‘લાપતા’ થી પલક ગાયિકા તરીકે ચર્ચામાં આવી

ગાયિકા તરીકે શ્રધ્ધા કપૂરની ‘આશિકી 2’ (2013) ના ગીતથી લોકપ્રિયતા મેળવનાર પલક મુછલે ખાસ સંઘર્ષ કરવો પડ્યો ન હતો. સલમાને પલકને બહુ જલદી પહેલી તક આપી હતી. પલક નાનપણથી જ ગાયનમાં રસ ધરાવતી હતી અને ગાયિકા બનવાના ધ્યેય સાથે જ આગળ વધી રહી હતી. 6 વર્ષની ઉંમરે એ સ્ટેજ શૉમાં ગાવા લાગી હતી. એના માતા-પિતાએ પણ ગાયન માટે પ્રોત્સાહન આપ્યું હતું. ગાયિકા બનવા શાસ્ત્રીય સંગીત ઉપરાંત ઉર્દૂ ભાષાની જાણકારી મેળવવી વગેરે બધી જ બાબતો પર એમણે ધ્યાન આપ્યું હતું.

13 વર્ષની ઉંમરે પલક ફિલ્મોમાં ગાયિકા બનવા ઈન્દોર છોડી મુંબઇ જવા તૈયાર થઈ ત્યારે પિતાને ફિલ્મ સંગીત માટે ખાસ માન ન હતું. એટલે એમણે એને ફિલ્મોના ગીતોને બદલે શાસ્ત્રીય ગાયનમાં આગળ વધવા આગ્રહ કર્યો હતો. અંતે પલકની ઈચ્છાને માન આપી તેઓ પણ મુંબઇ આવ્યા હતા. પલક પહેલાં કોલેજમાં ભણવા ગઈ હતી. એ સાથે ફિલ્મ સંગીત સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરવાનું શરૂ કરી દીધું હતું. સંઘર્ષ કરવા માટે એ માનસિક રીતે તૈયાર હતી. એ પોતાની ડેમો સીડી તૈયાર કરીને આવી હતી. અને સંગીતકારોની ઓફિસમાં ચક્કર મારવાનું આયોજન કરી ચૂકી હતી.

મુંબઈમાં પલકની ઓળખમાં એકમાત્ર નિર્દેશક રૂમી જાફરી હતા. એમણે પહેલા જ અઠવાડિયે પલકને ફોન કરીને કહ્યું કે તું આર.કે. સ્ટુડિયો આવી જા. મારે તારી મુલાકાત કોઇની સાથે કરાવવી છે. પલક ત્યાં જઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જે પ્રથમ વ્યક્તિને મળી એ સલમાન ખાન હતો. પલકે સલમાનને ‘લંબી જુદાઇ’ ગીત ગાઈ સંભળાવ્યું ત્યારે એ પ્રભાવિત થઈ ગયો અને કહ્યું કે બહુ જલદી તું મારી ફિલ્મ માટે ગાવાની છે. સલમાને એ કમિટમેન્ટ પાળ્યું પણ હતું. થોડા દિવસ પછી પલકને સંગીતકાર સાજિદ-વાજીદે બોલાવી અને ફિલ્મ ‘વીર’ (2010) માટે ‘મહેરબાનીયાં’ ગીતનો એક ટુકડો ગાવાની તક આપી.

રસપ્રદ વાત એ છે કે ફિલ્મનું સંગીત આલબમ બહાર આવી ગયું હતું. અને એ ગીત સોનૂ નિગમે ગાયું હતું. પણ સલમાને તક આપવા ફિલ્મમાં પલકના અવાજમાં એ ગીતની એક પંક્તિ રખાવી હતી. ત્યાર પછી સલમાને પલકને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે માર્ગદર્શન આપવાનું પણ શરૂ કર્યું હતું. થોડા સમય પછી સલમાને કહ્યું કે તું ‘યશરાજ ફિલ્મ્સ’ ની એક ફિલ્મ માટે ગાવાની છે. અને પછી સંગીતકાર સુહેલ સેનનો પલકને ફોન આવ્યો કે એ તેના અવાજમાં એક ગીત રેકોર્ડ કરવા માગે છે. ‘લાપતા’ ગીત રેકોર્ડ થયું ત્યારે પલકને ખબર ન હતી કે એ ‘એક થા ટાઈગર’ (2012) માટે હતું. સલમાને પછીથી એને માહિતી આપી હતી કે એણે જે ગીત ગાયું છે એ એની ફિલ્મમાં કેટરિના માટે છે. ‘લાપતા’ પલકનું પહેલું પાર્શ્વગીત હતું અને એ પછી એને તરત જ અસંખ્ય ગીતો ગાવાની તક મળવા લાગી હતી. એમાં ‘આશિકી 2’ ના ‘ચાહું મેં યા ના’ અને ‘મેરી આશિકી’ ગીતથી એટલી લોકપ્રિયતા મળી કે પલક મુછલે પાર્શ્વ ગાયનમાં પાછું વળીને જોવું પડ્યું નથી.