ફરાહની ‘ઓમ શાંતિ ઓમ’ માં ‘દિવાનગી દિવાનગી’

ફરાહ ખાને સ્ટાર્સ માટેની દિવાનગીને કારણે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’ (૨૦૦૭) ના ‘દિવાનગી દિવાનગી’ ગીતમાં બે ડઝનથી વધુ ફિલ્મ સ્ટાર્સને બોલાવ્યા હતા. અગાઉ મનમોહન દેસાઇની ફિલ્મ ‘નસીબ’ ના ‘જૉન જાની જનાર્દન’ ગીતમાં આ રીતે એ સમયના જાણીતા સ્ટાર્સ રાજ, શમ્મી, રણધીર, રાજેશ, વહીદા, શર્મિલા, માલા, બિંદુ, સિમી વગેરેને ભેગા કરવામાં આવ્યા હતા. એવા જ ‘ઓમ શાંતિ ઓમ’ના ગીતમાં અમિતાભ બચ્ચન આવી શક્યા ન હતા. ફરાહે શાહરૂખ ખાન સાથે ‘ઓમ શાંતિ ઓમ’ નું નિર્માણ કર્યું ત્યારે એમાં એક ગીતમાં અનેક સ્ટાર્સને બોલાવવાનો પડકાર ઝીલી લીધો હતો.

દરેક સ્ટાર્સને બાકાયદા લગ્નમાં અપાય એ રીતનું રૂબરૂ અને ફોનથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. ફરાહે એક મુલાકાતમાં કહ્યું હતું કે શાહરૂખ સમાન્ય રીતે મોડો ઊઠતો હોય છે પણ એ ગીતનું શુટિંગ હતું ત્યારે દરરોજ વહેલો ઉઠીને આવી જતો હતો. કેમકે એ નિર્માતા હતો. ફરાહ ઇચ્છતી હતી કે ગીતમાં દિલીપકુમાર- સાયરા બાનુ ખાસ હોવા જોઈએ. શાહરૂખે ફરાહને કહ્યું હતું કે બીજા બધાની સાથે તમે વાત કરી લેજો પણ દિલીપકુમાર અને સાયરા બાનુને લાવવાની જવાબદારી મારી રહેશે. હું એમના ઘરે જઈને એમને લઈને આવીશ. જોકે, શાહરૂખ એમને લાવી શક્યો ન હતો.

‘દિવાનગી દિવાનગી’ ગીતમાં જીતેન્દ્ર, ધર્મેન્દ્ર, મિથુન, સુનીલ, ગોવિંદા, શબાના, રેખા, કાજોલ, સલમાન, સંજય, સૈફ, રાની મુખર્જી, વિદ્યા બાલન, ઉર્મિલા, કરિશ્મા, જુહી, પ્રિટી, તબુ, લારા વગેરે ૩૧ જેટલા સ્ટાર્સ હાજર રહ્યા હતા. ઘણા બધાં સ્ટાર્સ અનિવાર્ય સંજોગોને કારણે હાજર રહી શક્યા ન હતા. અભિષેકના લગ્નની તૈયારી ચાલતી હોવાથી અમિતાભ આવી શક્યા ન હતા. રવિના ટંડન ગર્ભવતી હોવાથી આવી શકે એમ ન હતી. દેવ આનંદે એમ કહીને ના પાડી હતી કે તે મુખ્ય અભિનેતા તરીકે જ કામ કરે છે. કોઈ ફિલ્મમાં મહેમાન કલાકાર તરીકે કામ કરતા નથી. માધુરી દીક્ષિત ‘આજા નચ લે’ (૨૦૦૭) ના પ્રચારમાં વ્યસ્ત હતી.

આમિર ખાને પહેલાં હા પાડી હતી પણ છેલ્લે ‘તારે જમીન પર’ (૨૦૦૭) ના એડિટિંગ પર ધ્યાન આપી રહ્યો હોવાનું કહી આવ્યો ન હતો. નહીંતર ‘દિવાનગી દિવાનગી’ ગીતમાં ત્રણ મુખ્ય ખાન એકસાથે દેખાયા હોત. ફરદીન ખાન આવવાનો હતો પણ ત્યારે દુબઈમાં ડ્રગ્સ કેસમાં પકડાયો હતો. ગીતના શુટિંગ માટે ફરાહે ખાસ આયોજન કર્યું હતું. દરરોજ પાંચ સ્ટાર્સને બોલાવતી હતી અને દરેક બે-બે કલાક માટે શુટિંગ કરતા હતા. ફરાહે ગીતના શુટિંગમા હાજર રહેનાર તમામ સ્ટાર્સને કિમતી વસ્તુઓની ભેટ આપી હતી.