સંગીતકાર ઓ.પી. નૈયરે પોતાની કારકિર્દીમાં લતા મંગેશકર પાસે એક પણ ગીત ગવડાવ્યું ન હોવા છતાં સફળતા મળી હતી. પરંતુ સંગીત જગતને એમની લતાજી પ્રત્યેની નારાજગીનો અવારનવાર અનુભવ થતો રહ્યો હતો. લતાજી નૈયર સાથેની પહેલી ફિલ્મ ‘આસમાન'(૧૯૫૨) માં ગીત ગાઇ ના શક્યા એ વાતને તેમણે બહુ ગંભીરતાથી લીધી હતી. નિર્માતા દલસુખ પંચોલીની ફિલ્મ ‘આસમાન’ માં ઓ.પી. નૈયર લતાજી પાસે એક ગીત ગવડાવવાના હતા. એ સમય પર લોકપ્રિયતાને કારણે લતાજી વ્યસ્ત રહેતા હતા. બે-ત્રણ વખત નક્કી કર્યા પછી પણ તે ગીતના રેકોર્ડિંગમાં પહોંચી શક્યા ન હતા. ઓ.પી. નૈયર વિશેના પરાગ ડિમરીના પુસ્તકમાં એવો ઉલ્લેખ છે કે ‘આસમાન’ માં જે ગીત ગાવાનું હતું એ મુખ્ય હીરોઇન પર નહીં પરંતુ સહ અભિનેત્રી પર ફિલ્માવવામાં આવનાર હતું. એટલું જ નહીં બાકીના ગીતો લતાજીના એ સમયના મુખ્ય હરીફ ગણાતા ગાયિકા ગીતા દત્ત ગાવાના હતા. આ વાત લતાજીને યોગ્ય લાગી ન હોવાથી એમણે રસ બતાવ્યો નહીં. નૈયરે પાછળથી એ ગીત ‘જબ સે પી સંગ નૈના લગે’ ગાયિકા રાજકુમારી પાસે ગવડાવી લીધું હતું. અને એક નિર્ણય લીધો હતો કે તે જિંદગીમાં ક્યારેય લતાજી પાસે કોઇ ગીત ગવડાવશે નહીં. લતાજીએ નૈયરના સંગીતમાં કોઇ ગીત ગાયું નહીં પણ ફિલ્મ ‘મુઝસે દોસ્તી કરોગે’ ના એક મેડલી ગીતમાં નૈયરના સંગીતવાળી ફિલ્મ ‘નયાદૌર'(૧૯૫૭) નું આશાજીએ ગાયેલું ‘ઉડે જબ જબ જુલ્ફે તેરી’ જાણતા- અજાણતા ગાયું હતું.
નૈયરે લતાજીના વિકલ્પ તરીકે તેમના બહેન આશા ભોંસલેને વધુ તક આપી અને એમની ખોટ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આશાજીએ ગાયેલા ગીતોમાં સૌથી વધુ ઓ.પી. નૈયરના સંગીતમાં રહ્યા છે. નૈયરે લતાજી પાસે તો ગીતો ના જ ગવડાવ્યા પણ એવો જ અવાજ ધરાવતા હોવાનું જેમના માટે કહેવાતું રહ્યું એ સુમન કલ્યાણપુરના અવાજનો ઉપયોગ કરવાનું પણ ટાળ્યું હતું. તેનું એમણે એવું કારણ આપ્યું હતું કે પોતાની જીદને કારણે નૈયર લતાજીના સ્વરનો ઉપયોગ કરી શકતા નથી એટલે મજબૂર થઇને એમના જેવો સુમનનો અવાજ લઇ રહ્યા છે એવું કોઇ કહી જવું ના જોઇએ. ઓ.પી. નૈયરે લતાજીના સ્વરનો તો ઉપયોગ ના કર્યો પણ એમના નામનો એવોર્ડ પણ સ્વીકાર્યો ન હતો.
નેવુંના દાયકામાં જ્યારે નૈયર આર્થિક રીતે બેહાલ થઇ ગયા હતા અને સડક પર આવી ગયા હોય એવી સ્થિતિ હતી ત્યારે મધ્યપ્રદેશ સરકારે એમને ‘લતા મંગેશકર એવોર્ડ’ થી સન્માનિત કરવાનો નિર્ણય લીધો હતો. પુરસ્કાર તરીકે એક લાખ રૂપિયા આપવામાં આવનાર હતા. એ સમય પર આ રકમ બહુ મોટી હતી. જ્યારે સરકારી પ્રતિનિધિઓનું મંડળ તેમને આ બાબતે જાણ કરવા ગયું ત્યારે તેમણે એવોર્ડ લેવાનો ઇન્કાર કરી દીધો હતો. એ માટે તેમણે એવા કારણ આપ્યા હતા કે મેં ક્યારેય લતા મંગેશકર સાથે કામ કર્યું નથી. અને એક જીવિત વ્યક્તિના નામ પર એવોર્ડ આપવો ના જોઇએ. બીજી વાત એ કે ગાયકના નામ પર એવોર્ડ રાખ્યો હોય તો સંગીતકારને કેવી રીતે આપી શકાય. અને ગાયકનું મહત્વ સંગીતકારને કારણે જ હોય છે. નૈયરે સાથે એમ પણ કહ્યું હતું કે જો ‘ગીતા દત્ત’ ના નામ પર આ પુરસ્કાર અપાવાનો હોત તો તેમણે અપવાદ તરીકે ગ્રહણ કરી લીધો હોત.