નિર્દેશક કેતન મહેતાની ફિલ્મ ‘મંગલ પાંડે: ધ રાઈઝીંગ’ (2005) નું એક ગીત ગાયિકા રિચા શર્માએ ત્રણ અવાજમાં અને ત્રણ વખત ગાયું હતું. રેકોર્ડ કરવાનો કિસ્સો અજીબ રહ્યો હતો. સામાન્ય રીતે સંગીતકાર એ. આર. રહેમાન રાત્રે જ ગીતોનું રેકોર્ડિંગ કરતાં હોય છે પણ રીચાને આ વખતે સવારે ‘રસિયા’ ગીત ગાવા માટે બોલાવવામાં આવી હતી. રિચા પહોંચી ત્યારે ત્યાં ગીતકાર જાવેદ અખ્તર અને અભિનેતા આમિર ખાન હાજર હતા.
જાવેદે રીચાને એ ગીત આપ્યું અને એણે પ્રેક્ટિસ શરૂ કરી પણ એના શબ્દો અજીબ લાગ્યા. રીચાને સમજાતું ન હતું કે આ કેવું ગીત છે? જેનું કોઈ બંધારણ જ નથી. એક શબ્દનો બીજા શબ્દ સાથે મેળ ખાતો ન હતો. ગીતના શબ્દોનો કોઈ અર્થ નીકળતો ન હતો. રીચાને થયું કે જાવેદ સાહેબનું લખેલું ગીત છે છતાં આમ કેમ છે? પણ એ બધા વરિષ્ઠ હોવાથી પોતાની મૂંઝવણ વિશે એમને પૂછી કે કહી શકાય એમ ન હતું.
આ ગીત ફિલ્મના દ્રશ્યની જરૂરિયાત હશે એમ સમજી રિચાએ ગાવા પર ધ્યાન આપ્યું. ગીત ગાયા પછી ખબર પડી કે આ ડમી શબ્દો છે. મતલબ કે અસલ ગીત તૈયાર થયા પછી ફરી ગાવું પડશે. થોડા દિવસો પછી ગીત લખાયું અને ફરી રેકોર્ડ કરવામાં આવ્યું.
આ ગીતમાં ત્રણ અવાજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમણે ફિલ્મમાં આ ગીત જોયું છે એમને ખ્યાલ હશે કે શરૂઆતમાં એક વૃધ્ધ સ્ત્રી ભારે અવાજમાં ગાય છે. અને બીજી બે યુવતીઓ ડાન્સ કરતી હોય છે એમાં એકનો અવાજ સહેજ જાડો અને બીજીનો પાતળો છે. એ બધા માટે રિચાએ જ અવાજ આપ્યો છે. પાછળથી રિચાને ખબર પડી કે એમાં એણે વૃધ્ધ સ્ત્રી માટે ભારે અવાજમાં ગાયું હતું એને બદલીને પુરુષ અવાજમાં કરી દેવામાં આવ્યું છે.
ગીતનું શુટિંગ થઈ ગયા પછી રિચાની વાત એના મેકઅપમેન સાથે થઈ. જે ફિલ્મમાં રાની મુખર્જીનો મેકઅપ કરતો હતો. એણે રિચાને ફોન કરીને કહ્યું કે તમારું ‘મંગલ પાંડે: ધ રાઈઝીંગ’ નું ગીત સાંભળ્યું એ બહુ સરસ ગાયું છે. રિચાએ પૂછ્યું કે એ એક જ અવાજમાં છે કે એમાં પુરુષ સ્વર પણ છે? એણે કહ્યું કે એમાં પુરુષનો પણ અવાજ છે. રિચાને ખ્યાલ આવી ગયો કે એમાં પુરુષ સ્વરને લેવામાં આવ્યો છે.
થોડા સમય પછી રિચાને ફરીથી ‘રસિયા’ ગીત ગાવા માટે બોલાવવામાં આવી. રિચાએ સાંભળ્યું કે એના સંગીતમાં ફેરફાર થયો હતો અને સ્કેલ બદલાયો હતો. તેથી ગાવાનું મુશ્કેલ બન્યું હતું. રિચાએ ફરીથી ગાયું એ પછી જાવેદ અખ્તરે એને પૂછ્યું કે શરૂઆતમાં સ્ત્રીનો ભારે અવાજ રાખવો જોઈએ કે પુરુષનો? ત્યારે રિચાએ કહી દીધું કે એ ઈચ્છે છે કે સ્ત્રીનો અવાજ હોવો જોઈએ. હું એવું શા માટે ઈચ્છું કે મારા બદલે બીજા કોઈનો અને એ પણ પુરુષનો અવાજ આવે! ત્યારે જાવેદ અખ્તરે કહ્યું કે અમે આખું ગીત સ્ત્રી સ્વરમાં જ રાખીશું. કેમકે એ વધારે સારું લાગે છે. અને એ ગીતને ખરેખર વધારે પસંદ કરવામાં આવ્યું હતું.
(હવે પછી જાણીશું રિચા શર્માએ ફિલ્મ ‘ઝુબેદા’ માટે કલાકોમાં ઠુમરી ગીત કેવી રીતે શીખ્યું અને એ ગીત કેવા સંજોગોમાં રેકોર્ડ થયું તેનો રસપ્રદ કિસ્સો.)
