મોહનીશ બહલને મળ્યો સલમાનનો સહારો  

હીરો તરીકે કારકિર્દી શરૂ કરનાર અભિનેત્રી નૂતનનો પુત્ર મોહનીશ બહલ જ્યારે અભિનયમાં નિષ્ફળતા પછી પાયલટ બનવા જઇ રહ્યો હતો ત્યારે જેની એકપણ ફિલ્મ રજૂ થઇ ન હતી. એ સમયે સલમાન ખાન મદદે આવ્યો હતો. મોહનીશને નૂતનના પુત્ર હોવાને કારણે જ સંજય દત્ત સાથે પહેલી ફિલ્મ ‘બેકરાર’ (૧૯૮૩) મળી હતી. એ પછી નિર્દેશક ઉમેશ મહેરાની ‘તેરી બાંહોં મેં’ (૧૯૮૪) માં પાછળથી જેકી શ્રોફ સાથે લગ્ન કરનાર આયેશા દત્તનો હીરો બન્યો હતો. રજનીકાંત- ઝીનત અમાનની ‘મેરી અદાલત’ (૧૯૮૪) માં એક ભૂમિકા કરવાની તક મળી. રામસે બ્રધર્સની ‘પુરાના મંદિર’ (૧૯૮૪) જેવી ફિલ્મો પણ કરી હતી. છેલ્લે અનિલ કપૂરની ‘ઇતિહાસ’ (૧૯૮૭) માં ઇન્સ્પેક્ટરની ભૂમિકા કરી.

 

એ બધી જ ફિલ્મો ફ્લોપ થઇ જતાં તે હતાશ થઇ ગયો હતો. માતા નૂતને પોતે આવી પરિસ્થિતિમાંથી પસાર થયા હોવાનું યાદ કરી એને સમજાવ્યો હતો પણ મોહનીશ માનતો હતો કે હવે એ ફિલ્મોમાં આગળ વધી શકશે નહીં. તેણે કેટલાક નિર્માતાઓને ત્યાં જઇ કામ મેળવવાનો પ્રયત્ન કર્યો અને કામ મળ્યું નહીં એટલે ખ્યાલ આવી ગયો કે તેની અભિનય કારકિર્દીનો અંત આવી ગયો છે. તેણે પોતાનું પાયલટ બનવાનું જૂનું સપનું પૂરું કરવાનો નિર્ણય કરી વ્યવસાયિક પાયલટ બનવાનું લાયસન્સ મેળવવા મુંબઇ ફ્લાઇંગ ક્લબમાં પ્રવેશ મેળવી લીધો. દરમ્યાનમાં મોહનીશ જિમમાં જતો રહેતો હતો. ત્યાં સલમાન ખાન બોડી બિલ્ડીંગ માટે આવતો હતો અને બંને વચ્ચે મિત્રતા થઇ ચૂકી હતી. ત્યારે સલમાન પોતે અભિનયમાં આવવાનું વિચારતો હતો.

એ ઇચ્છા જ્યારે એણે વ્યક્ત કરી ત્યારે મોહનીશે પોતાનું જ ઉદાહરણ આપ્યું કે છ ફૂટનો છું અને મારી હીરો તરીકે છ ફિલ્મો ફ્લોપ થઇ ચૂકી છે ત્યારે તારા જેવા ઓછી ઉંચાઇના અને દૂબળા-પાતળા યુવાનને કેવી રીતે હીરો તરીકે કામ મળશે. પરંતુ સલમાને સંઘર્ષ ચાલુ રાખ્યો અને રાજશ્રીની ફિલ્મ મૈંને પ્યાર કિયા’ (૧૯૮૯) મળી ત્યારે એણે પોતાના મિત્ર મોહનીશને એમાં વિલનની એક ભૂમિકા હતી એ મળે એવો પ્રયત્ન કર્યો. મોહનીશને જ્યારે સલમાને વિલન બનવાની તૈયારી હોવાનું પૂછયું ત્યારે એણે એ ભૂમિકા માટે હા પાડી દીધી. તેને વિચાર્યું કે અભિનય માટે તક મળતી હોય તો ઝડપી લેવી જોઇએ.

 

મોહનીશ માટે મોટી વાત એ હતી કે સંઘર્ષ કરતા સલમાને એના માટે ભલામણ કરી હતી. અને એવી સ્થિતિમાં જ્યારે મોહનીશ ફ્લોપ હતો. મોહનીશે ઓડિશન આપ્યું અને પસંદ થઇ ગયો. ફિલ્મને બહુ મોટી સફળતા મળી અને મોહનીશ ફરી કાયમ માટે અભિનય કારકિર્દીમાં આવી ગયો. સલમાનની બીજી ફિલ્મ ‘બાગી’ (૧૯૯૦) માં ‘જગ્ગુ’ ની ભૂમિકા મળી. પછી તો ઝડપથી આગળ વધ્યો. મોહનીશ એ વાત સ્વીકારે છે કે જો સલમાને એ ફિલ્મ ના અપાવી હોત તો ફરી ક્યારેય અભિનયમાં પાછો આવી શક્યો ના હોત. સલમાન સાથે મોહનીશને રાજશ્રીની જ ‘હમ આપ કે હૈ કૌન’ (૧૯૯૪) માં હકારાત્મક ભૂમિકા પણ મળી હતી.