મુમતાઝના કેસરીયા પ્રેમની વાત  

શમ્મી કપૂરની ફિલ્મ ‘બ્રહ્મચારી’ (૧૯૬૮) માં સંગીતકાર શંકર-જયકિશને તૈયાર કરેલા દિલ કે ઝરોખે મેં, ચક્કે મેં ચક્કા, મેં ગાઉં તુમ સો જાઓ વગેરે બધા જ ગીતો મોહમ્મદ રફીના અવાજમાં સોલો હતા. પરંતુ એમાં છેલ્લે ઉમેરાયેલું યુગલ ગીત ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ પણ લોકપ્રિય થવા સાથે ચર્ચામાં રહ્યું હતું. ‘બ્રહ્મચારી’ ના ગીતોની ધૂન તૈયાર થઇ રહી હતી ત્યારે નિર્દેશક ભપ્પી સોનીએ આ ગીતની ધૂનને રદ કરી હતી. કેમકે તેમને ધૂન પસંદ આવી ન હતી. પરંતુ શંકર- જયકિશન ઇચ્છતા હતા કે એ સારી હોવાથી એનો સમાવેશ થવો જોઇએ.

નિર્દેશકની વાતથી હતાશ થયેલા જયકિશને એક હોટલમાં રોકાયેલા શમ્મી કપૂરને એ ધૂન સંભળાવી અને એમને બહુ ગમી ગઇ. શમ્મી કપૂરે જ્યારે નિર્દેશક ભપ્પી સોનીને આ ગીત લેવા ભલામણ કરી ત્યારે તે ના પાડી શક્યા નહીં. જ્યારે આ ગીતને શમ્મી કપૂર અને મુમતાઝ પર ફિલ્માવવાનું નક્કી થયું ત્યારે એ માટે મુમતાઝે કેસરી રંગનો પશ્ચિમી ડ્રેસ પસંદ કર્યો હતો. તે સામાન્ય રીતે આવા પશ્ચિમી ગીતોમાં પશ્ચિમી પોશાક જ પહેરતી હતી. મુમતાઝ પર્શિયન મૂળની હોવાથી તેને તેજસ્વી રંગો વધુ અનુકૂળ રહેતા હતા. એમાં કેસરી રંગ તેને સૌથી વધુ ગમતો હતો. તેનો કેસરી રંગના વસ્ત્રો પ્રત્યેનો પ્રેમ જય જય શિવ શંકર, સનમ તૂ બેવફા કે નામ સે, ઓ બલમ તેરે પ્યાર કી ઠંડી આગ મેં, તોબા યે મતવાલી ચાલ, યૂંહી તુમ મુઝસે બાત કરતી હો, આગરે સે ઘાઘરા મંગાઇ દે રસિયા… જેવા અનેક ગીતોમાં જોઇ શકાય છે.

તે જ્યારે પોતાના ગીતોના પોશાકની કોસ્ચ્યુમ ડિઝાઇનર ભાનુ અથૈયા સાથે ચર્ચા કરતી ત્યારે એમાં કેસરી રંગ જ વધુ હોય એવો આગ્રહ રાખતી હતી. અને ‘આજકલ તેરે મેરે પ્યાર કે ચર્ચે’ ગીત માટે પણ કેસરી ગાઉન પસંદ કર્યો હતો. પરંતુ ફિલ્મના નિર્માતા જી.પી. સિપ્પીએ તેને સાડી પહેરવા માટે આગ્રહ કર્યો હતો. એટલે ભાનુ સાથે મુમતાઝે એક ખાસ ડિઝાઇનની કેસરી સાડી બનાવડાવી હતી. ગીતમાં આખું શરીર હલાવીને ડાન્સ કરવાનો હતો અને સાડી એની જગ્યા પર રહે એનું ધ્યાન રાખવાનું હોવાથી બદન પર ચુસ્ત રહે એવી ખાસ સાડી બનાવવામાં આવી હતી.

મુમતાઝે આ ડાન્સ ગીતમાં સાડી પહેરીને પણ આત્મવિશ્વાસથી કામ કર્યું હતું. અને તે એમાં બહુ આકર્ષક લાગી છે. ફિલ્મનું આ ગીત મોહમ્મદ રફી સાથે લતા મંગેશકરે ગાયું હોવાનું શરૂઆતમાં માનવામાં આવતું હતું. આ ગીતમાં સુમન કલ્યાણપુરનો અવાજ એવો હતો કે લોકોને લતાજીનો ભ્રમ થયો હતો. ગીતને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. અલબત્ત શૈલેન્દ્રને ફિલ્મના ‘મૈં ગાઉં તુમ સો જાઓ’ ગીત માટે શ્રેષ્ઠ ગીતકારનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. શંકર-જયકિશનને શ્રેષ્ઠ સંગીતકારનો પણ એવોર્ડ મળ્યો હતો