નિર્માતા સુનીલ દર્શન અક્ષયકુમાર સાથે વધુ ફિલ્મો બનાવતા હતા. એમણે ‘અંદાજ’ (2003) બનાવવાનું નક્કી કર્યું ત્યારે એ ‘તલાશ: ધ હંટ બિગેન્સ’ (2003) નું નિર્દેશન કરી રહ્યા હતા. તેઓ એકસાથે બે ફિલ્મોનું નિર્દેશન કરતા ન હતા એટલે રાજ કંવરને નિર્દેશક તરીકે લીધા હતા. એમાં નદીમ- શ્રવણનું સંગીત અને હીરો તરીકે અક્ષયકુમાર નક્કી હતા. હીરોઈન તરીકે જાણીતી અભિનેત્રીઓ એમાં કામ કરવા માગતી હતી. કરિશ્મા કપૂર એમાં એક હતી. સુનીલે વિચાર્યું કે તે અક્ષયકુમાર- કરિશ્મા સાથે વધુ ફિલ્મો કરી રહ્યા હોવાથી ‘અંદાજ’ માં કંઇ નવું નહીં લાગે.
સુનીલે એમાં નવી હીરોઈનો લેવાનો નિર્ણય કર્યો. જેથી પોતાની અન્ય ફિલ્મોથી અલગ પડી શકે. નવી હીરોઈનો શોધવાનું કામ ત્યારે સરળ ન હતું. એ દિવસોમાં સુનીલ દર્શને ‘ફિલ્મફેર’ મેગેઝિનમાં અક્ષયકુમાર અને ‘મિસ યુનિવર્સ’ લારા દત્તાનું ફોટોશૂટ જોયું. લારાને બોલાવી અને એ ‘કાજલ’ ની ભૂમિકા માટે યોગ્ય હોવાથી સાઇન કરી લીધી. બીજી હીરોઈન માટે શોધ ચાલુ હતી ત્યારે સુનીલની ઓફિસ પર પ્રકાશ જાજૂ અને પ્રિયંકા ચોપડા ફિલ્મ મેળવવા મળવા માટે આવ્યા.
સુનીલે જ્યારે પ્રિયંકાને પહેલી વખત જોઈ ત્યારે ‘જીયા’ ની ભૂમિકા માટે એનો વિચાર કરી શક્યા નહીં. પરંતુ એની સાથે પંદરેક મિનિટ વાત કરી ત્યારે સુનીલને લાગ્યું કે એનો અવાજ નશીલો છે અને આંખો પણ સુંદર છે. એ ‘જીયા’ માટે યોગ્ય રહે એમ છે. સુનીલે સમજાવ્યું કે ‘અંદાજ’ માં એક હીરો અને બે હીરોઈન છે. આ ફિલ્મ જીતેન્દ્ર- શ્રીદેવી- જયાપ્રદાની હોય એવી છે. એમાં તારી ભૂમિકા શ્રીદેવી જેવી રહેવાની છે. પ્રિયંકા ભૂમિકા કરવા તૈયાર હતી.
સુનીલે કહ્યું કે તારું નાક બરાબર દેખાતું નથી. એ માટે પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે. પ્રિયંકા એ માટે પણ તૈયાર થઈ ગઈ. પરંતુ ફિલ્મનું શૂટિંગ દસ દિવસમાં શરૂ થવાનું હતું. પ્રિયંકા એટલી જલદી સર્જરી કરાવી શકે એમ ન હતી. એને એક મહિનો લાગે એમ હતો. તેથી એવું નક્કી કરવામાં આવ્યું કે પહેલાં લારાનું શુટિંગ શરૂ કરવામાં આવશે. ફિલ્મનું શુટિંગ શરૂ થઈ ગયું અને પ્રિયંકા પાછળથી એમાં જોડાઈ ગઈ. જ્યારે ગીતોનું શુટિંગ શરૂ થયું ત્યારે પ્રિયંકા સાથે એક બીજી સમસ્યા આવી. ‘અલ્લાહ કરે દિલ ના લગે કિસીસે’ ગીતના શૂટિંગમાં સુનીલને લાગ્યું કે પ્રિયંકાના ડાન્સમાં બોલિવૂડની હીરોઈનોમાં હોય એવા લટકા- ઝટકા બરાબર નથી. એને તાલીમની જરૂર હતી. એ સમય પર જ અક્ષયકુમારને ત્યાં પુત્રનો જન્મ થયો અને એક મહિના માટે શુટિંગ રદ કરવામાં આવ્યું.
આ દરમ્યાનમાં પ્રિયંકાએ દરરોજ કલાકો સુધી વીરૂ કૃષ્ણન પાસે ડાન્સની તાલીમ મેળવી. એ પછી જ્યારે શુટિંગ કરવામાં આવ્યું ત્યારે પ્રિયંકાએ સરસ ડાન્સ કર્યો. ફિલ્મના ગીતો તૈયાર થઈ ગયા પછી સુનીલ દર્શને એનું સંગીત આલબમ રજૂ કરવા જાણીતી સંગીત કંપનીનો સંપર્ક કર્યો ત્યારે એમણે ‘અંદાજ’ માં નવી હીરોઈનો હોવાથી રસ ના બતાવ્યો. અને કારણ એવું આપ્યું કે સંગીત ખાસ નથી. તેથી સુનીલે પોતાની જ સંગીત કંપની લોન્ચ કરી એને રજૂ કરવાનો નિર્ણય કર્યો. એ માટે એક ખાસ શૉ આયોજિત કરવામાં આવ્યો હતો. એ પછી સંગીત લોકપ્રિય થયું અને ફિલ્મ પણ સફળ રહી હતી.