‘ઘર ઘર કી કહાની'(૧૯૭૦)થી અભિનય કારકિર્દી શરૂ કરનાર સંગીતકાર રોશનના પુત્ર રાકેશ રોશને ઘર ચલાવવા માટે અભિનય છોડીને નિર્માતા બનવું પડ્યું હતું. પિતા રોશનનું અવસાન થયું ત્યારે રાકેશ પૂણેની કોલેજમાં ભણતો હતો. તેમના અવસાન પછી પરિવારની જવાબદારી રાકેશના માથા પર આવી ગઇ હતી. રાકેશ પૂણેથી મુંબઇ આવી ગયો અને નિર્દેશક એચ.એસ. રવેલના સહાયક તરીકે કામ શરૂ કર્યું. પરંતુ રાકેશને અભિનેતા બનવાની તમન્ના હતી. અભિનેતા રાજેન્દ્રકુમારની ભલામણથી બલરાજ સહાની- નિરુપા રોયની મુખ્ય ભૂમિકાવાળી પહેલી ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’ માં રાકેશને ખાસ તક મળી ન હતી. એ પછી સ્ટાર ગણાતી હેમામાલિની સાથેની ‘આજ ઉન સે પહેલી મુલાકાત હોગી’ જેવા હિટ ગીતોવાળી પરાયા ધન (૧૯૭૧) કરી. બીજી ઘણી ફિલ્મો કર્યા પછી પણ રાકેશ ટોચના અભિનેતાઓની યાદીમાં આવ્યો ન હતો. નિર્માતાઓ તેને યાદ કરતા ન હતા.
રાકેશની કેટલાક નિર્માતાઓ સાથે ઓળખાણ હતી. ઘણા નિર્માતા- નિર્દેશકોના ફોન નંબર તેને યાદ રહી ગયા હતા. તે શરમ રાખ્યા વગર તેમને ફોન કરીને સામેથી રોલ માંગતો રહેતો હતો. રાકેશના પ્રયત્ન ખાસ સફળ થઇ રહ્યા ન હતા. ૧૯૮૦ ની સાલ સુધી એક પછી એક ફિલ્મોમાં અભિનય કરવાની તક મેળવી પરંતુ અભિનયમાં જે ઉંચાઇ મળવી જોઇએ એ મળતી ન હતી. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સફળતા મળતી ન હતી. કેમકે ત્યારે સ્ટાર હીરોઇનો તેની સાથે કામ કરવા માગતી ન હતી. રાકેશને સોલો હીરો તરીકે જે ફિલ્મો મળી એ મહિલાપ્રધાન હતી. અને સાઇડ હીરો તરીકે જ મોટાભાગની ફિલ્મોમાં કામ મળતું હતું. એ ફિલ્મોના પોસ્ટરમાં પણ તેનો ફોટો છાપવામાં આવતો ન હતો.
બે નિર્દેશકો ઋષિકેશ મુખર્જી અને બાસુ ચેટર્જી એવા હતા જેમણે સામે ચાલીને રાકેશને ફિલ્મ માટે બોલાવ્યો હતો. બાસુ ચેટર્જીએ રાકેશ સાથે ‘પ્રિયતમા’ અને ‘ખટ્ટા મીઠા’ બનાવી હતી. જ્યારે ઋષિદાએ એક વખત રાકેશને બોલાવ્યો અને તેની સાથે રેખાને હીરોઇન લઇ ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તે જાણતો હતો કે સફળ હીરો નથી. એટલે કહી દીધું કે રેખાને પૂછી લેજો કે તે મારી સાથે કામ કરવા માગે છે ખરીને. ત્યારે ઋષિદાએ એની સંમતિ હોવાનું કહ્યું. પણ જ્યારે નિર્માતાને ખબર પડી કે રેખાના હીરો તરીકે રાકેશને લેવામાં આવ્યો છે ત્યારે એમણે ફિલ્મ બનાવવાની ના પાડી દીધી. રાકેશે એ નિર્માતા મિત્ર હોવાથી નામ આપવાનું ટાળ્યું છે. તે નિર્માતાની સ્થિતિ સમજી શકતો હતો.
અભિનેતા તરીકે કેટલીક ફિલ્મો ચાલી હોવા છતાં નવી ન મળતાં રાકેશે જોયું કે બધું જ નિર્માતાના હાથમાં હોય છે. અને રાકેશે નિર્માતા બનવાનું નક્કી કરી લીધું. ઘર ચલાવવા કામ કરવું જરૂરી હતું. એમના પુત્ર રિતિક રોશને પણ એક મુલાકાતમાં કહ્યું છે કે એમણે એવા ખરાબ દિવસો જોયા છે કે ઘરનું ભાડું ભરવાના પૈસા રહેતા ન હતા. રાકેશ રોશને જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. નિર્માતા તરીકે પહેલી ફિલ્મ ‘આપ કે દીવાને’ (૧૯૮૦) ને સફળતા ના મળી. બીજી ફિલ્મ ‘કામચોર’ (૧૯૮૨) સફળ રહી. રાકેશે નિર્માતા તરીકેની ફિલ્મોમાં અભિનયનો શોખ પૂરો કર્યો પરંતુ ‘ખુદગર્જ’ (૧૯૮૭) થી નિર્માતા સાથે નિર્દેશન તરફ વળી ગયા. એ પછી પાછું વળીને જોવું પડ્યું નથી. એ કહેવાની જરૂર નથી કે તે નિર્માતા અને નિર્દેશક તરીકે એટલું કમાયા કે મુંબઇમાં પોતાનું આલિશાન ઘર ધરાવે છે.
– રાકેશ ઠક્કર (વાપી)