ગાયિકા રીચા શર્માનો ‘તાલ’થી મેળ પડ્યો!

માહી વે, તૌબા તૌબા, છલકા છલકા રે, બિલો રાની જેવા ધમાલ મચાવતા અલગ પ્રકારના ગીતો ગાવા માટે જાણીતી રીચા શર્માને ફિલ્મ ‘તાલ’ થી પાર્શ્વ ગાયનમાં સાચી ઓળખ મળી શકી હતી. રીચા ૯ વર્ષની હતી ત્યારથી માતાના જાગરણના ધાર્મિક કાર્યક્રમમાં ગીતો ગાઈને શરૂઆત કરી ચૂકી હતી. ઉંમર વધી એટલે સંગીતમાં રીચાનો રસ વધ્યો અને દિલ્હીની સંગીત કોલેજમાં પાયાની તાલીમ લેવાનું શરૂ કર્યું. રીચાને ફિલ્મોમાં ગાવું હતું પરંતુ કોઈ સંપર્ક ન હતો.

1994 માં એક વખત મુંબઈમાં જાહેર ધાર્મિક કાર્યક્રમ માતાની ચોકીમાં ગાતી હતી ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો હાજર હતા એમાં નિર્માતા-નિર્દેશક સાવનકુમારને એનો અલગ અવાજ પસંદ આવ્યો હતો. એમણે પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે જ્યારે પણ મને ફિલ્મમાં જરૂર પડશે ત્યારે રીચાને હું તક આપીશ. બરાબર એક વર્ષ પછી સાવનકુમારે રીચાને ફિલ્મ ‘સલમા પે દિલ આ ગયા’ (1997) માં ‘મોહબ્બત ઐસી મેંહદી હૈ’ ગીત ગાવાની તક આપી અને એ ‘પાર્શ્વ ગાયિકા’ તરીકે કોઈને પોતાની ઓળખ આપી શકે એટલું કામ થયું. રીચાએ ફરીદાબાદથી સપ્તાહમાં ત્રણ દિવસ મુંબઇ રહીને સંઘર્ષ કરવાનું શરૂ કર્યું. તે ગણ્યા ગણાય નહીં એટલા નિર્માતા- નિર્દેશકો અને સંગીતકારોને મળી.

ભાગ્યે જ કોઈ એવા સંગીતકાર હશે જેને ત્યાં પોતાના અવાજમાં રેકોર્ડ કરેલા ગીતોની ઓડિયો કેસેટ મૂકી નહીં હોય. ઘણી વખત કલાકો બેસી રહેતી પણ સંગીતકારો સાથે મુલાકાત થતી ન હતી. બે વર્ષના સંઘર્ષમાં બે-ચાર ગીતો મળ્યા અને જાણીતા થયા પણ ગાયિકાની ઓળખ ઊભી થઈ શકી નહી. દરમ્યાનમાં રીચાએ ફિલ્મ ‘બોમ્બે’ ની ઓડિયો કેસેટ પર સૌથી યુવાન સંગીતકાર તરીકે એ. આર. રહેમાનનું નામ જોયું અને 14 ઓગસ્ટ, 1997 ના રોજ પોતાના ચાર-પાંચ ગીતો રેકોર્ડ કરી એની કેસેટ એમના મદ્રાસ સ્ટુડિયોના સરનામે મોકલવા બપોરે વિષ્ણુ નામના છોકરા સાથે કુરિયર મોકલ્યું. એ કેસેટ હજુ રહેમાન પાસે પહોંચે એ પહેલાં જ એમના તરફથી રાત્રે જ સંદેશ આવી ગયો. નિર્દેશક સુભાષ ઘઈ ફિલ્મ ‘તાલ’ બનાવી રહ્યા હતા અને એમાં રહેમાનનું સંગીત હતું.

ગાયક સુખવિંદર સિંહ ‘તાલ’ માટે ગાઈ રહ્યા હતા અને ઘઈએ એમને એક અલગ અવાજવાળી મહિલા ગાયિકા વિષે પૂછ્યું ત્યારે એમણે રીચાનું નામ આપ્યું. રાત્રે બાર વાગે સુખવિંદરનો ફોન આવ્યો અને એને કહ્યું કે એક ફિલ્મ માટે ગીત ગાવાનું છે. રાત્રે ગાઈ શકીશ? રીચાએ હા પાડીને કહ્યું કે હું રાત્રિના જ કાર્યક્રમો વધારે કરું છું. રીચા જ્યારે સ્ટુડિયો પર પહોંચી ત્યારે રહેમાનને જોઈને જાણે એનું સપનું પૂરું થતું લાગ્યું.

રીચાએ એ ગીતનો અનુભવ જણાવતા એક મુલાકાતમાં કહ્યું હતું કે કોઈપણ સંગીત વગર રહેમાને એની પાસે ‘તાલ’ (1999) નું ‘ની મેં સમજ ગઈ’ ગીત ગવડાવ્યું હતું. શરૂઆતના શબ્દો ‘સજના વે, સોનિયા વે, રાંઝણા વે’ ના ગાયનની સ્ટાઇલમાં અનેક વખત ફેરફાર કરાવ્યો હતો. પાંચ કલાક બાદ ગીતનું ફાઇનલ રેકોર્ડિંગ કર્યું હતું. એ ગીતમાં વાદ્યો ઉપરાંત રહેમાને સળીવાળી ઝાડુ અને ચાવીના ઝૂમખામાંથી પણ સંગીત ઉત્પન્ન કર્યું હોવાનું રીચાએ જોયું હતું. ‘તાલ’ના ‘ની મેં સમજ ગઈ’ ગીતથી રીચા શર્માની પાર્શ્વગાયિકા તરીકેની કારકિર્દીનો મેળ પડી ગયો હતો અને કામ મળવા લાગ્યું હતું.