ઈન્દીવરે પોતાનું જ ગીત ફરી લખ્યું

નિર્દેશક રાજીવ રાયે ફિલ્મ ‘મોહરા’ (૧૯૯૪) નું આયોજન કર્યું ત્યારે સંગીતકાર તરીકે વિજૂ શાહ હતા અને પ્રથમ ઈન્દીવરે લખેલું એક ગીત તૈયાર થયું હતું. એની ઈન્દીવરને જ ખબર ન હતી. વિજૂએ સૌથી પહેલાં ‘ના કજરે કી ધાર, ના મોતિયોં કે હાર’ ગીત માટે સંગીત તૈયાર કર્યું હતું. અસલમાં સંગીતકાર કલ્યાણજી- આણંદજીએ ‘સરસ્વતીચંદ્ર’ (૧૯૬૮) પછી એ જ નિર્માતાની શશી કપૂર-નૂતન અભિનીત એક ફિલ્મ માટે મુકેશના સ્વરમાં ઈન્દીવરે લખેલું આ ગીત તૈયાર કર્યું હતું. પણ એ ફિલ્મ બંધ થઈ ગઈ હતી. એ ગીત વિજૂએ સાંભળ્યું હતું અને બહુ ગમતું હતું.

ભવિષ્યમાં ક્યારેક એનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું. ‘મોહરા’ માં સિચ્યુએશન એવી આવી ત્યારે એનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. વિજૂએ રાજીવને કહ્યું કે એક ગીત છે. વિજૂએ એનું સંગીત નવેસરથી તૈયાર કર્યું હતું. વિજૂએ જ્યારે રાજીવને આ ગીત સંભળાવ્યું ત્યારે પહેલી વખતમાં એને ખાસ ના લાગ્યું. સંગીતમાં થોડો ફેરફાર કરીને વિજૂએ બીજા દિવસે ફરી સંભળાવ્યું ત્યારે રાજીવે કહ્યું કે આ હીરોનું સોલો ગીત છે. આપણી ફિલ્મની સિચ્યુએશન મુજબ સાથે હીરોઈન પણ ગાય છે. વિજૂએ કહ્યું કે ગીતમાં ફેરફાર કરવો હોય તો એના મૂળ રચયિતા ઈન્દીવરને જ બોલાવવા પડશે.

વિજૂએ ઈન્દીવરને બોલાવ્યા અને કહ્યું કે ફિલ્મ માટે એક ગીત લખવાનું છે. ત્યારે એમને એમ ના કહ્યું કે આ ગીત અગાઉ એમણે જ લખ્યું છે. ઈન્દીવરે કલ્યાણજી- આણંદજી સાથેના સંબંધને કારણે વિજૂને પુત્ર જેવો ગણતા હોવાથી હા પાડી દીધી. વિજૂએ એમના જ ગીત ‘ના કજરે કી ધાર’ નું મુખડું સંભળાવીને કહ્યું કે હીરો આ ગાય પછી હીરોઈન માટે લખવાનું છે. ઈન્દીવરે હીરોઈન માટે ‘મનમેં પ્યાર ભરા ઔર તન મેં પ્યાર ભરા’ શબ્દો સાથે પંક્તિઓ લખી આપી. ગીતનું પંકજ ઉધાસ અને સાધના સરગમના સ્વરમાં રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું.

રાજીવે ‘મોહરા’ નું આ પહેલું ગીત તૈયાર થયા પછી પિતા ગુલશન રાયને સંભળાવ્યું. એમને ગીત બહુ પસંદ આવ્યું એટલે રાજીવને રાહત થઈ કે શરૂઆત સારી થઈ છે. પછીથી જ્યારે વિજૂએ ઈન્દીવરને કહ્યું ત્યારે એ નવાઈ પામી ગયા. એમને યાદ જ ન હતું કે આવું કોઈ ગીત વર્ષો પહેલાં લખ્યું હતું. એમને જ્યારે ‘ના કજરે કી ધાર’ લખવા કહેવામાં આવ્યું ત્યારે એમ થતું હતું કે કોઈએ બહુ સારું લખ્યું છે. એને હું ન્યાય આપી શક્યો છું કે નહીં એ જાણતો નથી. પાછળથી વિજૂએ કહ્યું ત્યારે પોતાનું જ ગીત ફરી લખ્યું એ વાતથી બહુ આશ્ચર્ય પામ્યા હતા. એ પછી ફિલ્મનું બીજું ગીત ‘દિલ હર કોઈ દેતા હૈ’ પણ ઈન્દીવર પાસે લખાવવામાં આવ્યું. જ્યારે ત્રીજા ગીતની વાત આવી ત્યારે નિર્દેશક રાજીવ રાયે વિજૂને કહ્યું કે આ એક આઈટમ ગીત હોવાથી ઈન્દીવર લખી શકશે નહીં. અને આનંદ બક્ષી આ ફિલ્મના ગીતકાર નથી.  એટલે બીજા કોઈ ગીતકારનો સંપર્ક કરવો પડશે.

(ફિલ્મનું એ ત્રીજું ગીત કયું હતું અને એ કેવા સંજોગોમાં કેવી રીતે લખાયું એની રસપ્રદ વાતો આગામી લેખમાં વાંચી શકશો.)