‘પરિન્દા’ માં નાના ‘મોટાભાઇ’ ના બની શક્યો                          

નિર્દેશક વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ ‘પરિન્દા’ (૧૯૮૯) માં અનેક કલાકારો બદલાયા હતા. વિધુએ થ્રીલર ફિલ્મ ‘ખામોશ’ (૧૯૮૬) બનાવી ત્યારે એક વર્ષ સુધી એને કોઈ વિતરક થિયેટરમાં રજૂ કરવા તૈયાર થયા ન હતા. એમણે પોતે ફિલ્મ રજૂ કરવી પડી હતી. વિધુ હતાશ થઈ ગયા હતા અને એ કારણે વધારે પડતી કમર્શિયલ હિન્દી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ‘પરિન્દા’ બનાવી હતી. શરૂઆતમાં એનું નામ ‘કબૂતરખાના’ રાખવામાં આવ્યું હતું. એમાં બે ભાઈની વાર્તા હતી. વિધુએ ‘કિશન’ ની ભૂમિકા નસીરુદ્દીન શાહને કરવા કહ્યું હતું. કેમકે એમની સાથે અગાઉ ‘ખામોશ’ માં કામ કર્યું હતું. નસીરે ફિલ્મની આખી વાર્તા સાંભળીને ના પાડી દીધી હતી. નસીરનો તર્ક હતો કે ભાઈની હત્યા થયા પછી લોકોને આગળની ફિલ્મ જોવામાં રસ પડશે નહીં.

વિધુએ એક ભાઈ ‘કરન’ ની ભૂમિકા માટે અનિલ કપૂરને પસંદ કરી લીધો હતો. મોટાભાઈ ‘કિશન’ ની ભૂમિકા માટે નાના પાટેકર પર પસંદગી ઉતારી હતી. પરંતુ અનિલનું માનવું હતું કે નાના પાટેકર એના ભાઈની ભૂમિકામાં યોગ્ય રહેશે નહીં. એણે જેકી શ્રોફના નામનું સૂચન કર્યા પછી જેકીને લેવામાં આવ્યો હતો. જેકીએ જ્યારે જાણ્યું કે અનિલના મોટા ભાઈની ભૂમિકા છે ત્યારે જેકીએ પહેલા શંકા વ્યક્ત કરી હતી કે તું ‘મોટો ભાઈ’ બનાવીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી કાઢી મૂકીશ! જેકીને વિધુની ફિલ્મ ‘ખામોશ’ વિષે કોઈ ખબર ન હતી એટલે વિચાર કરતો હતો પણ અનિલ કપૂરે ભરોસો અપાવ્યો હતો. વિધુ સાથે મુલાકાત કરવા લઈ જતી વખતે કારમાં ફિલ્મના ગીતો સંભળાવ્યા હતા. એ જેકીને ગમ્યા હતા.

અનિલે જ્યારે વિધુ સાથે જેકીની મુલાકાત કરાવી ત્યારે એમને પૂછ્યું હતું કે ગીતો કોના પર ફિલ્માવવામાં આવનાર છે? વિધુએ અનિલનું નામ આપ્યું હતું. જેકીને અનિલ સાથે મિત્રતા હોવાથી આ વાતનો કોઈ વાંધો ન હતો અને એણે ‘પરિન્દા’ માટે હા પાડી દીધી હતી. જેકીએ અનિલ ઉપર ભરોસો રાખીને સ્ક્રીપ્ટ વાંચી ન હતી. આ ફિલ્મ માટે જેકીને ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પહેલો એવોર્ડ મળ્યો હતો. એની સાથે સ્પર્ધામાં અનિલ કપૂર (ઈશ્વર) જ નહીં સલમાન ખાન (મૈંને પ્યાર કિયા), આમિર ખાન (રાખ) અને ઋષિ કપૂર (ચાંદની) પણ હતા. નાના પાટેકરને સર્વશ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો. જેકી પાસે ભૂમિકા જતી રહી હોવાની જાણ થતાં નાના પાટેકર નિરાશ થઈ ગયા હતા. કેમકે એ જ સમય પર ગોવિંદ નિહલાનીએ પણ એમની ફિલ્મ માટે પસંદ કર્યા પછી ના પાડી દીધી હતી.

અગાઉ ફિલ્મમાં ‘પાટયા’ નામના વિલનનું પાત્ર હતું. જે પરેશ રાવલ કરવાના હતા. અને એને બદલીને ‘અન્ના સેઠ’ કરવામાં આવ્યું હતું. એ પાત્ર નાના પાટેકરને આપવામાં આવ્યું હતું. વિધુએ નાનાને ‘પરુષ’ નાટકમાં કામ કરતા જોયો હતો એટલે પસંદ કર્યો હતો. રૂ.૧૨ લાખના ખર્ચે તૈયાર થયેલી અને ખૂબ સફળ રહેલી ‘પરિન્દા’ અનેક બાબતે વિશેષ ફિલ્મ બની હતી. ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મુંબઈના અસલ લોકેશન્સ પર કરવામાં આવ્યું હતું. ફિલ્મના ‘ધંધે મેં કોઈ કિસીકા ભાઈ નહીં હોતા’ જેવા સંવાદ બહુ લોકપ્રિય રહ્યા છે. જેના સંવાદની કેસેટ બહાર પડી હોય એવી ‘શોલે’ પછીની આ બીજી ફિલ્મ બની હતી. વિધુ વિનોદ ચોપડાએ ‘પરિન્દા’ ને અંગ્રેજીમાં ‘બ્રોકેન હોર્સેસ’ (૨૦૧૫) નામથી પણ બનાવી હતી.