અમિતાભની ‘બાગબાન’ માં સલીમ-જાવેદનો ફાળો છે!

નિર્દેશક રવિ ચોપડાએ જ્યારે ‘બાગબાન’ (2003) બનાવી ત્યારે એમાં સલમાન ખાન ન હતો. રવિ ચોપડાના પત્ની રેણુ ચોપડાએ એક મુલાકાતમાં ‘બાગબાન’ વિશે ઘણી રસપ્રદ વાતો કરી હતી. રવિએ જ્યારે ‘બાગબાન’ બનાવવાનો વિચાર વ્યક્ત કર્યો ત્યારે પિતા બી.આર. ચોપડાએ એ વાર્તા પર ફિલ્મ બનાવવાનીના પાડી હતી. કેમકે વાર્તા એમણે 20 વર્ષ પહેલાં લખી હતી. રવિએ એ વાર્તાને નવા જમાના પ્રમાણે તૈયાર કરીને બનાવવાનો નિર્ણય કર્યો હતો.

ફિલ્મ માટે સૌથી પહેલાં અમિતાભની પસંદગી થઈ ગઈ હતી. હેમામાલિની પહેલી પસંદ ન હતા. રવિએ પહેલાં તબ્બુને ફિલ્મ કરવા કહ્યું હતું. તબ્બુએ પહેલાં વાર્તા સાંભળવાનો આગ્રહ રાખ્યો. વાર્તા સાંભળીને એ રડી પડી હતી. એને સ્ક્રિપ્ટ પસંદ આવી હતી. પરંતુ માતાની ભૂમિકા હોવાથી એ કરી શકે એમ ન હતી. એની કારકિર્દીમાં સમસ્યા આવે એમ હતી. એ પછી હેમામાલિનીનો સંપર્ક કર્યો હતો અને એમણે હા પાડી હતી. ફિલ્મનો અંત 11 પાનાનો તૈયાર કર્યો હતો. રેણુ એ વાંચીને રડી પડી હતી. પણ કહ્યું હતું કે અંત બહુ લાંબો છે.

આટલો લાંબો ક્લાઇમેક્સ જોવા દર્શકો બેસી રહેશે નહીં. રવિએ કહ્યું કે મને એ પસંદ છે અને બધું જ શુટિંગ કરીશ. એવું હશે તો પછી દ્રશ્યો કાપી નાખીશ. રવિએ ક્લાઇમેક્સના કાગળો અમિતાભને આપ્યા ત્યારે એમણે કહ્યું કે મને ત્રણ દિવસનો સમય આપો. એ પછી હું શુટિંગ કરીશ. ત્રણ દિવસ પછી શુટિંગ કરવા અમિતાભ આવ્યા ત્યારે એમણે કહ્યું કે તમારે જેટલા કેમેરા લગાવવા હોય એટલા લગાવી લો. હું એનું બીજી વખત શુટિંગ કરી શકીશ નહીં. કેમકે એ વાતોથી મારું હ્રદય ભરાય જાય છે. ક્લાઇમેક્સના શુટિંગ માટે ત્રણ કેમેરા લગાવવામાં આવ્યા એ પછી અમિતાભે સૂચના આપી કે બહુ ઓછા લોકો સેટ પર રહેશે. એમાં એમણે રવિના પત્ની રેણુને હાજર રહેવા સંમતિ આપી હતી.

અમિતાભ અંતિમ સ્ક્રિપ્ટ પ્રમાણે જ બધા સંવાદ બોલ્યા હતા. એક શબ્દ વધારે કે ઓછો ના બોલ્યા. બહુ ઓછાને ખબર હશે કે ‘બાગબાન’ નો ક્લાઇમેક્સ જાવેદ અખ્તરે લખ્યો હતો. એમણે આખી ફિલ્મ જોઈ ન હતી પણ વિચાર જાણતા હતા. ચોપરા પરિવાર સાથેના પ્રેમને કારણે જ એમણે ક્લાઇમેક્સ લખ્યો હતો અને એવી શરત કરી હતી કે એની ક્રેડિટ એમને આપવાની નહીં. કેમકે જેમણે આખી ફિલ્મ લખી છે એમને જ ક્રેડિટ મળવી જોઈએ. ફિલ્મમાં જાવેદનું જ નહીં સલીમ ખાનનું પણ થોડું પ્રદાન રહ્યું હતું. સલીમે સલમાન માટેના સંવાદ લખ્યા હતા.

ફિલ્મ તૈયાર થઈ ત્યારે અમિતાભ અને હેમા જેવા જાણીતા કલાકારો હોવા છતાં એને કોઈ વિતરક ખરીદવા તૈયાર થઈ રહ્યા ન હતા. કેમકે એમને એ જૂના જમાનાની ફિલ્મ લાગી રહી હતી. અમિતાભનો સમય સારો ચાલતો ન હોવાથી એમના નામ પર વેચાય એમ ન હતી. ત્યારે રવિ ચોપરાને કોઈએ સૂચન કર્યું કે તમે સ્ટાર સલમાન ખાનને મહેમાન ભૂમિકામાં લઈ લો. રવિએ સલમાનને ત્યાં જઈને વાત કરી અને એને વિચાર ગમી ગયો હોવાથી અને ચોપરા પરિવારની ફિલ્મ હોવાથી ફી અંગે કોઈ ચર્ચા કર્યા વગર કામ કરવા તરત તૈયાર થઈ ગયો હતો. પહેલા 4 દિવસ ચાલી જ ન હતી. ત્યારે રવિને અફસોસ પણ થયો હતો કે ફિલ્મ કેમ બનાવી? પણ પછી બહુ ચાલી હતી.