૂન પર બરાબર બંધબેસતું છે અને રેકોર્ડિંગ વખતે એમાં કોઈ ફેરફારની જરૂર ના પડે એ માટે તૈયારી કરવા ગુલઝારે સોનૂને ઘરે બોલાવ્યો હતો. સોનૂએ ‘અલાઈપાયુથે’ માટે હરિહરને ગાયેલું તમિલ ‘સાખિયા’ સાંભળ્યું હતું પણ હિન્દી ‘સાથિયા’ પોતાની રીતે ગાયું હતું. સોનૂએ આખી ફિલ્મમાં માત્ર આ એક જ ગીત ગાયું હતું પણ એના કારણે જ 12 વર્ષ પછી કોઈ મોટો એવોર્ડ મળ્યો હતો.

વર્ષોથી સોનૂએ એવોર્ડ મળવાની આશા જ છોડી દીધી હતી. ફિલ્મોમાં પ્રથમ ગીતનો એવોર્ડ તો મળ્યો જ ન હતો પણ સંદેશે આતે હૈ, યે દિલ, સતરંગી રે, મેરા રંગ દે બસંતી ચોલા વગેરે અનેક લોકપ્રિય ગીતો માટે એવોર્ડ મળ્યા ન હોવાથી હવે એવોર્ડ મળવાનો નથી એવું માની લીધું હતું. તેથી બહુ અફસોસ થતો ન હતો. તે માનતો હતો કે એવોર્ડ એક ભેટ છે. ના મળે તો ગુસ્સે થવાની જરૂર નથી. મુંબઇ આવ્યા પછી સોનૂના અનેક ગીતોનું મોટા એવોર્ડ માટે નામાંકન જરૂર થતું રહેતું હતું પણ ‘સાથિયા’ માટે સૌથી પહેલો ‘ફિલ્મફેર’ અને ‘આઈફા’ નો શ્રેષ્ઠ પાર્શ્વગાયકનો એવોર્ડ મળ્યો હતો.