અમરીશ પુરી શશિની ‘વિજેતા’ માં રહ્યા

ફિલ્મ ‘વિજેતા’ (૧૯૮૨) ના ઘણા કલાકારો બદલાયા હતા પણ અમરીશ પુરી એમની ભૂમિકામાં નક્કી રહ્યા હતા. અભિનેતા શશિ કપૂરે નિર્માતા તરીકે ઇન્ડિયન એર ફોર્સ પર ફિલ્મ ‘વિજેતા’ બનાવવાનું નક્કી કર્યું ત્યારે નિર્દેશક તરીકે ગોવિંદ નિહલાનીને લીધા હતા. ફિલ્મમાં પહેલાં શશિએ પોતાની પત્નીની ભૂમિકા માટે શબાના આઝમીને નક્કી કર્યા હતા. પરંતુ એક વિગત મુજબ બંને વચ્ચે નજદીકી વધી રહી હોવાનું જાણતી અસલ પત્ની જેનીફરે શબાના સાથે કામ ન કરવાની સૂચના આપી હતી. એ પછી ફિલ્મમાં રેખા આવી હતી. એ જ રીતે કુણાલ કપૂરને દેબશ્રી રૉય સાથે મિત્રતાથી વિશેષ સંબંધ હોવાનું જાણવા મળ્યા પછી એના સ્થાને સુપ્રિયા પાઠકને લેવામાં આવી હતી. ફિલ્મમાં ગૃપ કેપ્ટનની ભૂમિકા માટે જ્યારે ગોવિંદ નિહલાનીએ અમરીશ પુરીનું નામ નક્કી કર્યું ત્યારે શશિએ ના પાડી હતી.

આ વાત અમરીશ પુરીએ એમની આત્મકથામાં કહી છે. અમરીશને લેવામાં શશિને જરા પણ રસ ન હતો. એમને વિશ્વાસ ન હતો કે એ આ ભૂમિકા ભજવી શકશે. જ્યારે ગોવિંદને પૂરો વિશ્વાસ હતો. શ્યામ બેનેગલ અને સત્યજીત દુબેએ પણ અમરીશને લેવા ભલામણ કરી દીધી હતી અને મનાવવા લાગ્યા હતા. શશિનું કહેવું હતું કે અમરીશની જે છબી છે એ આ ભૂમિકા માટે યોગ્ય નથી. કદાચ આ પહેલાં એ ‘નસીબ’ (૧૯૮૧) માં ડોન બન્યા હતા અને વિલનની ભૂમિકાઓ ભજવી હતી. ત્યારે ગોવિંદે એમને જવાબ આપ્યો હતો કે કોઈ કલાકારની છબીને આધારે ફિલ્મ બનાવવામાં આવતી નથી. શશિએ છેલ્લે હારીને હા પાડી હતી પણ એમની ઈચ્છા બિલકુલ ન હતી કે અમરીશ આ ભૂમિકા કરે. અમરીશની વેશભૂષા એવી બનાવવામાં આવી હતી કે એ વાયુસેના અધિકારી લાગે. ભૂમિકાને આત્મસાત કરવા અમરીશ શૂટિંગ ના હોય ત્યારે પણ કમાન્ડરની વર્દી પહેરીને આમતેમ ફરતા રહેતા હતા. એમને કોઈએ જણાવ્યું કે આ રીતે સેટ સિવાય ક્યાંય વર્દી પહેરીને ફરવાની મંજૂરી નથી. ત્યાર પછી એ કારમાં સેટ પર જવા લાગ્યા હતા.

ફિલ્મના એક દ્રશ્યમાં અમરીશે નવા ભરતી થયેલા યુવાનોને સંબોધન કરવાનું હતું. ત્યારે એમને એવી લાગણી થઈ હતી કે એ ખરેખર અધિકારી છે. અમરીશની સેનામાં જવાની ઈચ્છા પૂરી થઈ ન હતી પણ આ વર્દી પહેરીને જાણે એ ઈચ્છા પૂરી થઈ ગઈ હતી. અમરીશે સેનામાં ભરતી માટે આવેદન કર્યું હતું. પરંતુ જ્યારે ઇન્ટરવ્યુનો પત્ર મળ્યો ત્યારે એની તારીખ જતી રહી હતી. બીજા વર્ષે એ સૈનિક તરીકે ભરતી થવા આવેદન કરી શક્યા નહીં. કેમકે એમની ઉંમર એક વર્ષ વધારે હતી. ભારતીય વાયુ સેનાના સુવર્ણ જયંતિ વર્ષ ૧૯૮૨ માં ફિલ્મ ‘વિજેતા’ નો દિલ્લીમાં ઉચ્ચાધિકારીઓ માટે પ્રીમિયર શૉ થયો ત્યારે વિંગ કમાન્ડર સહિતના અધિકારીઓએ એમને ઘેરી લીધા હતા અને પ્રશંસા કરતા કહ્યું હતું કે તમે કોઈ અધિકારીથી વધુ સારા લાગો છો! એમણે અનુભવ્યું કે અમરીશે ભૂમિકાને જીવી જાણી છે. એ એમના અભિનયનો વિજય હતો.