નિર્દેશક મનમોહન દેસાઇની મોટી સ્ટારકાસ્ટવાળી ફિલ્મ ‘અમર અકબર એન્થોની’ (૧૯૭૭) તેના લોકપ્રિય ગીતો અને પાત્રોને કારણે ચર્ચામાં રહી હતી. ફિલ્મમાં શબાના આઝમીની કોઇ ભૂમિકા ન હોવા છતાં લેવામાં આવ્યા હતા. શબાના ત્યારે વિનોદ ખન્ના સાથેની તેમની જ ફિલ્મ ‘પરવરિશ’ (૧૯૭૭) માં કામ કરી રહ્યા હતા. અને એ પોતે નિર્માતા તરીકે પહેલી ફિલ્મ ‘અમર અકબર એન્થોની’ બનાવવાના હોવાથી એમાં પણ કામ કરવા વિનંતી કરી હતી. એ સાથે સ્પષ્ટતા કરી હતી કે એમાં તેની ખાસ મહત્વની ભૂમિકા નથી.
વિનોદ ખન્ના વાંધો ઉઠાવે એમ હોવાથી તેના ‘કિશન સિંઘ’ ના પાત્રની હીરોઇન ‘લક્ષ્મી’ નું પાત્ર ઘૂસાડવામાં આવ્યું છે. ફિલ્મની વાર્તામાં અમિતાભ અને રિશી સામે હીરોઇન છે. પરંતુ વિનોદ ખન્ના સામે કોઇ હીરોઇન નથી. એટલે વિનોદની હીરોઇન તરીકે તને લઇ રહ્યો છું. મનમોહને એ સાથે શબાનાને તેમના પર ભરોસો રાખવાનું પણ કહ્યું હતું. શબાનાને ‘પરવરિશ’ જેટલો જ આનંદ ‘અમર અકબર એન્થોની’ ની ભૂમિકામાં પણ આવ્યો હતો. જોકે, મનમોહને અમિતાભ સાથે કરેલી તમામ ફિલ્મોમાં ‘અમર અકબર એન્થોની’ ને પોતાની પસંદગીની ફિલ્મોમાં ક્યારેય સ્થાન આપ્યું ન હતું. તે નસીબ, કુલી અને ‘મર્દ’ ને અમિતાભ સાથેની પસંદગીની ફિલ્મો ગણાવતા હતા. એમણે આ ફિલ્મ માટે ઓછો પ્રયત્ન અને મહેનત કર્યા હતા છતાં અચાનક હિટ થઇ ગઇ હતી.
એ માનતા હતા કે આનંદ બક્ષીએ લખેલા અને લક્ષ્મીકાંત- પ્યારેલાલે સંગીતબધ્ધ કરેલા ગીતો સારા છે પણ બોક્સ ઓફિસ પર મોટી સફળતાની ધારણા ન હતી. ‘હમકો તુમ સે હો ગયા હૈ પ્યાર ક્યા કરેં’ કદાચ બોલિવૂડનું પહેલું એવું ગીત રહ્યું જેમાં ચાર મહાન ગાયક કલાકારોએ સ્વર આપ્યો હતો. અમિતાભ માટે કિશોરકુમાર, રિશી માટે મોહમ્મદ રફી અને વિનોદ માટે મુકેશનો સ્વર હતો. જ્યારે ત્રણેય હીરોઇનો શબાના, નીતૂ અને પરવીન માટે એક જ ગાયિકા લતા મંગેશકરે સ્વર આપ્યો હતો. ફિલ્મમાં શબાનાની નાની ભૂમિકા હતી એટલે સાત મિનિટના આ ગીતમાં તેને પડદા પર એક જ મિનિટ મળી હતી.
કિશોરકુમારે ગાયેલું ગીત ‘માય નેમ ઇઝ એન્થોની ગોન્સાલ્વિઝ’ જ્યારે તૈયાર કરવામાં આવ્યું ત્યારે એના શબ્દો ‘માય નેમ ઇઝ એન્થોની ફર્નાન્ડિઝ’ હતા. એમાં સંગીતકાર પ્યારેલાલને ‘ફર્નાન્ડિઝ’ શબ્દ બરાબર બંધબેસતો લાગતો ન હતો. એમણે મનમોહનને વિનંતી કરીને ગીતના શબ્દો બદલવા અમિતાભનું નામ ‘એન્થોની ફર્નાન્ડિઝ’ માંથી ‘એન્થોની ગોન્સાલ્વિઝ’ કરાવ્યું હતું. અને એ રીતે એમના સંગીત ગુરૂને સન્માન આપ્યું હતું. પ્યારેલાલ ૧૪ વર્ષના હતા ત્યારે પિતા એક સારા સંગીતકાર હોવા છતાં એમની પાસે સંગીતની તાલીમ લેવા ગયા હતા અને એન્થોની ગોન્સાલ્વિઝે એમને વર્ષો સુધી મફતમાં તાલીમ આપી હતી.
લક્ષ્મીકાંત-પ્યારેલાલને ‘અમર અકબર એન્થોની’ માટે શ્રેષ્ઠ સંગીતકાર માટેનો ફિલ્મફેરનો એવોર્ડ મળ્યો હતો. ફિલ્મ પર ભલે ‘વક્ત’ કે ‘યાદોં કી બારાત’ ની અસર હોવાનું કહેવાયું પણ એટલી સફળ રહી હતી કે એવા જ ત્રણ નામો સાથેની રીમેક ફિલ્મ અનેક ભાષામાં બની હતી. તમિલમાં ‘શંકર સલીમ સિમોન’, તેલુગુમાં ‘રામ રહીમ રોબોટ’ અને મલયાલમમાં ‘જૉન જાફર જનાર્દન’ નામથી બની હતી.