નિર્દેશક દાસારી નારાયણ રાવના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘પ્યાસા સાવન’ (૧૯૮૧) માં જીતેન્દ્રની મરજી મુજબની હીરોઈન કામ કરી શકી ન હતી. જીતેન્દ્રના નિર્માતા ભાઈ પ્રસન્ન કપૂરે તેલુગુની સુપરહિટ ફિલ્મ ‘યેદાંતસ્થુલા મેદા’ નીe હિન્દી રીમેક તરીકે ‘પ્યાસા સાવન’ બનાવવાનું આયોજન કર્યું ત્યારે સૌપ્રથમ રેખાએ એમાં કામ કરવા પ્રયત્ન કર્યા હતા. ફિલ્મમાં જીતેન્દ્રની બેવડી ભૂમિકા હતી. આ પહેલાં જીતેન્દ્ર જિગરી દોસ્ત (૧૯૬૯), જૈસે કો તૈસા (૧૯૭૩), જ્યોતિ બને જ્વાલા (૧૯૮૦) વગેરે ફિલ્મોમાં ડબલ રોલ કરી ચૂક્યો હતો. પણ આ વખતે હીરોઇનની પસંદગી મહત્વની હતી. એમાં જીતેન્દ્રના પુત્રની પ્રેમિકા તરીકેની ભૂમિકા દાસારી રાવે રેખાને ઓફર કરી હતી. પરંતુ રેખાને સિનિયર જીતેન્દ્રની પત્નીની ભૂમિકા કરવી હતી.
રાવે એ માટે મૌસમીને નક્કી કરી રાખી હતી. રેખાએ ભૂમિકા મેળવવા જીતેન્દ્રને ભલામણ કરી હતી. પરંતુ જીતેન્દ્રની ભલામણથી રેખાને જ નહીં એ પછી રામેશ્વરીને પણ લેવામાં આવી ન હતી. પોતાને પસંદ આવેલી ભૂમિકા ના મળતાં રેખાએ ખસી જવાનું નક્કી કર્યું હતું. જીતેન્દ્રએ આ પહેલાં રામેશ્વરી અને રીના રૉય સાથે ફિલ્મ ‘આશા’ (૧૯૮૦) માં કામ કર્યું હતું. જ્યારે દાસારી રાવે બેમાંથી એક હીરોઈન તરીકે રીના રૉયને નક્કી કરી લીધી હતી ત્યારે જીતેન્દ્રએ રામેશ્વરીને પણ લેવાની ભલામણ કરી હતી. નિર્માતા પ્રસન્ન કપૂરે પણ બીજા એક કારણથી એમની વાત સ્વીકારી ન હતી.
‘આશા’ ની સફળતામાં નિર્દેશક જે. ઓમ પ્રકાશનો હાથ મોટો હતો. એ પછીની જીતેન્દ્રની ફિલ્મ ‘પ્યાસા સાવન’ માં બધાની શાખ દાવ પર લાગી હતી. પ્રસન્ન માનતા હતા કે રામેશ્વરીને બદલે મૌસમી ચેટર્જીને લેવાથી ફિલ્મની કિંમત સારી મળી શકે એમ હતી. એમની ગણતરી સાચી પડી હતી. ફિલ્મ રજૂ થયા પછી મૌસમીના અભિનયના જ વધારે વખાણ થયા હતા. ‘પ્યાસા સાવન’ ના લક્ષ્મીકાન્ત -પ્યારેલાલે તૈયાર કરેલા ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. એમાં ‘તેરા સાથ હૈ તો’ ગીતને લતા મંગેશકર ઉપરાંત કમલેશ અવસ્થીના અવાજમાં અલગથી રેકોર્ડ કરવામાં આવ્યું હતું. બંને ગીતોને પસંદ કરવામાં આવ્યા હતા. ઓ મેરી છમ્મક છલ્લો, મેધા રે મેધા રે વગેરે ગીતોએ પણ ધૂમ મચાવી દીધી હતી.